ઈંગ્લેન્ડ સામેની બાકીની 3 ટેસ્ટ માટે ટીમ જાહેર, કોહલીએ લીધો બ્રેક, જાડેજા-રાહુલની વાપસી
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે
Image: File Photo |
BCCI Announced Team India For England Test Series : BCCIએ આજે ઈંગ્લેન્ડ સામેની બાકીની 3 ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ 3 ટેસ્ટ મેચો માટે વિરાટ કોહલીની પસંદગી કરવામાં આવી નથી. BCCIએ માહિતી આપી છે કે વિરાટ કોહલી અંગત કારણોસર સીરિઝની બાકીની મેચો માટે ઉપલબ્ધ રહેશે નહીં. BCCI કોહલીના નિર્ણયનું સંપૂર્ણ સન્માન કરે છે અને સમર્થન કરે છે. આ ઉપરાંત ઈજાગ્રસ્ત કે.એલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાને પણ ટીમમાં સામલે કરવામાં આવ્યા છે.
જાડેજા-રાહુલની પસંદગી ફિટનેસના આધારે થશે
BCCIના જણાવ્યા અનુસાર પ્લેઈંગ-11માં કે.એલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાની પસંદગી ફિટનેસના આધારે થશે. કે.એલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાની પસંદગી BCCIની મેડિકલ ટીમ દ્વારા ફિટનેસ ક્લિયરન્સ મેળવ્યા બાદ જ કરવામાં આવશે. જયારે શ્રેયસ અય્યરનું નામ પણ સ્કવોડમાં નથી. વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટ બાદ અય્યરે કમરમાં જકડાઈ જવાની અને ગ્રોઈન એરિયામાં દુખાવાની ફરિયાદ કરી હતી. આ કારણે તે ઈંગ્લેન્ડ સામેની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે.
આવેશ ખાનની જગ્યાએ આકાશ દીપને મળી તક
ભારતીય ટીમમાં આવેશ ખાનની જગ્યાએ ફાસ્ટ બોલર આકાશ દીપની પસંદગી કરવામાં આવી છે. આકાશ દીપે તાજેતરમાં ઈંગ્લેન્ડ લાયન્સ સામે શાનદાર બોલિંગ કરીને પસંદગીકારોની સાથે કેપ્ટનને પણ પ્રભાવિત કર્યા હતા. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સીરિઝની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. આ પછી સીરિઝની ચોથી મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે. જ્યારે છેલ્લી અને પાંચમી ટેસ્ટ મેચ 7 માર્ચ ધર્મશાલામાં રમાશે.
છેલ્લી ત્રણ ટેસ્ટ મેચો માટેની ભારતીય ટીમ
રોહિત શર્મા (C), જસપ્રીત બુમરાહ (VC), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, કે.એલ રાહુલ*, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (wkt), કે.એસ ભરત (wkt) , આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા*, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, આકાશ દીપ