બે દિવસ પહેલા જ પિતાને હાર્ટઍટેક આવ્યો અને હવે હું ટીમની બહાર: સ્ટાર ખેલાડીનું દર્દ છલકાયું
Women Team India, Shafali Verma : સ્મૃતિ મંધાનાના કેપ્ટનશીપમાં ભારતીય મહિલા ટીમે ઘરઆંગણે રમાયેલી ODI શ્રેણીમાં આયર્લેન્ડ મહિલા ટીમને 3-0થી ક્લીન સ્વીપ કરી હતી. ત્યારે ભારતીય મહિલા ટીમમાંથી બહાર રહેલી વિસ્ફોટક ઓપનિંગ બેટર શેફાલી વર્માએ હાલમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. શેફાલીએ જણાવ્યું કે, જ્યારે તેને ટીમમાંથી બહાર કરવામાં આવી ત્યારે આ વાત તે તેના પિતા સંજીવ વર્માને પણ ન કહી શકી. શેફાલીને ગયા વર્ષે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલી ભારતીય મહિલા ટીમમાં સ્થાન નહોતું મળ્યું, અને ત્યારથી તે બહાર છે.
શેફાલી વર્માએ શું કહ્યું?
આ અંગે ઘરેલુ ક્રિકેટમાં મહિલા વનડે ચેલેન્જર ટ્રોફીની ફાઇનલમાં રમનાર શેફાલી વર્માએ વાત કરતાં કહ્યું કે,' આમાંથી બહાર નીકળવું મારા માટે સહેલું નથી, કારણ કે મને ટીમમાંથી બહાર કરવામાં આવ્યાના લગભગ બે દિવસ પહેલા જ મારા પિતાને હાર્ટ એટેક આવ્યો હતો. તે સમયે તેઓ હોસ્પિટલમાં હતા. અને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ ન થાય ત્યાં સુધી મેં આ વાત તેમને નહોતી કરી. મેં તેમને એક અઠવાડિયા પછી આ વાત કહી હતી.
શેફાલીના પિતાએ મદદ કરી
હરિયાણાથી આવતી 20 વર્ષીય શેફાલી વર્માએ એક વિસ્ફોટક ઓપનિંગ બેટર તરીકે પોતાની ઓળખ બનાવી છે. પરંતુ 2019 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યા પછી તે છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય મહિલા ટીમ માટે મુખ્ય બેટર રહી છે, પરંતુ તેની શાંત બેટિંગને કારણે તેને ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી બહાર કરી દેવામાં આવી હતી. હવે શેફાલીએ પણ વાપસી કરવાનો નિર્ણય લીધો છે અને તેણે બેટિંગ વિશે આગળ કહ્યું, કે
'ક્યારેક ક્યારેક આપણે આપણી તાકાત ભૂલી જઈએ છીએ પણ પિતાને બધું યાદ રાખે છે. તેમણે મને મારા બાળપણના વર્કઆઉટ્સ અને અભ્સાસની યાદ અપાવી અને મને એવુ કરવાથી મદદ મળી. જ્યારે મેં શરૂઆત કરી ત્યારે અમારી પાસે નોકિંગ ડ્રીલ્સ એટલે કે ઓન ડ્રાઈવ, સ્ટ્રેટ ડ્રાઇવ હતી અને મેં એજ કામ કર્યું. આ મારી તાકાત છે અને ક્યારેક ક્યારેક આપણે તેના પર કામ કરવાની જરૂર પડે છે, જેથી તમને યાદ રહે કે, તમે તેમાં કેટલા સારા છો.'
શેફાલી વિશે વાત કરીએ તો ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા પછી તેણે બેટથી ધમાલ મચાવી દીધી હતી. શેફાલીએ બે સ્થાનિક ટુર્નામેન્ટ રમી છે અને 12 મેચોમાં 527 અને 414 રન બનાવ્યા છે, જેમાં ત્રણ સદી અને પાંચ અડધી સદીનો સમાવેશ થાય છે. તેણે ફરી એકવાર પોતાને સાબિત કરી છે અને નવ મહિના પછી ભારતમાં યોજાનાર ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025 માટે ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવા માંગે છે.