મેચની સુરક્ષામાં ફરી ચૂક! બેરિકેડ કૂદીને ઋતુરાજ ગાયકવાડની પાસે પહોંચ્યો ચાહક
Duleep Trophy 2024, Ruturaj Gaikwad : હાલમાં રમાઈ રહેલી દુલીપ ટ્રોફીમાં ઇન્ડિયા-C અને ઇન્ડિયા-D ટીમની મેચ દરમિયાન સુરક્ષામાં ચૂક થવાની ઘટના સામે આવી છે. બન્ને ટીમો વચ્ચેની આ મેચ અનંતપુરમાં રમાઈ રહી છે. ઇન્ડિયા-Dની બેટિંગ દરમિયાન, ઇન્ડિયા-C ટીમના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ ફિલ્ડીંગ કરી રહ્યા હતા, ત્યારે એક વ્યક્તિ બેરિકેડ કૂદીને તેમની પાસે આવી ગયો હતો. હવે આ ઘટનાની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
અનંતપુરના રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ સ્ટેડિયમમાં આયોજિત મેચમાં એક ચાહક ઇન્ડિયા-C ટીમના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડના પગને સ્પર્શ કરવા માટે મેદાનમાં ઘૂસી ગયો હતો. જો કે ચાહકે કોઈને નુકસાન પહોંચાડ્યું ન હતું. પરંતુ આ ઘટનાએ ચોક્કસપણે સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે. ઋતુરાજ ગાયકવાડ એક લોકપ્રિય અને પ્રતિભાશાળી ખેલાડી છે. વિશ્વભરમાં તેના ઘણાં ચાહકો છે. તે આઇપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સનો કૅપ્ટન છે, જે વિશ્વની બીજી સૌથી પ્રખ્યાત ક્રિકેટ ફ્રેન્ચાઇઝી છે.
આ ઘટના પહેલીવાર નથી બની કે જ્યારે કોઈ ચાહક તેના પ્રિય ખેલાડીને ગળે મળવા અને તેના પગને સ્પર્શવા માટે મેદાન પર પહોંચી ગયો હોય. અગાઉ પણ આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે. આવું વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડીઓ સાથે પણ બન્યું છે.
આ મેચના પહેલા દિવસે ઇન્ડિયા-Cના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડે નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. ટીમ માટે ઓપનિંગ કરવા ઉતરેલ ગાયકવાડ પહેલા દિવસે માત્ર 5 રન કરીને આઉટ થઈ ગયો હતો. હર્ષિત રાણાએ ગાયકવાડની વિકેટ ઝડપી હતી.