ભારતીય મહિલા ટીમે રચ્યો ઈતિહાસ, પહેલીવાર સૌથી મોટી લીડથી મેળવી જીત, વનડેમાં 400 પાર સ્કોરનો પણ બનાવ્યો રેકોર્ડ
Highest score in women's ODI cricket in India: સ્મૃતિ મંધાનાની કપ્તાનીમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બુધવારે (15 જાન્યુઆરી) મોટો ઇતિહાસ રચ્યો છે. રાજકોટમાં રમાયેલી ત્રણ મેચોની વનડે સીરિઝના અંતિમ મુકાબલામાં આયરલેન્ડને 304 રનની મોટી લીડથી હરાવ્યું. આ મહિલા ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ છે.
પહેલીવાર ભારતીય મહિલા ટીમે 300થી વધુ રને મેળવી જીત
આવું પહેલીવાર બન્યું છે, જ્યારે ભારતીય મહિલા ટીમે 300 કે તેનાથી વધુ રનથી વનડે ક્રિકેટમાં જીત મેળવી હોય. આ પહેલા ભારતીય ટીમના નામે 249 રનના અંતરથી જીતનો રેકોર્ડ હતો, જે તેમણે 2017માં આયરલેન્ડ વિરૂદ્ધ નોંધાવ્યો હતો.
પહેલીવાર ભારતીય મહિલા ટીમે વનડેમાં 400 પાર સ્કોર કર્યો
રાજકોટમાં આયર્લેન્ડ સામે રમાયેલી ત્રીજી ODIમાં ભારતીય મહિલા ટીમે વનડે મેચમાં રેકોર્ડ 435 રન બનાવી ઈતિહાસ સર્જ્યો છે. ભારતીય મહિલા ટીમે આયર્લેન્ડ સામે 50 ઓવરમાં રેકોર્ડ 435 રન બનાવી ભારતીય પુરૂષ ટીમને પણ પાછળ પાડી દીધી છે. ઉલ્લેખનીય છે, ભારતીય પુરૂષ ટીમનો વનડે રન રેકોર્ડ 418 છે. 2011માં ઈન્દોરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય પુરૂષ ટીમે આ રેકોર્ડ બનાવ્યો હતો.
આ મેચમાં ભારતીય મહિલા ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય મહિલા ટીમ પ્રથમ વખત 400 રનનો આંકડો ક્રોસ કરવામાં સફળ રહી હતી. આ સાથે રેકોર્ડ સ્કોર રચી મહિલા-પુરૂષની વનડે મેચમાં ઈતિહાસ બનાવ્યો હતો. અગાઉ 12 જાન્યુઆરીએ ભારતીય મહિલા ટીમે 370 રન બનાવીને ODIમાં સર્વોચ્ચ ટીમ સ્કોર બનાવ્યો હતો.
મંધાનાએ સૌથી ઝડપી સદી ફટકારવાનો બનાવ્યો રેકોર્ડ
આયર્લેન્ડ સાથેની સીરીઝમાં હરમનપ્રીત કૌરના સ્થાને કેપ્ટનશીપ કરી રહેલી મંધાનાએ 10મી સદી ફટકારી હતી. આ સાથે મંધાનાએ મહિલા વનડે ક્રિકેટમાં ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી ઝડપી સદી ફટકારવાનો હરમનપ્રીત કૌરનો રેકોર્ડ તોડ્યો હતો. તેમજ તે મહિલા વનડેમાં 10 કે તેથી વધુ સદી ફટકારનારી ચોથી ક્રિકેટર પણ બની છે. સ્મૃતિએ રાજકોટમાં ત્રણ મેચની અંતિમ વનડે સીરિઝમાં આયર્લેન્ડ સામે માત્ર 70 બોલમાં સદી ફટકારી હતી. આ મેચમાં 80 બોલમાં 135 રન બનાવ્યા હતા, જેમાં સાત છગ્ગા અને 12 ચોગ્ગા ફટકાર્યા હતા. આ પહેલાં હરમનપ્રીત કૌરે ગયા વર્ષે બેંગલુરુમાં સાઉથ આફ્રિકા સામે 87 બોલમાં સદી ફટકારીને આ રેકોર્ડ બનાવ્યો હતો.
