ક્યાં ગુમ થઈ ગયો 24 વર્ષનો ભારતીય યુવા ક્રિકેટર, સચિન-સેહવાગ સાથે થતી હતી તુલના

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
ક્યાં ગુમ થઈ ગયો 24 વર્ષનો ભારતીય યુવા ક્રિકેટર, સચિન-સેહવાગ સાથે થતી હતી તુલના 1 - image


Image: Instagram

Prithvi Shaw: ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે જોરદાર ફોર્મમાં છે. ટીમે જૂનમાં જ રોહિત શર્માની કેપ્ટનશિપમાં ટી20 વર્લ્ડ કપ 2024 ખિતાબ જીત્યો. તે બાદ શુભમન ગિલની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે ઝિમ્બાબ્વેને તેના જ ઘરમાં 5 મેચની ટી20 સિરીઝમાં 4-1 થી હરાવ્યું. હવે ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસે છે, જે માટે સ્કવોડ પણ જાહેર કરી દેવાઈ છે. પરંતુ આ સૌની વચ્ચે એક સવાલ ઉઠે છે, જે ઓપનર પૃથ્વી શો ને લઈને છે. એક સમયે અમુક ચાહકો અને દિગ્ગજોએ આ સ્ટાર પ્લેયરની તુલના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સહેવાગ સાથે પણ કરી દીધી હતી પરંતુ હવે આ 24 વર્ષનો યુવાન સ્ટાર ક્યાંક ગુમ થઈ ગયો છે.

પૃથ્વી શો એ ખૂબ નાની ઉંમરમાં જ સફળતા મેળવી લીધી હતી. વર્ષ 2013માં તેણે મુંબઈની એક ક્લબ મેચમાં 500થી વધુ રનની ઈનિંગ રમી હતી. પછી બાદમાં તેની અધ્યક્ષતામાં ટીમ ઈન્ડિયાએ અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. તે ટીમ ઈન્ડિયામાં પણ આવ્યો પરંતુ સતત અંદર-બહાર થતો રહ્યો. પરંતુ હવે લાગે છે કે પૃથ્વી શો કાયમી જ ભારતીય ટીમથી બહાર થઈ ગયો છે. તેણે પોતાની અંતિમ ઈન્ટરનેશનલ મેચ 25 જુલાઈ 2021એ રમી હતી. આ તેની ટી20 ઈન્ટરનેશનલની ડેબ્યૂ મેચ પણ રહી એટલે કે પૃથ્વી શો ને પોતાની ટી20 ઈન્ટરનેશનલની ડેબ્યૂ મેચ રમ્યા બાદ કોઈ પણ ફોર્મેટ માટે ટીમમાં સ્થાન મળ્યું નથી. 

શ્રીલંકા સામે રમવામાં આવેલી આ ડેબ્યૂ ટી20 મેચમાં પૃથ્વી શો ખાતું પણ ખોલી શક્યો નહોતો. તે પહેલા જ બોલ પર ગોલ્ડન ડક સાથે આઉટ થયો હતો. હવે એક વાર ફરીથી ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસે છે. તો પૃથ્વી શો ની ગુમ થવાની વાત ચર્ચામાં આવી. 

ડેબ્યૂમાં સદી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ઈજાગ્રસ્ત થઈને વચ્ચે જ પાછો ફર્યો

પૃથ્વી શો એ વેસ્ટઈન્ડિઝ સામે રાજકોટ ટેસ્ટથી ડેબ્યૂ કર્યું હતું. ઓક્ટોબર 2018માં થયેલી આ મેચમાં પૃથ્વી શો એ પહેલી જ ઈનિંગમાં 134 રનની સદીની ઈનિંગ રમીને ધમાકેદાર શરૂઆત કરી હતી પરંતુ ડિસેમ્બર 2020નો ઓસ્ટ્રેલિયા પ્રવાસ તેના માટે અંતિમ સાબિત થયો. તેમાં તેણે પહેલી ટેસ્ટ રમી, જેની પહેલી ઈનિંગમાં 0 અને બીજી ઈનિંગમાં 4 રન પર આઉટ થયો.

