ભારત સહિત U-19 વર્લ્ડ કપ સુપર-6 માટે 9 ટીમ થઈ ક્વોલિફાય, ICCએ શેર કરી યાદી
ભારત સહિત 9 ટીમએ ICC અંડર-19 વર્લ્ડકપ 2024 સુપર-6 માટે ક્વોલિફાય કર્યું
શનિવારે સવારે ICC એ જાહેરાત કરી, સુપર-6 માં પાકિસ્તાન પણ ભારતના ગ્રૂપમાં હશે
ICC Under 19 World Cup Points Table: ICC એ શનિવારે સવારે જાહેરાત કરતા જણાવ્યું હતું કે ભારત સહિત 9 ટીમોએ ICC અંડર-19 વર્લ્ડકપ 2024 સુપર-6 માટે ક્વોલિફાય કર્યું છે. ભારત સિવાય બાંગ્લાદેશની ટીમ અત્યાર સુધી ગ્રૂપ-A માંથી ક્વોલિફાય કરવામાં સફળ રહી છે. આ સિવાય ત્રીજી ટીમ યુએસએ અથવા આયર્લેન્ડ હશે. જેમાં આયર્લેન્ડે બાંગ્લાદેશ સામેની મેચ જીતી હોવાથી આયર્લેન્ડ પાસે હાલ વધુ સારી તક છે. ગ્રૂપ-B માંથી ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ, ગ્રૂપ-C માંથી ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા જ્યારે ગ્રૂપ-D માંથી પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને નેપાળ ક્વોલિફાય થયા છે. કુલ 12 ટીમોએ સુપર-6 માટે ક્વોલિફાય કરવું પડશે, જેમાં ત્રણ ટીમોની જાહેરાત થવાની બાકી છે. ગ્રૂપ A, B અને C માંથી એક-એક ટીમ સુપર-6 માં પહોંચશે.
12 ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવશે
સુપર-6 માં બે ગ્રૂપમાં 12 ટીમને વહેંચવામાં આવશે. પહેલા ગ્રૂપમાં ગ્રૂપ-A અને ગ્રૂપ-D ની ટીમો હશે. જયારે બીજા ગ્રૂપમાં ગ્રૂપ-B અને ગ્રૂપ-D ની ટીમોને સામેલ કરવામાં આવશે.
અંડર-19 વર્લ્ડ કપમાં ભારતનું પ્રદર્શન
ભારતીય ટીમની વાત કરીએ તો ભારતે ઉદય સહારનના નેતૃત્વમાં અત્યાર સુધી રમાયેલી બંને મેચો જીતી છે, પહેલા ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 84 રનથી અને પછી આયર્લેન્ડને 201 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાની ત્રીજી મેચ યુએસએસ સામે બાકી છે.
26 જાન્યુઆરીએ થયો પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર
26 જાન્યુઆરીએ રમાયેલી ત્રણ મેચો બાદ સુપર-6 માં કોણ આવી શકે છે તે અમુક અંશે સ્પષ્ટ થયું હતું. શુક્રવારે નેપાળે અંડર-19 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનની ટીમનો પરાજય થયો હતો. જ્યારે બાંગ્લાદેશે યુએસને હરાવ્યું હતું. ત્રીજી મેચમાં જ્યારે ઈંગ્લેન્ડનો વેસ્ટ ઈન્ડિઝ સામે મુકાબલો થયો ત્યારે કેરેબિયન ટીમે બ્રિટિશરોને હરાવ્યા હતા.
નેપાળ વિરુદ્ધ અફઘાનિસ્તાનની મેચ રહી રોમાંચક
આ ત્રણ મેચોમાં સૌથી રોમાંચક મેચ નેપાળ વિરુદ્ધ અફઘાનિસ્તાનની હતી. જેમાં નેપાળે અફઘાનિસ્તાનને મોટા ઉલટફેરથી હરાવ્યું હતું. અફઘાનિસ્તાનની ટીમ સીધી ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ ગઈ હતી જ્યારે નેપાળની ટીમે ક્વોલિફાયર દ્વારા ટુર્નામેન્ટમાં જગ્યા બનાવી હતી.