હરમનપ્રીતે 2017થી આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે, જ્યારે તેણે 2017 ODI વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે ડર્બીમાં 90 બોલમાં સદી ફટકારી હતી. મહિલા વનડેમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ મેગ લેનિંગના નામે છે, જેણે 2012માં ન્યૂઝીલેન્ડ સામે 45 બોલમાં સદી ફટકારી હતી.
મહિલા વનડેમાં 400થી વધુનો સ્કોર
491/4 - ન્યૂઝીલેન્ડ vs આયર્લેન્ડ, ડબલિન, 2018
455/5 - ન્યૂઝીલેન્ડ vs પાકિસ્તાન, ક્રાઈસ્ટચર્ચ, 1997
440/3 - ન્યૂઝીલેન્ડ vs આયર્લેન્ડ, ડબલિન, 2018
435/5 - ભારત vs આયર્લેન્ડ, રાજકોટ, 2025
418 - ન્યૂઝીલેન્ડ vs આયર્લેન્ડ, ડબલિન, 2018
412/3 - ઓસ્ટ્રેલિયા vs ડેનમાર્ક, મુંબઈ, 1997
મહિલા ODIમાં ભારતીય ક્રિકેટર્સનો રેકોર્ડ સ્કોર
188 - દીપ્તિ શર્મા vs આયર્લેન્ડ, પોચેફસ્ટ્રુમ, 2017
171* - હરમનપ્રીત કૌર vs ઓસ્ટ્રેલિયા, ડર્બી, 2017
154 - પ્રતિક રાવલ vs આયર્લેન્ડ, રાજકોટ, 2025
143* - હરમનપ્રીત કૌર vs ઈંગ્લેન્ડ કેન્ટરબરી, 2022
138* - જયા શર્મા vs પાકિસ્તાન, કરાચી, 2005
પ્રતિકા રાવલે પણ પોતાની પ્રથમ વનડે સદી ફટકારી
આ મેચમાં સ્મૃતિ સિવાય ઓપનર પ્રતિકા રાવલે પણ 129 બોલમાં 154 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 20 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતાં. પ્રતિકાની આ પ્રથમ વનડે સદી હતી. પ્રતિકા રાવલે અત્યાર સુધી છ વનડે ઇનિંગ્સમાં 74ની એવરેજથી 444 રન બનાવ્યા છે. પ્રથમ છ મહિલા વન-ડે પછી કોઈપણ ખેલાડી દ્વારા બનાવેલા આ સૌથી વધુ રન છે. આ મેચમાં પ્રતિકા અને કેપ્ટન મંધાનાએ પ્રથમ વિકેટ માટે 26.4 ઓવરમાં 233 રનની ભાગીદારી કરી હતી. ત્રીજા નંબર પર રમવા આવેલી રિચા ઘોષે પણ 59 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
મહિલા વનડેમાં સૌથી ઝડપી સદી
મેગ લેનિંગ: ન્યૂઝીલેન્ડ સામે 45 બોલમાં, 2012/13
કેરેન રોલ્ટન: દક્ષિણ આફ્રિકા સામે 57 બોલમાં, 2000/01
સોફી ડિવાઇન: આયર્લેન્ડ સામે 59 બોલમાં, 2018
હર્ષિતા જયંગાણી: ન્યૂઝીલેન્ડ સામે 60 બોલમાં, 2023
મેડી ગ્રીન: આર્યલેન્ડ સામે 62 બોલમાં, 2018
નેટ સાયવર: શ્રીલંકા સામે 66 બોલમાં, 2023
ચાર્લોટ એડવર્ડ્સ: ન્યૂઝીલેન્ડ સામે 70 બોલમાં, 2011/12
સ્મૃતિ મંધાના: આયર્લેન્ડમાં 70 બોલમાં, 2024
મહિલા વનડેમાં સૌથી વધુ સદી
મેગ લેનિંગ - 103 મેચમાં 15 સદી
સુઝી બેટ્સ - 168 મેચમાં 13 સદી
ટેમી બ્યુમોન્ટ - 126 મેચમાં 10 સદી
સ્મૃતિ મંધાના - 97 મેચમાં 10 સદી