Get The App

ચાર્ટર્ડ પ્લેનથી ભારત પરત આવશે ટીમ ઈન્ડિયા, બાર્બાડોસના PMએ કહ્યું-જલ્દી જ શરૂ થશે એરપોર્ટ

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
ચાર્ટર્ડ પ્લેનથી ભારત પરત આવશે ટીમ ઈન્ડિયા, બાર્બાડોસના PMએ કહ્યું-જલ્દી જ શરૂ થશે એરપોર્ટ 1 - image


Image Source: Twitter

Team India Barbados News: રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરીને T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી પોતાના નામે કરી. આ સાથે જ ભારતનો છેલ્લા 17 વર્ષથી T20 વર્લ્ડ કપ જીતવાનું સપનું પુરુ થયું. ઈન્ડિયન ટીમ ભારત પરત ફરવા માટે ઉડાન ભવાની હતી પરંતુ બાર્બાડોસમાં આવેલા બેરિલ વાવાઝોડાના કારણે ટીમ હોટલમાં જ ફસાય ગઈ છે. તમામ ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી છે. BCCI સેક્રેટરી જય શાહે એક નિવેદન જારી કર્યું હતું તેમાં તેમણે કહ્યું હતું કે આપણે રાહ જોવી પડશે. આ દરમિયાન હવે એક સારા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયા ટૂંક સમયમાં સ્વદેશ વાપસી માટે ઉડાન ભરી શકે છે. 

આ દિવસે થશે વાપસી!

ભારતીય ટીમ સ્થાનિક સમય પ્રમાણે મંગળવારે સાંજે ભારત પરત ફરવા માટે ઉડાન ભરી શકે છે. ત્યાંની પરિસ્થિતિ અંગે અપડેટ આપતાં બાર્બાડોસના PM મિયા મોટલીએ કહ્યું કે અમને આશા છે કે બેરીલ વાવાઝોડાના કારણે બંધ કરાયેલું અહીંનું એરપોર્ટ આગામી 6થી 12 કલાકમાં શરૂ થઈ જશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ, સપોર્ટ સ્ટાફ, BCCIના કેટલાક અધિકારીઓ અને ખેલાડીઓના પરિવારો બેરીલ વાવાઝોડાના કારણે છેલ્લા બે દિવસથી હોટલમાં જ ફસાયા છે. 

બાર્બાડોસના PMએ આપ્યું નિવેદન

બાર્બાડોસના PM એ કહ્યું કે, અમને આશા છે અને અમે તેના માટે કામ કરી રહ્યા છીએ. અમારે આ અંગે અગાઉથી કંઈ નથી કહેવું પરંતુ હું એરપોર્ટના કર્મચારીઓના સંપર્કમાં છું અને તેઓ હવે પોતાની અંતિમ તપાસ કરી રહ્યા છે. અમે ટૂંક સમયમાં બધું નોર્મલ કરી દઈશું. એવા ઘણા લોકો છે જેમને ગઈકાલે મોડી રાત્રે અથવા આજે અથવા કાલે સવારે જવાનું હતું. અમે ખાતરી કરવા માંગીએ છીએ કે અમે તે લોકોને સુવિધા આપી શકીએ. તેથી અમને આશા છે કે આગામી 6થી 12 કલાકમાં એરપોર્ટ શરૂ થઈ જશે. 

ચાર્ટર્ડ પ્લેનથી ભારત પરત આવશે ટીમ ઈન્ડિયા

BCCIના સચિવ જય શાહે એક નિવેદનમાં કહ્યું કે, અમે ફસાય ગયા છીએ. પહેલા અમારે એ જોવાનું રહેશે કે, ખેલાડીઓ અને બીજા બધાને અહીંથી સુરક્ષિત કેવી રીતે બહાર કાઢવામાં આવે અને પછી અમે ભારત પહોંચીને સ્વાગત કાર્યક્રમ અંગે વિચારીશું. જય શાહ અને બોર્ડના અન્ય અધિકારીઓ સાથેની ટીમ ચાર્ટર્ડ પ્લેનથી ભારત પરત ફરવા માટે રવાના થવાની હતી પરંતુ ત્યાંનું એરપોર્ટ બંધ હોવાથી તે શક્ય ન બન્યું. BCCI વર્લ્ડકપના કવરેજ માટે ત્યાં પહોંચેલા ભારતીય મીડિયા કર્મચારીઓને પણ તોફાન પ્રભાવિત વિસ્તારમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જય શાહે કહ્યું કે, અમે સોમવાર માટે એક ચાર્ટર્ડ પ્લેનનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ એરપોર્ટ બંધ હોવાને કારણે તે શક્ય ન બન્યું. 

બેરિલ વાવાઝોડું

બેરિલ વાવાઝોડું બાર્બાડોસમાં ટકરાયા બાદ ત્યાં બધું બંધ થઈ ગયું છે. રવિવારે મોડી રાત્રે લગભગ 130 માઈલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો જેણે તમામને પ્રભાવિત કર્યા છે. કેટેગરી 4નું આ વાવાઝોડું બાર્બાડોસથી લગભગ 570 કિમી પૂર્વ-દક્ષિણ પૂર્વમાં હતું. જેના કારણે ફ્લાઈટ્સ પણ કેન્સલ કરવી પડી હતી. જો કે હવે બાર્બાડોસના વડાપ્રધાને આશા વ્યક્ત કરી છે કે સ્થિતિ જલ્દી સામાન્ય થઈ જશે.


Google NewsGoogle News