Get The App

બાંગ્લાદેશના દિગ્ગજ ક્રિકેટરને ચાલુ મેચમાં હાર્ટએટેક, ઓપરેશન કરવાની નોબત આવી

Updated: Mar 24th, 2025

GS TEAM


Google News
Google News
બાંગ્લાદેશના દિગ્ગજ ક્રિકેટરને ચાલુ મેચમાં હાર્ટએટેક, ઓપરેશન કરવાની નોબત આવી 1 - image


Tamim Iqbal Suffers Heart Attack: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન તમિમ ઈકબાલ સાથે સંબંધિત એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. તમિમ ઈકબાલને આજે સાવરમાં ઢાકા પ્રીમિયર લીગ (DPL) મેચ દરમિયાન હાર્ટએટેક આવ્યો હતો. તમિમ ઈકબાલને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જોકે, હવે તેમની હાલત ખતરાથી બહાર છે. તમને જણાવી દઈએ કે, આજે ઢાકા પ્રીમિયર લીગમાં મોહમ્મડન સ્પોર્ટિંગ ક્લબ અને શિનેપુકુર ક્રિકેટ ક્લબની ટીમો આમને-સામને હતી. આ દરમિયાન તમિમ ઈકબાલને હાર્ટ એટેક આવ્યો હતો.

તમિમ ઈકબાલને ચાલુ મેચમાં આવ્યો હાર્ટએટેક

36 વર્ષીય બેટ્સમેન બીકેએસપીમાં ચાલી રહેલી ઢાકા પ્રીમિયર લીગમાં શિનેપુકુર ક્રિકેટ ક્લબ સામે મોહમ્મડન સ્પોર્ટિંગ ક્લબ માટે રમી રહ્યો હતો. તે ટીમનો કેપ્ટન છે. આ જ ટુર્નામેન્ટની એક મેચ દરમિયાન તમિમ ઈકબાલને મેદાન પર અચાનક છાતીમાં દુ:ખાવો થયો. મેદાનમાં તબીબી સહાય આપ્યા બાદ તેને વધુ તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં તેના કેટલાક ટેસ્ટ કરવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યું કે તેને હાર્ટએટેક આવ્યો હતો.

તમિમે છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી

એક અહેવાલ પ્રમાણે બીસીબી ડૉક્ટર્સે જણાવ્યું કે, 'તમિમે છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી અને તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેની તપાસ કરવામાં આવી હતી અને ઈસીજી કરવામાં આવ્યો. થોડી સમસ્યા હતી અને ક્યારેક તમને તરત જ નથી સમજાતું કે હૃદયની સ્થિતિ શું છે. પ્રથમ બ્લડ ટેસ્ટમાં એક સમસ્યા હતી. તેણે કહ્યું કે, 'હું અસ્વસ્થતા અનુભવી રહ્યો છે અને ઢાકા પાછો ફરવા માંગુ છું.'

ઓપરેશન કરવાની નોબત આવી

ડૉક્ટરે આગળ જણાવ્યું કે, એક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને જ્યારે તે હોસ્પિટલથી મેદાન પર પાછો ફરી રહ્યો હતો ત્યારે તેને ફરીથી છાતીમાં દુ:ખાવો થયો. ત્યારબાદ તેને ફરી બીજી વખત હોસ્પિટલમાં લાવવામાં આવ્યો અને એવું લાગતું હતું કે તેને મોટો હાર્ટએટેક આવ્યો છે. હવે તેમને ફાઝીલતુન્નેસ હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે. તમિમનું ઓપરેશન ચાલી રહ્યું છે અને તેના હાર્ટમાં એક રિંગ લગાવવામાં આવશે. 

તમિમ ઈકબાલનું ઈન્ટરનેશનલ કરિયર

તમિમ ઈકબાલના ઈન્ટરનેશનલ કરિયરની વાત કરીએ તો તેણે 70 ટેસ્ટ મેચો સિવાય 243 ODI અને 78 T20 મેચમાં બાંગ્લાદેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. ટેસ્ટ ફોર્મેટમાં તમિમ ઈકબાલે 38.89ની એવરેજથી 5134 રન બનાવ્યા છે. આ સિવાય તેણે પોતાની ODI કરિયરમાં 36.65ની એવરેજથી 8357 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ માટે ટી20 ફોર્મેટમાં 117.20ની સ્ટ્રાઈક રેટ અને 24.08ની એવરેજથી 1758 રન પણ બનાવ્યા. તેણે ODI મેચમાં 10 સદી ફટકારી છે. આ સિવાય ટેસ્ટ ફોર્મેટમાં તમિમ ઈકબાલના નામે 14 સદી છે. 

Tags :