‘...તો ભારત-પાકિસ્તાન વચ્ચે થશે મુકાબલો’, પાડોશી દેશ સાથે બદલો લેવાની ટીમ ઈન્ડિયાને તક
Under-19 Asia Cup 2024 : UAEમાં અંડર-19 એશિયા કપ 2024ની શરૂઆત 29 નવેમ્બરથી થઇ હતી. જેમાં કુલ 8 ટીમો ભાગ લીધો હતો. જેમાંથી 4 ટીમો હવે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. આ સાથે જ 4 ટીમોએ સેમિ ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ ટુર્નામેન્ટમાં અફઘાનિસ્તાન, જાપાન, યુએઈ અને નેપાળની ટીમોની સફર હવે પૂરી થઈ ગઈ છે. બીજી તરફ ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમો સેમિ ફાઇનલ મેચ રમશે. સેમિ ફાઈનલમાં કઈ ટીમ કોની સામે ટકરાશે તે પણ નક્કી થઈ ગયું છે.
સેમિ ફાઈનલમાં કઈ ટીમો એકબીજા સામે ટકરાશે?
આ ટુર્નામેન્ટમાં 8 ટીમોને 4-4ના ગ્રુપમાં વહેંચવામાં આવી છે. હવે બંને ટીમોમાંથી બે-બે ટીમ સેમિ ફાઈનલમાં પહોંચી ગઈ છે. ભારત અને પાકિસ્તાને ગ્રુપ Aમાંથી સેમિ ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું છે. જ્યારે શ્રીલંકા અને બાંગ્લાદેશ ગ્રુપ Bમાંથી ક્વોલિફાય થયા છે. સેમિ ફાઇનલમાં ગ્રુપ Aની ટોચની ટીમનો મુકાબલો ગ્રુપ Bની બીજા સ્થાને રહેલી ટીમ સાથે થશે. એટલે કે આ મેચમાં પાકિસ્તાનની ટીમ શ્રીલંકા સામે ટકરાશે, કારણ કે પાકિસ્તાન તેના ગ્રુપમાં ટોપ પર હતું. તો બીજી સેમિ ફાઇનલ ભારત અને શ્રીલંકા વચ્ચે થશે. ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાં બીજા સ્થાને રહી હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચ થઇ શકે ફાઈનલ મુકાબલો
અંડર-19 એશિયા કપ 2024ની બંને સેમિ ફાઇનલ મેચ 6 ડિસેમ્બરે યોજાશે. આ બંને મેચ ભારતીય સમય અનુસાર સવારે 10.30 વાગ્યે શરૂ થશે. પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો દુબઈમાં ટકરાશે. જ્યારે ભારત અને શ્રીલંકાની ટીમો વચ્ચેની આ મેચ શારજાહમાં રમાશે. આ પછી ફાઈનલ મેચ 8મી ડિસેમ્બરે દુબઈમાં યોજાશે. અહીં તમને જણાવી દઈએ કે, જો ભારત અને પાકિસ્તાનની ટીમો પોતપોતાની સેમિ ફાઈનલ મેચ જીતી જાય છે, તો આ બંને ટીમો ફાઈનલમાં સામસામે ટકરાશે. આ પહેલા ગ્રુપ સ્ટેજમાં પણ આ બંને દેશો વચ્ચે મેચ રમાઈ હતી.
આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાની સેમિ ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી, અંડર-19 એશિયા કપમાં છવાયા આ ખેલાડીઓ
ભારતીય ટીમ પાસે બદલો લેવાની શાનદાર તક
જો આ બંને ટીમ ફાઈનલમાં પહોંચે છે તો ભારતીય ટીમ પાસે બદલો લેવાની શાનદાર પણ હશે. હકીકતમાં પાકિસ્તાની ટીમે ગ્રુપ સ્ટેજમાં ભારતને હરાવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ પોતાની પહેલી મેચ પાકિસ્તાન સામે રમી હતી. આ મેચમાં પાકિસ્તાનની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 281 રન બનાવ્યા હતા.સામે ભારતીય ટીમ માત્ર 47.1 ઓવરમાં 237 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઈ હતી.