ભારતની વર્લ્ડકપ હારથી પાકિસ્તાન જ નહિ આ પાડોશી દેશ પણ ખુશ, ઉજવણી કરતા વીડિયો થયા વાયરલ
નવી મુંબઇ,તા. 21 નવેમ્બર 2023, મંગળવાર
વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર પર ટીમ ઈન્ડિયાના કરોડો ચાહકો ખૂબ જ દુઃખી હતા. ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને 6 વિકેટે હરાવીને ટાઇટલ કબજે કર્યું હતું. પોતાનું દુખ લોકો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં હતા તો ઘણા એવા પણ લોકો હતા જે ટીમ ઇન્ડિયાને પ્રોત્સાહિત કરી રહ્યાં હતા.
હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બાંગ્લાદેશમાં ભારતની હારની ઉજવણી કરવામાં આવી છે. આ વીડિયોમાં કેટલું સત્ય છે તે કહેવું મુશ્કેલ છે.
ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બાંગ્લાદેશની ઢાકા યુનિવર્સિટીમાં ભારતની હારની ઉજવણી કરવામાં આવી છે. આ વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો સ્ક્રીન પર મેચ જોતા જોવા મળી રહ્યાં છે.
વીડિયોમાં લોકો પોતાની ખુશી વ્યક્ત કરતા કહે છે કે, ભારત ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલ હારી જાય અને બાંગ્લાદેશના 80% લોકો ઓસ્ટ્રેલિયાને સમર્થન આપે છે અને તેઓ ઈચ્છે છે કે, બાંગ્લાદેશ તેમની જેમ રમે. અન્ય એક પ્રશંસકે કહ્યું કે તે બાળપણથી જ ઓસ્ટ્રેલિયન ટીમને સપોર્ટ કરી રહ્યો છે. અને જ્યારે પત્રકારે તેને ભારતની હાર પર તેની પ્રતિક્રિયા પૂછી ત્યારે તેણે કહ્યું, "હું ખુશ છું કે ભારત હારી ગયું! મને ખુશી છે કે ઓસ્ટ્રેલિયા ભારતમાં જીત્યું."
X પર શેર કરાયેલા આ વીડિયોને 60 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયો કોમેન્ટમાં એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આમાં બાંગ્લાદેશના લોકો ભારતની હાર પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ભારતીય ટીમની હાર બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત સમગ્ર ટીમના ચાહકો નિરાશ જોવા મળ્યા હતા. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચને જોવા માટે એક લાખથી વધુ લોકો આવ્યા હતા.