સાઉથ આફ્રિકા પ્રવાસ માટે આજે થઈ શકે છે ટીમ ઈન્ડિયાનું એલાન, રોહિત-વિરાટ પર રહેશે નજર
રોહિત-વિરાટે સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડ સામે હાર્યા બાદ એકપણ T20I મેચ રમી નથી
વિરાટ કોહલીએ BCCI પાસેથી વ્હાઈટ બોલ ક્રિકેટથી બ્રેક માંગ્યો છે
Image:File Photo |
IND vs SA : ભારતીય ટીમ હાલ ઓસ્ટ્રેલિયા સામે 5 મેચોની T20I સિરીઝ રમી રહી છે. આ સિરીઝ પછી તે સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાની છે, જ્યાં 3-3 મેચની T20I અને વનડે સિરીઝ ઉપરાંત 2 ટેસ્ટ મેચ રમશે. આ પ્રવાસ માટે ભારતીય ટીમનું એલાન આજે કરવામાં આવી શકે છે. ભારતીય ટીમના એલાન દરમિયાન સૌની નજર રોહિત શર્મા અને વિરાટ કોહલી પર રહેશે. કેટલાંક મીડિયા અહેવાલો મુજબ વિરાટ કોહલીએ BCCI પાસેથી વ્હાઈટ બોલથી બ્રેક માંગ્યો છે. જયારે બોર્ડ રોહિત શર્માને આગામી T20 World Cup 2024ને જોતા T20 ફોર્મેટમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરવા મનાવી રહ્યું છે.
રોહિત-વિરાટે સેમિફાઈનલમાં હાર્યા બાદ એકપણ T20I મેચ રમી નથી
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20 World Cup 2022ની સેમિફાઈનલ મેચમાં ઇંગ્લેન્ડ સામે 10 વિકેટથી મળેલી હાર બાદ એકપણ T20I મેચ રમી નથી. આવી સ્થિતિમાં જોવાનું એ રહેશે કે BCCI આ ખેલાડીઓના T20 ફ્યુચરને લઈને શું નિર્ણય કરે છે. બીજી તરફ એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે સાઉથ આફ્રિકા પ્રવાસ પર T20 સિરીઝમાં ભારતીય ટીમનું નેતૃત્વ સૂર્યકુમાર યાદવ કરી શકે છે.
T20 સિરીઝમાં સૂર્યકુમાર જ કેપ્ટનશીપ કરશે - સૂત્ર
રોહિત શર્મા T20 ફોર્મેટમાં વાપસી કરશે કે નહીં તે અંગે હજુ પણ સંશય છે. જયારે હાર્દિક પંડ્યા ઈજાના કારણે ટીમમાંથી બહાર છે. આવી સ્થિતિમાં BCCI પાસે સુર્યકુમાર યાદવને ભારતીય ટીમની કેપ્ટનશીપ સોંપવા સિવાય બીજો કોઈ અન્ય વિકલ્પ નથી. આ ઘટનાક્રમથી વાકેફ BCCIના એક સૂત્રએ કહ્યું, 'હાર્દિકના વાપસી પર શું થશે તે અંગે હજુ પણ કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ BCCIનું માનવું છે કે જો રોહિત T20 ટીમની કમાન સંભાળવા માટે સંમત થાય છે, તો તે આગામી T20 World Cup સુધી કેપ્ટન રહેશે. જો રોહિત સંમત નહીં થાય તો સાઉથ આફ્રિકામાં T20 સિરીઝમાં સૂર્યકુમાર જ કેપ્ટનશીપ કરશે.
આ ખેલાડીઓની થઇ શકે છે વાપસી
કે.એલ રાહુલ અને શ્રેયસ અય્યર ટેસ્ટમાં વાપસી કરી શકે છે. અજિંક્ય રહાણેને બહાર કરવામાં આવી શકે છે જ્યારે ચેતેશ્વર પૂજારાની વાપસીની શક્યતા ઓછી છે. જો કે.એલ રાહુલ વિકેટકીપરની જવાબદારી પણ સંભાળે તો જ આ સ્થિતિમાં રહાણે ટીમમાં જગ્યા બનાવી શકશે. બીજી તરફ જસપ્રીત બુમરાહે પણ ટેસ્ટ ક્રિકેટ રમવાની ઈચ્છા જાહેર કરી છે. તે મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુર સાથે ફાસ્ટ બોલિંગ ડીપાર્ટમેન્ટ સંભાળશે. મુકેશ કુમારને રિઝર્વ ફાસ્ટ બોલર તરીકે રાખવામાં આવી શકે છે.