IPL ઑક્શનમાં નિરાશા બાદ ભારતીય ક્રિકેટરની નિવૃત્તિની જાહેરાત, કોહલીની અંડર-19 ટીમમાં હતો
Image: Facebook
Siddharth Kaul Retirement: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સિઝન માટે મેગા ઑક્શન તાજેતરમાં જ પૂર્ણ થયું છે. તે બાદ હવે IPL સ્ટારના સંન્યાસના સમાચાર સામે આવ્યા છે. ઝડપી બોલર સિદ્ધાર્થ કૌલે ભારતીય ક્રિકેટથી સંન્યાસ લઈ લીધો છે. કૌલે 2018માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું. તેણે 3 વનડે અને 3 ટી20 મેચ રમી, જેમાં કુલ 4 વિકેટ લીધી.
34 વર્ષના કૌલે પંજાબ માટે ઘરેલું ક્રિકેટ રમી અને 88 ફર્સ્ટ ક્લાસ મેચમાં 26.77ની સરેરાશથી 297 વિકેટ લીધી. તેણે 17 વખત પાંચ વિકેટ લીધી. સિદ્ધાર્થ કૌલ 2008માં વિરાટ કોહલીની કૅપ્ટનશિપવાળી અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતો.
આ પણ વાંચો: VIDEO: આવો કેચ નહીં જોયો હોય...! ન્યુઝીલેન્ડના 'સુપરમેન'ની ફરી ક્રિકેટ જગતમાં ચર્ચા
2016માં સનરાઇઝર્સ હૈદરાબાદે જ્યારે IPL ખિતાબ જીત્યો હતો, ત્યારે સિદ્ધાર્થ કૌલ ટીમનો ભાગ હતો. જોકે, તે સિઝનમાં તે કોઈ મેચ રમી શક્યો નહતો. કૌલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સંન્યાસની જાહેરાત કરી ત્યારે તેણે કહ્યું, બાળપણમાં પંજાબમાં ખેતરોમાં ક્રિકેટ રમતો હતો તો દેશ માટે રમવું મારું એક સ્વપ્ન હતું.
કૌલે 2013થી અત્યાર સુધી IPL માં કુલ 54 મેચ રમી, જેમાં 29.24ની સરેરાશથી 58 વિકેટ લીધી. ફેબ્રુઆરી 2019 બાદથી ભારત માટે રમ્યા નથી. IPL 2025ના મેગા ઑક્શનમાં પણ સિદ્ધાર્થ કૌલને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યો હતો પરંતુ હરાજી દરમિયાન તેને કોઈએ ખરીદ્યો નહીં. સિદ્ધાર્થની બેઝ પ્રાઇઝ 40 લાખ રૂપિયા હતી.