T20 વર્લ્ડકપમાં મહત્ત્વની મેચમાં સૂઈ રહ્યો વાઇસ કેપ્ટન, બસ છૂટી જતાં ટીમમાંથી પડતો મુકાયો
Shakib Al Hasan: તમને ઘણી વાર પ્રશ્ન થતો હશે કે જે રીતે આપણને ક્યારેક સૂઈ રહેવાના કારણે ઓફિસ જવાનું મોડું થઈ જાય છે એવું જ ક્રિકેટર્સ સાથે પણ બનતું હશે કે કેમ? આવી જ એક ઘટના T20 World cup બાદ સામે આવી છે.
ભારતીય ક્રિકેટ ટીમે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ICC T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. સુપર 8માં ભારતનો સામનો અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ જેવી ટીમો સામે થયો હતો. ટીમ ઈન્ડિયાએ સુપર 8માં પોતાની ત્રણેય મેચ જીતી હતી. પરંતુ બાંગ્લાદેશ સામેની મેચમાં ટીમનો વાઈસ કેપ્ટન તાસ્કિન અહેમદ પ્લેઈંગ ઈલેવનનો જ ભાગ નહોતો. કથિત રીતે તેને ભારત સામેની નિર્ણાયક મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો કારણ કે તે લાંબા સમય સુધી સૂતો હતો અને મોડો પાડવાના કારણે ટીમ બસમાં આવ્યો ન હતો. જોકે, ફાસ્ટ બોલરે આ દાવાને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે તે ટીમ કોમ્બિનેશનના કારણે આઉટ થયો હતો.
22 જૂને એન્ટિગુઆના નોર્થ સાઉન્ડમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશને ભારત સામે 50 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમે આ મેચમાં એક ફેરફાર કર્યો અને વાઇસ કેપ્ટન તાસ્કિનની જગ્યાએ ઝાકિર અલીને રમાડ્યો હતો. 'ESPNcricinfo'એ ઢાકા સ્થિત અખબાર અજકર પત્રિકાના અહેવાલને ટાંકીને તાસ્કિનનું નિવેદન લખ્યું હતું કે, "હું થોડો મોડો પહોંચ્યો હતો પરંતુ હું ટોસ પહેલા મેદાન પર પહોંચી ગયો હતો."
તાસ્કિને કહ્યું હતું કે, 'હું ટોસના લગભગ 30થી 40 મિનિટ પહેલા મેદાન પર પહોંચી ગયો હતો. હું ટીમ બસમાં ચઢી શક્યો ન હતો. બસ સવારે 8:35 વાગ્યે હોટલથી નીકળી હતી. હું 8:43 વાગ્યે મેદાન પર પહોંચવા માટે રવાના થયો હતો. હું બસ સાથે જ લગભગ ગ્રાઉન્ડ પર પર પહોંચી ગયો હતો. એવું નથી કે હું મોડો પહોંચ્યો એટલા માટે મને પસંદ ન કરવામાં આવ્યો. હું એ મેચમાં રમવાનો જ ન હતો.'
જો કે ત્યાર પછીની 24 જૂને અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશની મેચ માટે તાસ્કિન પ્લેઇંગ ઇલેવનમાં પાછો ફર્યો હતો. તાસ્કિને આ માટે માફી માંગી હતી પરંતુ અનુભવી ઓલરાઉન્ડર અને ભૂતપૂર્વ કેપ્ટન શાકિબ અલ હસને કહ્યું હતું કે ફાસ્ટ બોલરના મોડા આવવાથી તેની ટીમમાં પસંદગી મુશ્કેલ થઈ ગઈ હતી.