રોહિત શર્માની જગ્યાએ બુમરાહ કેપ્ટન, ત્રીજા નંબરે ગિલ: ઑસ્ટ્રેલિયા સીરિઝમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
IND Vs AUS, 1st Test : ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ક્લીન સ્વીપ કરીને સીરિઝ ગુમાવ્યા બાદ ભારતીય ટીમ હવે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પહોંચી ગઈ છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝ રમાશે. પરંતુ આ પહેલા ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.
ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા પહેલી ટેસ્ટમાં રમશે નહીં. ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે એક પ્રેસ કોન્ફરન્સમાં રોહિતની ગેરહાજરી સહિત અનેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેણે એ પણ કહ્યું કે જો રોહિત હાજર નહીં હોય તો કોણ ટીમનો કેપ્ટન બનશે અને ઓપનિંગમાં કયો ખેલાડી રોહિતની જગ્યા લેશે.
શું રોહિત શર્મા પહેલી મેચ રમશે?
ગંભીરે કહ્યું હતું કે, 'રોહિત શર્મા વિશે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. આશા છે કે તે મેચમાં ઉપલબ્ધ હશે. સીરિઝ શરૂ થશે તે પહેલાં તમને બધું જ ખબર પડી જશે.' ગંભીરે આ વાત સીધી રીતે કહી નથી, પરંતુ એ સ્પષ્ટ છે કે રોહિત પહેલી ટેસ્ટમાંથી બહાર રહેશે. તે હજુ ઓસ્ટ્રેલિયા પણ નથી પહોંચ્યો.
આ ખેલાડી રોહિતની જગ્યાએ કરશે ઓપનીંગ!
રોહિતની જગ્યાએ કોણ ઓપનીંગ કરશે? તેના જવાબમાં ગંભીરે જણાવ્યું હતું કે, જો રોહિત શર્મા ઉપલબ્ધ નહી હોય તો કેએલ રાહુલ અને અભિમન્યુ ઇશ્વરન અમારા માટે ઓપનિંગ વિકલ્પો છે. હું તમને પ્લેઇંગ-11 વિશે કહી શકતો નથી.' આ સિવાય કેપ્ટનશીપ અંગે ગંભીરે કહ્યું કે, 'બુમરાહ વાઇસ કેપ્ટન છે. તેથી, રોહિતની ગેરહાજરીમાં તે ચોક્કસપણે કેપ્ટન ટીમનો રહેશે.'
ક્યાં નંબર પર બેટિંગ કરશે કેએલ રાહુલ?
કેએલ રાહુલ વિશે કોચ ગંભીરે જણાવ્યું હતું કે, 'કેએલ રાહુલ ઓપનીંગ કરી શકે છે. તે નંબર 3 પર અને નંબર 6 પર પણ બેટિંગ કરી શકે છે. આ સારી વાત છે, કારણ કે ઘણાં ખેલાડીઓ આવા વિકલ્પો આપી શકતા નથી.' ગંભીરના આ નિવેદન પરથી સમજી શકાય છે કે, રાહુલ પહેલી ટેસ્ટમાં 5મા નંબર પર આવી શકે છે. અને ત્રીજા નંબર પર ગિલ બેટિંગ કરવા આવી શેક છે. જ્યારે યશસ્વી જયસ્વાલને ઓપનર તરીકે ગંભીર હટાવવા માંગતો નથી. તેની સાથે અભિમન્યુને મોકલી શકાય છે.
પહેલી ટેસ્ટ માટે ભારતની સંભવિત પ્લેઈંગ-11
યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઇશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ/સરફરાઝ ખાન, રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, આર અશ્વિન, જસપ્રિત બુમરાહ (કેપ્ટન), મોહમ્મદ સિરાજ અને હર્ષિત રાણા.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઈશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, રિષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર અશ્વિન, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણ, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.