'હું જીવું છું...', તબિયત ખરાબ થયા બાદ વિનોદ કાંબલીની પ્રથમ પ્રતિક્રિયા, હોસ્પિટલે લીધી ખર્ચની જવાબદારી
Vinod Kambli Health Update: ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની હાલત શનિવારે વધુ ખરાબ થઈ ગઈ હતી. આ પછી તેમને મહારાષ્ટ્રના થાણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેના મગજમાં લોહી જામી ગયું છે અને તેઓ તેમાંથી સ્વસ્થ થઈ રહ્યા છે. 52 વર્ષીય કાંબલીને તેમના એક ફેને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હવે તેમની હેલ્થ અપડેટ સામે આવી છે કે કાંબલીની તબિયત ઝડપથી સુધરી રહી છે.
ડોકટરોનો આભાર માન્યો
વિનોદ કાંબલીએ હોસ્પિટલના ડોકટરોનો આભાર માન્યો હતો અને કહ્યું કે, 'હું અહીંના ડોક્ટરોના કારણે જ જીવિત છું. હું એટલું જ કહીશ કે સર (ડોક્ટર) મને જે કહેશે, હું તે કરીશ.'
હોસ્પિટલે લીધી ખર્ચની જવાબદારી
કાંબલીને હોસ્પિટલમાં દાખલ કરાવનાર ફેન થાણે જિલ્લાના ભિવંડીના કાલ્હેર વિસ્તારમાં આવેલી આ હોસ્પિટલનો માલિક છે. સચિન તેંડુલકરના મિત્ર કાંબલીની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. હોસ્પિટલે કાંબલીની સારવારની જવાબદારી લીધી છે અને તેને આર્થિક મદદની ખાતરી પણ આપી છે.
તાજેતરમાં સચિન તેંડુલકર સાથે થઇ હતી મુલાકાત
તાજેતરમાં જ, કાંબલીએ મુંબઈના શિવાજી પાર્ક ખાતે રમાકાંત આચરેકરની પ્રતિમાના અનાવરણમાં હાજરી આપી હતી. બાળપણના મિત્ર સચિન તેંડુલકરને મળ્યા, જેનો વીડિયો વાયરલ થયો હતો. બીમાર કાંબલીને ટેકો આપવા માટે ઘણા દિગ્ગજોએ પણ મૌન તોડ્યું હતું. વર્લ્ડ ચેમ્પિયન કપિલ દેવ અને સુનીલ ગાવસ્કરે તેને આર્થિક મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: માત્ર 11 રન બનાવીને કોહલીથી આગળ નીકળી જશે જયસ્વાલ, દ્રવિડને પાછળ છોડવાની તક
આવું રહ્યું વિનોદ કાંબલીનું કરિયર
વિનોદ કાંબલીએ વર્ષ 1991માં ભારતીય ટીમ માટે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી, તેમણે તેની છેલ્લી વનડે મેચ વર્ષ 2000માં શ્રીલંકા સામે રમી હતી. તેમણે ભારતીય ટીમ માટે 17 ટેસ્ટ મેચોમાં કુલ 1084 રન બનાવ્યા છે, જેમાં 4 સેન્ચુરી અને ત્રણ ફિફ્ટી સામેલ છે. આ સિવાય 104 ODI મેચમાં તેના નામે 2477 રન છે.