T20 વર્લ્ડ કપ 2024માં જીત બાદ ટીમ ઇન્ડિયા પર લાગ્યું 'ગ્રહણ', બનાવ્યા શરમજનક રૅકોર્ડ્સ
Team India created embarrassing records : વર્ષ 2024 ભારત માટે ક્રિકેટની દૃષ્ટીએ મિશ્ર એટલે કે આ વર્ષ સારું અને ખરાબ બંને રહ્યું હતું. આ વર્ષે ભારતીય ટીમે ICC T20 વર્લ્ડકપ 2024 જીત્યો હતો. પરંતુ વર્લ્ડકપ જીત્યા બાદ ભારતીય ટીમને ગ્રહણ લાગી ગયું હતું. વર્લ્ડકપ બાદ ટીમના મુખ્ય કોચમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. આ જવાબદારી ભૂતપૂર્વ ખેલડી ગૌતમ ગંભીરને સોંપવામાં આવી હતી અને ત્યારથી ભારતીય ટીમે ઘણાં શરમજનક રૅકોર્ડ બનાવ્યા હતા. વર્ષ 2024નો પહેલો ભાગ ભારતીય ટીમ માટે શાનદાર સાબિત થયો અને બીજો ભાગ નિરાશાજનક સાબિત થયો હતો.
ભારતીય ટીમનો વર્ષના બીજા ભાગમાં શરમજનક રૅકોર્ડ
• 27 વર્ષ બાદ ભારતને શ્રીલંકા સામે દ્વિપક્ષીય વનડે સીરિઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
• ભારત આખા વર્ષમાં એકપણ વનડે મેચ જીતી શક્યું નથી, 45 વર્ષ પછી આવું પહેલીવાર બન્યું.
• ઘરઆંગણે ટેસ્ટનો સૌથી ઓછો કુલ સ્કોર 46 રન બનાવ્યો.
• 36 વર્ષ બાદ ન્યૂઝીલૅન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટમાં હાર.
• બેંગલુરુમાં 19 વર્ષ બાદ ટેસ્ટમાં ભારતની હાર.
• 12 વર્ષ બાદ ઘરઆંગણે ટેસ્ટ સીરિઝમાં હારનો સામનો કરવો પડ્યો.
• વાનખેડે સ્ટેડિયમમાં 12 વર્ષ બાદ ભારતીય ટીમ ટેસ્ટ હારી.
• 24 વર્ષ પછી ઘરઆંગણે ટેસ્ટ સીરિઝમાં ભારતનું ક્લીન સ્વીપ થયું.
• 41 વર્ષ પછી ઘરઆંગણે એક વર્ષમાં 4 ટેસ્ટ મેચ હારી.
• 10 વર્ષ પછી એક જ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 2 મેચ હારી.
• 12 વર્ષ પછી મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટેસ્ટ મેચ હારી.
• મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર 8 વર્ષ પછી આંતરરાષ્ટ્રીય મેચમાં હારનો સામનો કરવો પડ્યો.
ગંભીરના મુખ્ય કોચ બનતાં જ તમામ શરમજનક રૅકોર્ડ બન્યા
અત્રે નોંધનીય છે કે, ગૌતમ ગંભીરના મુખ્ય કોચ બન્યા બાદ ઉપરોક્ત તમામ શરમજનક રૅકોર્ડ બન્યા હતા. ભારતીય ટીમે રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યો હતો. રાહુલ દ્રવિડનો કાર્યકાળ વર્લ્ડકપ જીતવાની સાથે પૂરો થયો. આ પછી ગૌતમ ગંભીરને ભારતીય ટીમનો આગામી મુખ્ય કોચ બનાવવામાં આવ્યો હતો. ગંભીરના કોચ બનતાંની સાથે જ ભારતીય ટીમનું પતન થવાનું શરુ થઈ ગયું હતું અને ટીમને ગ્રહણ લાગી ગયું હતું.