27 વર્ષ જૂની ઘટના અંગે સવાલ પૂછતાં પત્રકાર પર ભારતીય ટીમના કોચને આવ્યો ગુસ્સો, જાણો મામલો
Image: Facebook
Rahul Dravid: ટી20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ પોતાની સુપર-8 ની પહેલી મેચ અફઘાનિસ્તાન સાથે રમતી નજર આવશે. આ મેચ આજે એટલે કે 20 જૂને બારબાડોસમાં રમાવાની છે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નારાજ જોવા મળ્યો. દ્રવિડ રિપોર્ટર દ્વારા પૂછવામાં આવેલા એક સવાલ પર ગુસ્સામાં નજર આવ્યો. રિપોર્ટરે રાહુલ દ્રવિડને 27 વર્ષ જૂની ટેસ્ટ મેચ સાથે જોડાયેલો એક સવાલ પૂછ્યો હતો, પરંતુ આ સવાલે દ્રવિડના જૂની પીડા તાજી કરી દીધી.
ભારતીય ટીમ અને અફઘાનિસ્તાનની વચ્ચે બારબાડોસમાં રમાનારી સુપર-8 મેચ પહેલા રાહુલ દ્રવિડ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગુસ્સામાં નજર આવ્યો. રાહુલ દ્રવિડને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રિપોર્ટરે એક સવાલ પૂછ્યો હતો. જેનાથી દ્રવિડ નારાજ થઈ ગયો. રિપોર્ટરે દ્રવિડે તેના ખરાબ આંકડા યાદ અપાવ્યા, જેની પર દ્રવિડે જવાબ તો આપ્યો, પરંતુ તેના મૂડથી એ સમજમાં આવ્યું કે તેને આ સવાલ બિલકુલ પસંદ આવ્યો નથી.
રિપોર્ટરે દ્રવિડને પૂછ્યુ કે સુપર-8માં ભારત-અફઘાનિસ્તાનની મેચ બારબાડોસમાં રમાવાની છે. તમારી આ વેન્યૂ પર 1997 ટેસ્ટ મેચની યાદો જોડાયેલી છે. આ મુદ્દે કોચ દ્રવિડે જવાબ આપતા કહ્યું કે થેન્ક્યુ બડી. મારી આ જગ્યા પર અમુક યાદો જોડાયેલી છે. તે બાદ રિપોર્ટરે દ્રવિડને કહ્યું કે હવે તમે કેનસ્ટિંગટન ઓવલમાં નવી યાદો બનાવવા ઈચ્છશો. તેની પર દ્રવિડે કહ્યું કે હે ભગવાન... હું કોઈ નવી યાદો બનાવવા માગતો નથી.
ઉલ્લેખનીય છે કે રાહુલ દ્રવિડ વર્ષ 1997માં બારબાડોસ આવ્યાં હતાં ત્યારે ભારતીય ટીમનો સામનો વેસ્ટઈન્ડિઝ સાથે થયો હતો. દ્રવિડે તે ટેસ્ટમાં પહેલી ઈનિંગમાં બેટથી 78 રન અને બીજી ઈનિંગમાં માત્ર 2 રન બનાવ્યાં હતાં. ભારતીય ટીમ તે ટેસ્ટ મેચ 38 રનથી હારી ગઈ હતી.
આ ટેસ્ટ મેચને યાદ કરતાં રાહુલ દ્રવિડે આગળ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હું બાબતોને ઝડપથી ભૂલી જાઉં છું. આ મારી ટેવ છે. પાછળ વળીને જોતો નથી. બસ એ વિચારું છું કે હું અત્યારે શું કરી રહ્યો છું. 1997 કે કોઈ અન્ય વર્ષમાં શું થયું, તેનાથી મને કોઈ ફરક પડતો નથી.