ઑસ્ટ્રેલિયામાં ચાલુ મેચમાં બબાલ: ટીમ ઈન્ડિયા પર લાગ્યો બોલ સાથે છેડછાડનો આરોપ, ઈશાન કિશને કર્યો ઝઘડો
Team India Accused Of Ball Tampering : આ મહિને ભારતીય ક્રિકેટ ટીમ બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા જવાની છે. તે પહેલા ભારત A ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ભારત A અને ઓસ્ટ્રેલિયા A વચ્ચેની પહેલી બિનસત્તાવાર ટેસ્ટ મેચ 31 ઓક્ટોબરે શરૂ થઈ હતી. પરંતુ હવે આ મેચ વિવાદમાં આવી ગઈ છે. અમ્પાયરોએ ભારત A ટીમ પર બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવ્યો છે.
બોલ પર સ્ક્રેચ કરવાનો આરોપ
ચોથા દિવસની રમત શરૂ થાય તે પહેલા ભારત A ના ખેલાડીઓને મેચ અધિકારીઓ દ્વારા જાણ કરવામાં આવી હતી કે, બોલ સાથે છેડછાડ કરવામાં આવી છે. જેથી કરીને બોલને બદલી દેવામાં આવ્યો હતો. અમ્પાયર શોન ક્રેગે ભારતીય ખેલાડીઓને આ અંગે જાણકારી આપી હતી. તેણે કહ્યું હતું કે, જ્યારે તમે બોલ પર સ્ક્રેચ કરો છો, ત્યાર પછી અમે બોલને બદલી દઈએ છીએ. આ અંગે કોઈ ચર્ચા નહીં થાય. ચાલો મેચ શરૂ કરીએ.'
હવે વધુ ચર્ચા નહીં થાય!
બોલ ટેમ્પરિંગ કોણે અને ક્યારે કર્યું તે ભારતીય ટીમને જણાવામાં આવ્યું ન હતું. ભારતીય ખેલાડીઓને આ વાત પસંદ ન આવી અને તેણે અમ્પાયર સાથે અસહમતિ વ્યક્ત કરી હતી. એક અહેવાલ અનુસાર, ક્રેગે જવાબ આપતા કહ્યું હતું કે, 'હવે વધુ ચર્ચા નહીં થાય, મેચ શરૂ કરો, આ કોઈ ચર્ચા નથી.'
ઈશાન કિશનની અમ્પાયર સાથે બોલાચાલી
ભારટ Aના વિકેટ કીપર અને બેટર ઈશાન કિશન અમ્પાયરના નિર્ણયથી નારાજ થઈ ગયો હતી. તેણે ગુસ્સે થઇને આ એક 'મૂર્ખ નિર્ણય' ગણાવ્યો હતો. અમ્પાયરે જવાબ આપતા કહ્યું હતું કે, 'તમારી અસહમતી માટે રીપોર્ટ કરવામાં આવશે. આ વર્તન ઠીક નથી. તમારી (ટીમની) આવી હરકતોને કારણે જ અમે બોલ બદલ્યો છે.'
ભારત A ટીમને મળી હાર
જો આ મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા Aએ આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી. ટીમે ચોથી ઇનિંગમાં 226 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ભારત A એ પહેલી ઇનિંગમાં 107 રન બનાવ્યા હતા. આ પછી ઓસ્ટ્રેલિયા A નો દાવ 195 રન પર સમાપ્ત થઇ ગયો હતો. બીજી ઈનિંગમાં ભારત A એ સાઈ સુદર્શનની સદીની મદદથી 312 રન બનાવ્યા હતા. સાઈએ 103 રન બનાવ્યા જ્યારે દેવદત્ત પડિક્કલે 88 રન બનાવ્યા હતા.