થાલા ફોર અ રિઝન! ધોનીએ પોતે કહ્યું- હું સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કરતો પણ...
Image: Twitter
Thala For a Reason: મહેન્દ્ર સિંહ ધોનીની ગણના વિશ્વના મહાન કેપ્ટનમાં થાય છે. ધોનીએ પોતાની કેપ્ટનશિપમાં ભારતને ત્રણ આઈસીસી ખિતાબ જીતાડ્યાં. ધોનીએ 15 ઓગસ્ટ 2020એ ઈન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લઈ લીધો હતો. જોકે તે આઈપીએલમાં હજુ પણ ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમે છે. સોશિયલ મીડિયા પર ધોની વધુ એક્ટિવ નથી પરંતુ ચાહકો સોશિયલ મીડિયા પર તેના વખાણ કરતાં થાકતાં નથી. સોશિયલ મીડિયા પર 'થાલા ફોર અ રિઝન' ઘણી વખત ટ્રેન્ડ કરે છે. 'થાલા ફોર અ રિઝન' ટ્રેન્ડનો મૂળરીતે અર્થ ધોનીની જર્સી નંબર 7 ને દરેક સારી બાબત સાથે જોડવાનો છે.
ટી20 વર્લ્ડ કપ 2024માં ભારતની જીત બાદ પણ થાલા ફોર અ રિઝન જોવા મળ્યું. ભારતની જીતમાં પણ ધોનીનો ફેવરિટ નંબર 7 નું ખાસ કનેક્શન જોવા મળ્યું. કેમ કે ટીમ ઈન્ડિયાએ 7 રનથી મેચ જીતી. એટલે કે ચાહકો અનુસાર ધોની કનેક્શન પણ વર્લ્ડ કપ ફાઈનલમાં એક રીતે નજર આવ્યું. નંબર 7 હંમેશા ધોની સાથે જોડાયેલો રહ્યો છે અને ચાહક કોઈ પણ રીતે દરેક ઘટનાનું ગાણિતિક સમીકરણ 7 સુધી લાવવામાં સફળ થઈ જાય છે.
હવે ધોનીએ થાલા ફોર અ રિઝન ટ્રેન્ડને લઈને પોતાનું મૌન તોડ્યું છે. ધોનીએ કહ્યું કે તેને આ ટ્રેન્ડ વિશે ઈન્સ્ટાગ્રામ દ્વારા જાણ થઈ. ધોનીએ એક ઈવેન્ટમાં કહ્યું, 'મને પોતાને ખબર નહોતી. મને આ વિશે ઈન્સ્ટાગ્રામ દ્વારા જાણ થઈ. તેથી હું મારા ચાહકોનો આભારી છું. મારે સોશિયલ મીડિયા પર ડિફેન્ડ કરવાની જરૂર હોતી નથી.' ધોની કહે છે, 'મારે ક્યારેય પણ સોશિયલ મીડિયા કે ઈન્સ્ટાગ્રામ પર આવીને કંઈ કહેવાની જરૂર નથી. જ્યારે પણ જરૂર પડે છે, મારા ચાહકો મારા માટે કહે છે. જ્યારે પણ જરૂર પડે છે, તેઓ મારા વખાણ કરે છે.'