60 વર્ષમાં પહેલીવાર ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે, 10 હજાર કેમેરાથી દેખરેખ અને 'લોખંડી' સુરક્ષા
ભારતીય ટીમના પ્રવાસ દરમિયાન હંમેશા બે એસ્કોર્ટ વાહનો સાથે રહેશે
બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દરરોજ સવારે ઈસ્લામાબાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની તપાસ કરશે
Image: Social Media |
IND vs PAK Davis Cup : ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય તણાવને કારણે છેલ્લા એક દાયકાથી ક્રિકેટમાં દ્વિપક્ષીય સીરિઝ જોવા મળી નથી. પરંતુ અન્ય રમતો માટે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરી રહી છે. આ દરમિયાન ભારતીય ટેનિસ ટીમ ડેવિસ કપ મેચ માટે રવિવારે પાકિસ્તાન પહોંચી હતી. ભારતીય ટીમમાં 5 ખેલાડીઓ, 2 ફિઝિયો અને ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિયેશન (AITA)ના 2 અધિકારીઓ સામેલ છે. લગભગ 60 વર્ષમાં ભારતીય ટેનિસ ટીમનો આ પહેલો પાકિસ્તાન પ્રવાસ છે. આ દરમિયાન ભારતીય ટીમને ત્યાં રાષ્ટ્રપતિ જેવી સુરક્ષા આપવામાં આવી છે.
ભારતીય ટીમના પ્રવાસ દરમિયાન હંમેશા બે એસ્કોર્ટ વાહનો સાથે રહેશે
ભારતીય ટીમની સુરક્ષા માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, 2 એસ્કોર્ટ વાહનો, 5 લેયર સિક્યોરિટી હંમેશા તૈનાત રહેશે. આ ઉપરાંત 10 હજાર કેમેરા દ્વારા દેખરેખ રાખવામાં આવશે. ભારતીય ટીમને પાકિસ્તાન પ્રવાસ પર કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, કારણ કે ત્યાં ભારતીય ટીમને હોટલ અને મેચના સ્થળો સુધી મર્યાદિત રહેવું પડશે.આ સમય દરમિયાન બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દરરોજ સવારે ઈસ્લામાબાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની તપાસ કરશે. ભારતીય ટીમના પ્રવાસ દરમિયાન હંમેશા બે એસ્કોર્ટ વાહનો તેમની સાથે રહેશે. પીટીએફ ઈન્ટરનેશનલ ટેનિસ ફેડરેશનના જનરલ સેક્રેટરી કર્નલ ગુલ રહેમાને પણ આ જ વાત કહી છે.
ભારતીય ટીમની આસપાસ 4થી 5 સ્તરની સુરક્ષા હશે
ગુલ રહેમાને કહ્યું, “ભારતીય ટીમ 60 વર્ષ બાદ પાકિસ્તાન આવી છે, તેથી અમે વધારાની સાવચેતી રાખી રહ્યા છીએ. ભારતીય ટીમની આસપાસ 4થી 5 સ્તરની સુરક્ષા હશે. હું પણ સુરક્ષા મેનેજર તરીકે પ્રવાસ દરમિયાન ટીમ સાથે રહીશ. પ્રવાસ દરમિયાન એસ્કોર્ટ વાહન ટીમ સાથે રહે છે. ટીમો VVIP ગેટ દ્વારા હોટેલમાં પ્રવેશ કરે છે, જે રાજ્યના વડાઓ માટે આરક્ષિત છે.”
શહેરમાં લગભગ 10,000 કેમેરા લગાવવામાં આવ્યા
ગુલ રહેમાને વધુમાં કહ્યું, “બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દરરોજ સવારે આયોજન સ્થળની તપાસ કરશે અને કાર્યક્રમ સ્થળે કોઈને પ્રવેશ કરવાની અનુમતિ આપવામાં આવશે નહીં. આ પ્રક્રિયા સમગ્ર મેચ દરમિયાન ચાલુ રહેશે. ઈસ્લામાબાદ એશિયાના સૌથી સુરક્ષિત શહેરોમાંનું એક છે. જેમ જેમ સામાન્ય ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ સુરક્ષા પણ ચુસ્ત છે. અહીં સતત હવાઈ દેખરેખ ચાલુ છે, શહેરમાં લગભગ 10,000 કેમેરા લગાવવામાં આવ્યા છે. ભારતીય ખેલાડીઓની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.”
ભારતીય ખેલાડીઓને ડિનર માટે લઈ જવા માંગે છે પાકિસ્તાની ટેનિસ પ્લેયર
પાકિસ્તાનના પૂર્વ ટેનિસ ખેલાડી અકીલ ખાને કહ્યું, “જો ભારતીય ટીમ કમ્ફર્ટેબલ હોય તો તેમણે શહેરની આસપાસ ફરવું જોઈએ, જો તેઓ બહાર જઈને શહેર જોઈ શકતા ન હોય તો રેસ્ટોરાંમાં જવું જોઈએ. હું તેમને ડિનર માટે લઈ જવા માંગુ છું. તેમણે સંપૂર્ણ સુરક્ષા માટે કહ્યું છે અને તેથી આવી વ્યવસ્થા કરવામાં આવી છે. હવે તે ભારતીય ખેલાડીઓ પર નિર્ભર કરે છે.”