પછી તે બાદ પૃથ્વી શો ઈજાગ્રસ્ત થઈ ગયો અને તેને ટીમથી બહાર કરી દેવાયો. તે બાદથી અત્યાર સુધી તે ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન બનાવી શક્યો નથી. જોકે તેણે જુલાઈ 2021માં વનડે અને ટી20 સિરીઝ રમી હતી પરંતુ તે બાદ તે સમગ્ર ટીમથી બહાર થઈ ગયો. જોકે ત્યારે આ પ્રકારના પણ સમાચાર સામે આવ્યા હતાં કે પૃથ્વી શો નું ડ્રેસિંગ રૂમમાં વર્તન સારું ન હતું. 

પછી ડોપ ટેસ્ટમાં ફસાયો અને પ્રતિબંધ લાગ્યો

2019માં પૃથ્વી શો વિવાદોમાં આવ્યો હતો જ્યારે બીસીસીઆઈએ તેની પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેના કફ સીરપમાં અમુક એવી વસ્તુ હતી, જેમાં તે ડોપિંગ ટેસ્ટમાં ફેલ થઈ ગયો હતો. ત્યારે બોર્ડ દ્વારા તેની પર 8 મહિનાનો પ્રતિબંધ લગાવાયો હતો.

કોરોનાકાળ અને લોકડાઉનમાં ગોવા જતો પકડાયો

મે 2021માં કોરોનાકાળ દરમિયાન લોકડાઉન લાગુ થયુ હતું. તે વચ્ચે પૃથ્વી શો ને ગોવામાં રજા મનાવવાનું મન થયું અને તે કાર લઈને કોલ્હાપુરના માર્ગે ગોવા માટે નીકળી પડ્યો હતો. ત્યારે તેની પર નિયમોના ઉલ્લંઘનનો પણ આરોપ લાગ્યો હતો. કેમ કે તે ઈ-પાસ વિના નીકળ્યો હતો.

તેને મહારાષ્ટ્રના અંબોલીમાં પોલીસે રોકી લીધો હતો. ત્યારે પૃથ્વી શો એ અધિકારીઓને તેને જવા દેવાની અપીલ કરી, પરંતુ તે માન્યો નહીં. લગભગ એક કલાકની રાહ જોયા બાદ પૃથ્વી શો એ મોબાઈલ દ્વારા ઈ-પાસ માટે અપ્લાય કર્યું, જે બાદ તેને ગોવા જવાની પરવાનગી મળી.

ઈન્ફ્લુએન્સર સપના ગિલ સાથે વિવાદ

વર્ષ 2023ની શરૂઆત પણ પૃથ્વી શો માટે સારી રહી ન હતી. ત્યારે મુંબઈની એક હોટલમાં પૃથ્વી શો નો સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સપના ગિલ અને તેના મિત્રો સાથે ઝઘડો થઈ ગયો હતો. આ વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. પૃથ્વી શો તરફથી આ મામલે કેસ નોંધવામાં આવ્યો. જેમાં 8 લોકો પર કેસ થયો. સપના ગિલની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ પૃથ્વી શો ના કરિયરનો મોટો વિવાદ માની શકાય છે.

ઘરેલૂ ક્રિકેટ અને IPL માં પણ દમ બતાવી શક્યો નહીં

વિવાદોની વચ્ચે પૃથ્વી શો મેદાન પર પોતાનું શ્રેષ્ઠ ફોર્મ પણ સાબિત કરી શક્યો નહીં. જોકે અમુક અવસરે તેણે સારી ઈનિંગ રમી, પરંતુ તે તેને ટીમમાં એન્ટ્રી અપાવવામાં સફળ થઈ શકી નથી કેમ કે અમુક બીજા યુવાન પ્લેયર તેનાથી શ્રેષ્ઠ અને સતત પ્રદર્શન કરી રહ્યાં હતાં. આઈપીએલ 2024માં દિલ્હી કેપિટલ્સ માટે રમતાં પૃથ્વી શો એ 8 મેચમાં 24.75 ની સરેરાશથી માત્ર 198 રન બનાવ્યા હતાં. આ ભારતીય ટીમમાં એન્ટ્રી માટે પૂરતું ન રહ્યું. ઘરેલુ ક્રિકેટમાં શો નું પ્રદર્શન અસમર્થ સાબિત થયું.


Google NewsGoogle News