ટીમ ઈન્ડિયાને લેવા BCCIએ સ્પેશિયલ વિમાન મોકલ્યું, બાર્બાડોસના કર્મચારીઓએ કહ્યું- આટલું મોટું વિમાન પહેલીવાર જોયું
Image Twitter |
Indian Cricket Team : ભારતીય ટીમને બાર્બાડોસથી લાવવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI દ્વારા એક સ્પેશિયલ વિમાનની વ્યવસ્થા કરવામાં આવી છે. તેથી હવે ટૂંક સમયમાં ભારતીય ટીમ દેશમાં આવી જશે. એર ઈન્ડિયાનું એક વિશાળ વિમાન બાર્બાડોસમાં લેન્ડ થઈ ગયું છે, જેને જોઈને કર્મચારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે, કારણ કે બાર્બાડોસનું એરપોર્ટ બહુ નાનું છે, કારણ કે તે આખા ટાપુ પર ડોમેસ્ટિક સાઇઝની ફ્લાઈટ્સ ઉડે છે. પહેલીવાર બોઇંગ 777 બાર્બાડોસના ગ્રાન્ટલી એડમ્સ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયું છે. ભારતીય ટીમને આ ફ્લાઈટમાં ભારતમાં લાવવામાં આવશે.
ભારતીય ટીમ સાથે 22 પત્રકારોને આવવાની પણ પુષ્ટિ કરાઈ
માહિતી પ્રમાણે આ વિમાન બાર્બાડોસથી ભારતીય ટીમને લઈને ભારત આવશે. આ સિવાય BCCI બાર્બાડોસમાં ફસાયેલા ભારતીય પત્રકારોને પણ આ વિમાન દ્વારા ભારત લાવવાની તૈયારી કરી રહ્યું છે. BCCI સેક્રેટરી જય શાહે એક નિવેદન આપતા કહ્યું હતું કે, હું કોશિશ કરી રહ્યો છું કે, ભારતીય મીડિયાના લોકો પણ ટીમ સાથે પ્રવાસ કરી શકે. ભારતીય ટીમ સાથે 22 પત્રકારોને આવવાની પણ પુષ્ટિ કરવામાં આવી છે.
આ પણ વાંચો : બાર્બાડોસમાં 130 કિમીની ઝડપે ફૂંકાશે પવન, એરપોર્ટ બંધ, ક્યારે થશે ટીમ ઈન્ડિયાની વાપસી?
પહેલીવાર એરપોર્ટ પર આટલું મોટું પ્લેન જોયુ
હકીકતમાં T-20 વર્લ્ડ કપ 2024 નું કવરેજ કરવા ગયેલા પત્રકારોને એરપોર્ટ કર્મચારીઓ જણાવ્યું હતું કે, પહેલીવાર તેમણે આ એરપોર્ટ પર આટલું મોટું પ્લેન લેન્ડ થતું જોયું છે. BCCI એ AIC24WC નિશાન સાથે પ્લેનની વ્યવસ્થા કરી હતી. જોકે, કેટલાક લોકોએ દાવો કર્યો છે કે, આ ફ્લાઈટ ન્યૂયોર્કથી દિલ્હી આવવાની હતી. જે કેન્શલ કરવામાં આવી હતી અને તેને બાર્બાડોસ મોકલવામાં આવ્યું હતું. જોકે, ખરેખર સાચી હકીકત શું છે, તે ટૂંક સમયમાં જ બહાર આવશે. પરંતુ સુત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય ખેલાડીઓ ગુરુવારે સવારે દિલ્હીમાં ઉતરી શકે છે અને ત્યારબાદ મુંબઈમાં રોડ શો પણ કરવામાં આવી શકે છે.