પેરિસમાં ગોલ્ડ ગયો, સમજો વિનેશ ફોગાટ ઓલિમ્પિકમાં કેમ અયોગ્ય જાહેર થઈ

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
પેરિસમાં ગોલ્ડ ગયો, સમજો વિનેશ ફોગાટ ઓલિમ્પિકમાં કેમ અયોગ્ય જાહેર થઈ 1 - image


Image: Facebook

Vinesh Phogat Disqualified From Paris Olympic 2024: પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતની આશાઓને ઝટકો લાગ્યો છે. વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાં અયોગ્ય જાહેર કરી દેવાઈ છે. તે 50 કિલોગ્રામ કેટેગરીની ફાઈનલમાં પહોંચી હતી. તેનું વજન ઈવેન્ટના બીજા દિવસે 50 કિલોગ્રામ કેટેગરીમાં નક્કી મર્યાદા કરતા થોડું વધુ હતું. વિનેશ ફોગાટ પાસે ગોલ્ડ મેડલ જીતવાની તક હતી પરંતુ હવે તે સિલ્વર મેડલથી પણ ચૂકી ગઈ.  

વિનેશનું વજન થોડું વધ્યું તો તેણે તેને ઘટાડવાનો પ્રયત્ન પણ કર્યો. સાતમી ઓગસ્ટે ગોલ્ડ મેડલની ઈવેન્ટ થવાની હતી. આ દરમિયાન વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાં અયોગ્ય જાહેર કર્યાં બાદ જણાવાયું કે તેનું વજન 50 કિલોની કેટેગરીમાં નક્કી કરેલી મર્યાદા કરતા 100 ગ્રામ વધુ છે. આ અંગે ભારતીય ઓલિમ્પિક કમિટીને (IOA) અપડેટ પણ આપ્યું. 

ઓલિમ્પિક કમિટીએ કહ્યું કે, એ ખેદજનક છે કે મહિલા કુશ્તી 50 કિલોગ્રામ કેટેગરીમાં ભારતીય રેસલર વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર થવાની માહિતી આપી છે. આખી રાત ટીમ દ્વારા કરાયેલા શ્રેષ્ઠ પ્રયત્નો છતાં આજે સવારે તેનું વજન 50 કિલોગ્રામની કેટેગરીમાં નક્કી મર્યાદા કરતા વધુ હતું. આ અંગે અન્ય ટિપ્પણી કરવામાં આવશે નહીં, અમે તમને વિનેશ ફોગાટની પ્રાઈવસીનું સન્માન કરવાની વિનંતી કરીએ છીએ. 

શું છે ઓલિમ્પિકમાં રેસલિંગના નિયમ

1. ઓલિમ્પિકમાં દરેક પહેલવાનનું મેચ પહેલા વજન કરાય છે. જે દિવસે મેચ હોય, એ જ દિવસે સવારે વજન કરાય છે. 

2. દરેક વેઇટ કેટેગરીમાં ટુર્નામેન્ટ બે દિવસના ગાળામાં લડાય છે. એટલે જે પહેલવાન ફાઈનલમાં પહોંચે, તેમના બે દિવસ વજન કરાય છે. 

3. પહેલી વાર વજન કરાય ત્યારે પહેલવાનો પાસે વજન યોગ્ય કરવા 30 મિનિટનો સમય હોય છે. 30 મિનિટમાં કોઈ પણ પહેલવાન ઈચ્છે તેટલી વાર વજન કરી શકે છે. 

4. બીજી વાર વજન કરે ત્યારે વજન યોગ્ય કરવાનો સમય ફક્ત 15 મિનિટ મળે છે. 

5. વજન કરતી વખતે દરેક પહેલવાને ફક્ત રેસલિંગ કોસ્ચ્યુમ પહેરેલો હોવો જોઈએ. 

6. વજન કર્યા પછી દરેક પહેલવાનના આરોગ્યની તપાસ થાય છે. ત્યારે નખ પણ કાપેલા હોવા જરૂરી છે.

આમ, વિનેશ ફોગાટના કેસમાં સમજીએ તો તેનું વજન એક જ દિવસમાં 100 ગ્રામ વધ્યું, જેના કારણે તેને અયોગ્ય જાહેર કરાઈ. 

 


Google NewsGoogle News