ધ્રૂસકે-ધ્રૂસકે રડતા રહ્યા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ, રાહુલ દ્રવિડે કહ્યું- 'જોઈ ન શકાય તેવા હાલ હતા'
Image Source: Facebook
નવી દિલ્હી, તા. 20 નવેમ્બર 2023 સોમવાર
વર્લ્ડ કપ 2023ની સેમિફાઈનલ સહિત પહેલાની તમામ 10 મેચમાં જીતના રથ પર સવાર ભારતીય ટીમ ફાઈનલની જંગ હારી ગઈ છે. ખિતાબની મેચમાં મેક્સવેલના બેટથી વિનિંગ રન નીકળ્યા તો ભારતના ખેલાડીઓની આંખો ભરાઈ ગઈ. મોહમ્મદ સિરાજ મેદાન પર જ ખૂબ રડતા નજર આવ્યા તો કેપ્ટન રોહિત શર્મા ભીની આંખો સાથે સૌથી પહેલા ડ્રેસિંગ રૂમ તરફ જતા રહ્યા. મેદાન પર અન્ય ખેલાડીએ પોતાના પર કંટ્રોલ કરેલો હતો પરંતુ તમામ ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા તો ભાવુક થઈને ધ્રૂસકે-ધ્રૂસકે રડતા નજર આવ્યા. આની જાણકારી પોતે હેડ કોચ રાહુલ દ્રવિડે આપી છે. તેમણે કહ્યુ કે તેઓ ખેલાડીઓના દુ:ખને જોઈ શક્યા નહીં.
રાહુલ દ્રવિડે જણાવ્યુ કે રોહિત શર્મા ખૂબ નિરાશ છે, તેમની સાથે જ ડ્રેસિંગ રૂમમાં ઘણા ખેલાડી નિરાશ નજર આવ્યા. ડ્રેસિંગ રૂમમાં ભાવનાઓનું પૂર ઉમટ્યુ છે. તમામ ભાવુક નજર આવ્યા અને કોચ તરીકે મારા માટે એ જોવુ ખૂબ મુશ્કેલ હતુ, કેમ કે મને ખબર છે કે તમામે કેટલી મહેનત કરી. તેમણે શું યોગદાન અને કેટલુ બલિદાન આપ્યુ છે. આ કોચ તરીકે જોવુ ખૂબ અઘરુ છે. કેમ કે હુ આ બોયઝને વ્યક્તિગતરીતે ઓળખુ છુ.
મને વિશ્વાસ છે કે કાલે ફરીથી સૂરજ નીકળશે...
દ્રવિડે આગળ જણાવ્યુ કે અમે ગયા મહિને કેટલી મહેનત કરી, અમે જે રીતે રમ્યા, તે બધાએ જોયુ. પરંતુ આ રમત છે અને રમતમાં આવુ પણ થાય છે. શ્રેષ્ઠ ટીમ જીતી ગઈ. મને વિશ્વાસ છે કે કાલે ફરીથી સૂરજ નીકળશે... અમે આનાથી શીખીશુ અને વિચાર કરતા આગળ વધીશુ. રમતમાં તમારી પાસે અમુક મહાન સિદ્ધિઓ છે. તમે આગળ વધતા રહો. રોકાવ નહીં કેમ કે જો તમે પોતાને દાવ પર લગાવતા નથી તો તમને ઊંચાઈઓ અને ઘટાડાનો અનુભવ થશે નહીં.
દુર્ભાગ્યવશ ફાઈનલમાં ટીમ ઈન્ડિયા હારી
વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા પહેલી તમામ 9 મેચ જીતનારી વિશ્વની પહેલી ટીમ બની છે. જે બાદ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડને પણ હરાવ્યુ પરંતુ દુર્ભાગ્યવશ ફાઈનલમાં ટીમ ઈન્ડિયા આશાઓ પર ખરી ઉતરી શકી નહીં અને ટ્રોફી ઓસ્ટ્રેલિયાએ જીતી લીધી.