Get The App

ભારતીય ટીમની મોટી સિદ્ધિ, 4 વર્લ્ડકપ જીતનારી દુનિયાની ત્રીજી ટીમ બની સર્જ્યો રેકોર્ડ

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
T20 World Cup 2024 india Won


T20 World Cup 2024 india Won: દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડકપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમને દુનિયાભરમાંથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. ભારતીય ટીમ 17 વર્ષ બાદ ફરી T20 વર્લ્ડકપનો ખિતાબ જીતીને ચેમ્પિયન બન્યું છે. ભારતે છેલ્લા 17 વર્ષમાં ત્રણ વર્લ્ડ કપ જીત્યા છે. જેમાં બે T20 અને એક ODI કપનો સમાવેશ થાય છે. આ સાથે ભારતીય ક્રિકેટ ટીમે અત્યાર સુધીમાં બે ODI વર્લ્ડકપ અને બે T20 વર્લ્ડ કપ જીત્યા છે. ભારત કુલ 4 વર્લ્ડકપ જીતનારી વિશ્વની ત્રીજી ક્રિકેટ ટીમ બની ગઈ છે.

વર્ષ 1983માં કપિલ દેવની કપ્તાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝને હરાવીને પ્રથમ વખત ચેમ્પિયન બની હતી. આ પછી મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ભારતીય ટીમે વર્ષ 2007માં પહેલો T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારબાદ 2011માં ભારતીય ક્રિકેટ ટીમે ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. હવે વર્ષ 2024માં રોહિત શર્માના નેતૃત્વમાં T20 વર્લ્ડકપ જીતીને ઈતિહાસ રચી દીધો છે.

29મી જૂન 2024: T20 વર્લ્ડકપ

શનિવારે (29મી જૂન) T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. જેમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારબાદ બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પરંતુ 15 ઓવર સુધી ટીમ ખૂબ જ ઝડપથી જીત તરફ આગળ વધી હતી. દક્ષિણ આફ્રિકાને 28 બોલમાં માત્ર 27 રન કરવાના હતા અને તેની 6 વિકેટ બાકી હતી. એવું લાગી રહ્યું હતું કે આ મેચ ભારતના હાથમાંથી નીકળી ગઈ છે. પરંતુ ત્યારપછી ભારતીય બોલરોએ ધમાકેદાર વાપસી કરીને મેચને દક્ષિણ આફ્રિકા પાસેથી જીત છીનવી લીધી. આ ચોથી વખત છે જ્યારે ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની છે.

આ પણ વાંચો:  બૂમ બૂમ બુમરાહ... જ્યારે જરૂર પડી ત્યારે ટીમ ઈન્ડિયાને વિકેટ અપાવી, વર્લ્ડકપમાં રહ્યો 'હીરો'


2 એપ્રિલ 2011: ODI વર્લ્ડ કપ

વન ડે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ બીજી એપ્રિલ 2011ના રોજ વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ દરમિયાન ભારત અને શ્રીલંકા વચ્ચે સ્પર્ધા હતી. ત્યારે મહેન્દ્ર સિંહ ધોની ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મહેલા જયવર્દનેએ આ મેચમાં અણનમ 103 રન બનાવ્યા હતા. શ્રીલંકાએ 50 ઓવરમાં છ વિકેટ ગુમાવીને કુલ 274 રન બનાવ્યા હતા. આ લક્ષ્યનો પીછો કરવા આવેલી ભારતીય ટીમમાં વીરેન્દ્ર સેહવાગ (0) અને સચિન તેંડુલકર (18) વહેલા આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ ગૌતમ ગંભીરે 97 રનની શાનદાર ઇનિંગ રમી હતી. મેચ ખૂબ જ રોમાંચક હતી અને ભારતને જીતવા માટે 11 બોલમાં 4 રનની જરૂર હતી. ધોની ક્રિઝ પર હતો અને તેમણે સિક્સર ફટકારીને ભારતને ફરી એકવાર ચેમ્પિયન બનાવ્યું હતું. આ મેચમાં ધોનીએ 91 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ બીજી વખત હતું, જ્યારે ભારતે ODI વર્લ્ડ કપ જીત્યો હતો.

24મી સપ્ટેમ્બર 2007: T20 વર્લ્ડકપ

ભારતીય ક્રિકેટ ટીમે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં 2007નો T20 વર્લ્ડકપ પણ જીત્યો હતો. 24મી સપ્ટેમ્બર 2007માં T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે પાકિસ્તાનને 158 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી ગૌતમ ગંભીરે 75 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ રોમાંચક મેચમાં જ્યારે પાકિસ્તાનને છેલ્લી ઓવરમાં જીતવા માટે 13 રનની જરૂર હતી. ત્યારે ધોનીએ બોલિંગ જોગીન્દર શર્માને આપી હતી. આ નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું, પરંતુ જોગિન્દર શર્મા ધોનીના નિર્ણય પર સાચો રહ્યો અને ઓવરના ત્રીજા બોલ પર મિસ્બાહને કેચ આઉટ કરાવ્યો. આ સાથે ટીમ ઈન્ડિયાએ ફાઈનલ મેચમાં પાકિસ્તાનને હરાવીને T20 વર્લ્ડ કપનો પ્રથમ કપ જીત્યો હતો.

25મી જૂન 1983: ODI વર્લ્ડ કપ

1983નો ODI વર્લ્ડ કપ જીતવો ભારત માટે કોઈ ચમત્કારથી ઓછો નહોતો. જે ટીમ પર ભારતના લોકોને પણ વિશ્વાસ નહોતો તેમણે પોતાના પ્રદર્શનથી આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. આ વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમને વનડેમાં ખૂબ જ નબળી માનવામાં આવતી હતી. આ પહેલા બે વર્લ્ડ કપ રમાયા હતા. ત્યારે ભારત માત્ર એક મેચ જીત્યું હતું.  25મી જૂન 1983માં કપિલ દેવની આગેવાની હેઠળની ભારતીય ટીમનો લોર્ડ્સમાં ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ સાથે અંતિમ મુકાબલો થયો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 183 રનમાં સમેટાઈ ગઈ હતી.

આ પણ વાંચો: ભારતે 17 વર્ષે વર્લ્ડ કપ જીતી રેકોર્ડ્સનો ખડકલો સર્જ્યો, રોહિત બ્રિગેડની સિદ્ધિઓની આ રહી યાદી


જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે અનુભવી વિવિયન રિચર્ડ્સની હાજરીમાં એક વિકેટના નુકસાને 50 રન બનાવ્યા હતા. ત્યારે એવું લાગી રહ્યું હતું કે આ મેચ ભારત હારી ગયું છે અને વેસ્ટ ઈન્ડિઝ સતત ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવા જઈ રહ્યું છે. પરંતુ અહીંથી મેચ બદલાઈ ગઈ અને કપિલ દેવના ખૂબ જ મુશ્કેલ કેચથી રિચર્ડ્સ આઉટ થઈ ગયા. પછી વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભાંગી પડી હતી. તે સમયે હેટ્રિક માટે મેદાનમાં ઉતરેલી ટીમ માત્ર 140 રન સુધી જ સિમિત રહી હતી અને ટીમ ઈન્ડિયા પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બની છે.

ભારતીય ટીમની મોટી સિદ્ધિ, 4 વર્લ્ડકપ જીતનારી દુનિયાની ત્રીજી ટીમ બની સર્જ્યો રેકોર્ડ 2 - image


Google NewsGoogle News