ખરાબ પિચના કારણે વર્લ્ડ કપ ફાઈનલમાં હારી ટીમ ઈન્ડિયા? ICCના રેટિંગમાં થયો મોટો ખુલાસો
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 08 ડિસેમ્બર 2023 શુક્રવાર
ભારતીય ટીમને વર્લ્ડ કપ 2023ની ફાઈનલ ગુમાયે લગભગ 19 દિવસ થઈ ચૂક્યા છે. હવે મોટો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં જણાવાયુ છે કે ટીમ ઈન્ડિયાએ જે પિચ પર ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલ રમી હતી, તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) સરેરાશની રેટિંગ આપી છે, તેના પહેલા રિપોર્ટમાં જણાવાયુ હતુ કે હેડ કોચ રાહુલ દ્રવિડે પણ પિચને જ ભારતની હારનું કારણ ગણાવ્યુ હતુ.
રિપોર્ટ અનુસાર આઈસીસીએ વર્લ્ડ કપની પાંચ મેચની પિચને સરેરાશ રેટિંગ આપ્યુ છે. જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ફાઈનલ મેચ પણ સામેલ છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયા પહેલી બેટિંગ કરીને 50 ઓવરમાં 240 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી અને ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં જીત પોતાના નામે કરી લીધી હતી.
રાહુલ દ્રવિડે પણ પિચને આપ્યો હતો દોષ
હેડ કોચ રાહુલ દ્રવિડે પણ બીસીસીઆઈ રિવ્યૂ મીટિંગમાં પિચને ફાઈનલ મેચ ગુમાવવા માટે જવાબદાર ગણાવી હતી. રિપોર્ટ અનુસાર હેડ કોચે કહ્યુ હતુ કે અમને આશા અનુસાર ટર્ન ન મળવાના કારણે અમે હારી ગયા. જો સ્પિનર્સને ટર્ન મળત તો અમે જીતી જાત. અમે પહેલી 10 મેચ આ રણનીતિથી જીતી, પરંતુ ફાઈનલમાં આ કામ આવી નહીં.
ખરાબ પિચ પર ઓસ્ટ્રેલિયાએ કેવી રીતે રમી શાનદાર રમત
આઈસીસીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચને સરેરાશ રેટિંગ આપીને એ વાત પર મોહર લગાવી દીધી છે કે પિચ સારી તો નહોતી. હવે તમારા મનમાં સવાલ ઉઠી રહ્યો હશે તો ઓસ્ટ્રેલિયાએ કેવી રીતે આ પિચ પર કમાલ કરી. આ પ્રશ્ન થવો સ્વાભાવિક પણ છે. ખરાબ પિચ પર ટોસ હારી જવો ટીમ ઈન્ડિયા માટે નુકસાનકારક સાબિત થયો.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને ટીમ ઈન્ડિયાને 240 રન પર આટોપી લીધી. દિવસના સમયે પિચે અમુક હદ સુધી બોલરોનો સાથ આપ્યો પરંતુ જ્યાં સુધી ભારતીય ટીમની બોલિંગ આવી ત્યાં સુધી લાઈટ્સ ઓન થઈ ચૂકી હતી અને મેદાન પર ભેજ પણ આવી ગયો હતો. દરમિયાન મેન ઈન બ્લૂના બોલર્સની પાસે કરવા માટે વધુ કંઈ રહ્યુ નહોતુ.