રોહિત-ગંભીરના નિર્ણયોથી નારાજ છે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ? ડ્રેસિંગ રૂમમાં ભારે તણાવ
Sport News: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી આખરી નિર્ણાયક ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીથી સિડનીમાં શરૂ થવા જઈ રહી છે. ત્યારે ભારતીય ક્રિકેટ કેમ્પમાં વાતાવરણ કથળ્યું છે. વિશેષ કરીને શર્માની કેપ્ટન્સી તેમજ તેણે રમેલી ત્રણ ટેસ્ટમાં કુલ 31 ૨ન જેવી નિષ્ફળ રમત છતાં તે માત્ર કેપ્ટન હોવાના કારણે સ્થાન જાળવશે તે અન્ય ખેલાડીઓને યોગ્ય નથી લાગતું. તેવી જ રીતે કોહલીના પરફોર્મન્સને લઇને પણ ટીમમાં ચિંતાનો માહોલ છે.
અશ્વિનનો ઈશારો
રોહિત શર્મા અને હેડ કોચ ગંભીરના અપમાનજનક વર્તન અને કોમ્યુનિકેશનના અભાવને લીધે અશ્વિને અધવચ્ચેથી નિવૃતિ જાહેર કરી હતી. ત્યારબાદ તેના પિતાએ જે કોમેન્ટ કરી તેમજ અશ્વિને 'એક્સ' પર જે સાંકેતિક પોસ્ટ મુકી તેના પરથી સ્પષ્ટ થાય છે કે, ડ્રેસિંગ રૂમમાં તણાવભર્યું વાતાવરણ છે.
ગિલને અન્યાય
રોહિત શર્મા અને ગંભીરે જે રીતે ગિલને પડતો મુક્યો. ફોર્મમાંથી બહાર ચાલી રહેલા રોહિત શર્માને ઓપનિંગમાં જયસ્વાલની સાથે મોકલ્યો. ટીમ મેનેજમેન્ટના આવા બેદરકાર નિર્ણયોને લીધે બંને ઈનિંગમાં ભારતીય ટીમની શરૂઆત ફલોપ થઇ હતી. જે કારણે મિડલ ઓર્ડર પર દબાણ વધાર્યું, જેનાથી ટીમના ખેલાડીઓ નારાજ થયા છે.
રોહિતે પંતની ટીકા કરી
બુમરાહ પર જ તમામ બોજ નાંખી સિનિયરો ફલોપ જાય છે, તેથી બુમરાહ પણ સ્વાભાવિક રીતે નિરાશ છે. પંતના બેજવાબદાર શોટની રોહિત શર્માએ મીડિયા કોન્ફરન્સમાં ટીકા કરી ત્યારે ચાહકો મનોમન કહેતા હતા કે, રોહિત શર્મા કયા મોઢે પંતની ટીકા કરે છે? જ્યારે રોહિત શર્માએ પોતે પાંચ ઈનિંગમાં માત્ર 31 રન જ બનાવ્યા છે. પંત પણ હાર માટે તેને જવાબદાર ગણવામાં આવતો હોવાથી રોહિતના નિવેદનથી નારાજ થયો છે.
ગંભીરનો રોષ
ભારત 3 વિકેટથી 155 રનમાં ઓલઆઉટ થઈને 121 રનથી હાર્યું તે પછી ટીમ મીટિંગમાં ગૌતમ ગંભીરે ખેલાડીઓ પર ખીજાતા જોરથી બોલ્યો હતો કે 'હવે બહુ થયું. અત્યાર સુધી હું સિનિયરો કે ખેલાડીઓ પોતાની જવાબદારી સમજે છે તેમ માનીને કંઈ કહેતો નહોતો. પણ હવે કોઈનું નહીં સાંભળું અને મારે જે નિર્ણયો લેવા હશે તે લઈશ. ખેલાડીઓ મેચ અગાઉ કે સેશન દરમિયાન જે યોજના બનાવી હોય તેમ નથી રમતા અને મનસ્વી રીતે રમે છે. હવે આવી હરકત કરનારાને હું પડતો મૂકીશ. હવે બધા ખેલાડીઓ આ માટે તૈયાર રહેજો.
આ પણ વાંચોઃ શું ફરી કેપ્ટન બની શકે છે વિરાટ કોહલી? કારણ જાણીને ચોંકી જશો
પૂજારાની માંગ
એવો પણ અહેવાલ છે કે, હેડ કોચ ગંભીર ઓસ્ટ્રેલિયા સામેની ટીમમાં પૂજારાનો સમાવેશ કરવા ઈચ્છતો હતો. તેણે પસંદગી સમિતિને આ બાબત પૂજારાનું નામ લઈને જ કહ્યું હતું કે, તેને ટીમમાં સમાવવામાં આવે, પરંતુ પસંદગી સમિતિએ તેની વાત માની નહોતી. તેથી ગંભીર પણ હતાશ છે કે તે જે માંગે છે તે તેને નથી મળતું. એટલે સુધી કે પર્થ ટેસ્ટ પછી પણ ગંભીરે અગરકરની પાસે વિનંતી કરી હતી. પુજારાએ 11 ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયામાં 993 રન કર્યા છે. બીજી બાજુ રોહિત શર્મા પર તેવું દબાણ છે કે, તેણે જ ટીમના હિતમાં પોતાને પડતો મૂકીને ગિલને સમાવવો જોઈએ. રોહિત માત્ર કેપ્ટન છે તેનો ફાયદો ઉઠાવી તેણે ટીમમાં ન રહેવું જોઈએ.
રોહિત શર્મા પર નજર
રોહિતે પોતાની રીતે ટોસ પૂર્વે જાહેરાત કરી કે તે આખરી ટેસ્ટ નથી રમવાનો તેવું લાગતું નથી. એવું માનવામાં આવે છે કે પસંદગી સમિતિના ચેરમેન અગરકરે રોહિત શર્માને આખરી સિડની ટેસ્ટમાં કેપ્ટન તરીકે શરૂ રહેવા જણાવ્યું છે અને તેમ પણ ઉમેર્યું હતું કે સીરિઝ પુરી થાય તે પછી આપણે નક્કી કરીશું.