ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાને પ્રથમ ઝટકો: દુબઈથી ઘરે પરત ફર્યા બોલિંગ કોચ, જાણો કારણ
Morne Morkel Left Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવામાં માત્ર 1 દિવસ બાકી છે. આ ICC ટૂર્નામેન્ટ 19મીથી પાકિસ્તાન અને દુબઈમાં રમાશે, જેમાં વિશ્વની 8 સૌથી મજબૂત ટીમો એકબીજા સામે ટકરાશે. ટીમ ઈન્ડિયા પણ આ ટૂર્નામેન્ટ જીતવાની મોટી દાવેદાર છે. પરંતુ આ દરમિયાન ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ માર્ને મોર્કેલ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા અચાનક સ્વદેશ પરત ફર્યા છે.
મોર્ને મોર્કેલ શા માટે પરત ફર્યો?
મોર્ને મોર્કેલના અચાનક પરત ફરવાનું કારણ પર્સનલ ઈમરજન્સી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મોર્ને મોર્કેલના પિતાનું અવસાન થયું છે, જેના કારણે તે હાલમાં ટીમ ઇન્ડિયા છોડીને ઘરે પરત ફર્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાની એન્ટ્રી પહેલા આ મોટો આંચકો છે.
મોર્કેલ પ્રેક્ટિસ સેશનમાંથી પણ રહ્યો હતો બહાર
મોર્કેલ તાજેતરમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી સિરીઝ દરમિયાન ટીમ ઈન્ડિયા સાથે ભારતમાં હતો. ત્યારબાદ 15 ફેબ્રુઆરીએ તે ટીમ સાથે દુબઈ પહોંચી ગયો. તેણે 16મીએ ટીમ સાથે પ્રેક્ટિસમાં પણ ભાગ લીધો હતો. પરંતુ 17 ફેબ્રુઆરીએ તે ટીમ સાથે પ્રેક્ટિસ સેશનમાં હાજર રહ્યો ન હતો. તે સાઉથ આફ્રિકાથી ક્યારે પરત ફરશે અને તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ શકશે કે કેમ તે અંગે હજુ કોઈ સમાચાર નથી.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતવાની સૌથી મોટી દાવેદાર ટીમ ઈન્ડિયા
ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતવાની સૌથી મોટી દાવેદાર માનવામાં આવે છે. ટીમ ઈન્ડિયા હાલમાં જ 2023 ODI વર્લ્ડ કપ જીતવાથી માત્ર એક ડગલું દૂર હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ 11 વર્ષ પછી એટલે કે વર્ષ 2024માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. હવે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા આગળ વધી રહી છે. ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં 2013માં આ ખિતાબ જીત્યો હતો, પરંતુ 2017માં ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.