કાંગારૂઓને પછાડી ટીમ ઈન્ડિયાએ બનાવ્યો અનોખો રેકોર્ડ, આ બાબતમાં પહોંચ્યું બીજા ક્રમે
IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની વનડે સીરિઝની પહેલી મેચનું કોઈએ વિચાર્યું ન હોય તેવું પરિણામ આવ્યું હતું. બંને ટીમના એકસરખા સ્કોરને કારણે મેચ ટાઈ થઇ હતી. આ મેચમાં શ્રીલંકન ટીમ ટોસ જીતી પહેલી બેટિંગ કરવા ઉતરી હતી. માત્ર 101 રનના સ્કોર પર અડધી ટીમ પવેલિયન ભેગી થઇ ગઈ હતી. જો કે શ્રીલંકન ટીમે 50 ઓવર રમીને 230નો સ્કોર કરવામાં સફળ રહી હતી. આ પછી લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમ 47.5 ઓવરમાં 230ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. આ મેચ ટાઈ થવાના કારણે ભારતીય ટીમે હવે એક ખાસ રેકોર્ડમાં ઓસ્ટ્રેલિયન ટીમને પાછળ છોડી દીધી છે.
ટાઈ વનડે મેચ રમવામાં ભારતીય ટીમ આગળ
અત્યાર સુધીના વનડે ક્રિકેટના ઈતિહાસમાં બહુ ઓછી મેચ ટાઈ થઇ છે. ભારતીય ટીમે અત્યાર સુધીમાં કુલ 1056 વનડે મેચ રમી છે, જેમાંથી ભારતે 559 મેચ જીતી છે અને 443 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સિવાય 10 મેચ ટાઈ થઇ છે. વનડે ફોર્મેટમાં અત્યાર સુધી ભારત ટાઈ મેચ રમવાના મામલે વેસ્ટ ઈન્ડિઝને પાછળ છોડી યાદીમાં બીજા ક્રમે આવી ગયું છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ 9 ટાઈ મેચ રમીને ત્રીજું સ્થાન ધરાવે છે.
ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી વનડે 4 ઓગસ્ટે રમાશે
ભારતીય ટીમ શ્રીલંકા સામેની વનડે સીરિઝની બીજી મેચ 4 ઓગસ્ટના રોજ આર. પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો ખાતે રમશે. આગામી વર્ષે યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા તૈયારીના ભાગરૂપે આ સીરિઝ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પહેલી વનડે મેચમાં શ્રીલંકાના બોલરોનું ભારતીય બેટર સામે વર્ચસ્વ સ્પષ્ટપણે જોવા મળ્યું હતું. જેમાં ભારતીય બેટર શ્રીલંકન બોલરો સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. તેથી બીજી વનડેમાં ટીમે વધુ સારી વ્યૂહનીતિ સાથે મેદાનમાં ઉતરવું પડશે.
વનડે ફોર્મેટમાં સૌથી વધુ ટાઈ મેચ રમનારી ટીમ
વેસ્ટ ઈન્ડિઝ - 11
ભારત - 10
ઓસ્ટ્રેલિયા - 9
ઈંગ્લેન્ડ - 9
પાકિસ્તાન - 9
ઝિમ્બાબ્વે - 8