ટીમ ઈન્ડિયાની સ્મૃતિ મંધાનાએ મહિલા વન-ડે ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સૌથી ઝડપી સદી ફટકારી
Smriti Mandhana Fastest Century in ODI: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સ્મૃતિ મંધાનાએ રાજકોટમાં આયર્લેન્ડ સામે રમાઈ રહેલી વન-ડે સીરિઝની ત્રીજી અને છેલ્લી વન-ડે મેચમાં શાનદાર સદી ફટકારી છે. મંધાનાએ માત્ર 70 બોલમાં પોતાની સદી પૂરી કરી અને આ સાથે જ મહિલા વનડે ક્રિકેટના ઈતિહાસમાં એક નવો રેકોર્ડ બનાવી દીધો છે. મંધાનાએ ભારત માટે મહિલા વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી લીધી છે. આ સાથે જ તેણે હરમનપ્રીતનો સૌથી ઝડપી સદીનો રેકોર્ડ મોટા અંતરથી તોડી નાખ્યો છે. આ પહેલા હરમનપ્રીતે 2024માં દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે મેચમાં 87 બોલમાં સદી ફટકારી હતી.
સ્મૃતિ મંધાનાની વન-ડે કરિયરની આ 10મી સદી છે. આ સાથે જ ભારતીય ઓપનિંગ બેટ્સમેન વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં 10 સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની ગઈ છે. એટલું જ નહીં તે મહિલા વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં 10 કે તેથી વધુ સદી ફટકારનારી વિશ્વની ચોથી ખેલાડી બની ગઈ છે.
મહિલા વન-ડેમાં સૌથી વધુ સદી
15- મેગ લેનિંગ
13- સુઝી બેટ્સ
10- ટેમી બ્યુમોન્ટ
10- સ્મૃતિ મંધાના
આ પણ વાંચો: વિરાટનો સમય ખતમ થઈ ગયો...' દિગ્ગજ ક્રિકેટર લૉયડની 'કિંગ'ના ફેન્સને ખૂંચે તેવી ટિપ્પણી
મંધાનાએ સતત 10 ઈનિંગ્સમાં આ 8મો 50+ સ્કોર બનાવ્યો છે. આના પરથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે, તે કેટલા શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. આ આ આખી સીરિઝમાં મંધાનાને યુવા ઓપનર પ્રતિકા રાવલનો જબરદસ્ત સહયોગ મળી રહ્યો છે. આ ત્રીજી વનડેમાં બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 200થી વધુ રનની ભાગીદારી થઈ ચૂકી છે.
મહિલા વન-ડેમાં ભારત માટે સૌથી ફાસ્ટ સદી (બોલ પ્રમાણે)
70- સ્મૃતિ મંધાના vs આયર્લેન્ડ, રાજકોટ, 2025
87- હરમનપ્રીત કૌર vs સાઉથ આફ્રિકા, બેંગલુરુ, 2024
90- હરમનપ્રીત કૌર vs ઓસ્ટ્રેલિયા, ડર્બી, 2017
90- ઝેમિમા રોડ્રિગ્સ vs આયર્લેન્ડ, રાજકોટ, 2025
98- હરલીન દેઓલ vs વેસ્ટ ઈન્ડિઝ, વડોદરા, 2024
મંધાના 80 બોલમાં 135 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ તોફાની સદીની ઈનિંગમાં તેણે 7 છગ્ગા અને 12 ચોગ્ગા ફટકાર્યા હતા. આ રીતે તેણે વન-ડે ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ છગ્ગા ફટકારવાના રેકોર્ડની બરાબરી કરી લીધી. હવે મંધાના અને હરમનપ્રીતના બરાબર 52-52 છગ્ગા થઈ ગયા છે. આ ઈનિંગ દરમિયાન મંધાનાએ મહિલા વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એલિસ પેરીને પણ પાછળ છોડી દીધી. મંધાનાના નામ પર હવે 97 વન-ડે મેચમાં 4195 રન થઈ ગયા છે જ્યારે પેરીએ 4185 રન બનાવ્યા છે.