Get The App

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં જ બાંગ્લાદેશને મોટો ઝટકો, દિગ્ગજ બેટરે ભારે મન સાથે સંન્યાસ લીધો

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં જ બાંગ્લાદેશને મોટો ઝટકો, દિગ્ગજ બેટરે ભારે મન સાથે સંન્યાસ લીધો 1 - image


Tamim Iqbal Announces Retirement From International Cricket: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશની ટીમ પણ ભાગ લેવા જઈ રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બાંગ્લાદેશ ક્રિકેટથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ કેપ્ટન તમીમ ઈકબાલે ઈન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લઈ લીધો છે. તમીમે તાજેતરમાં જ નેશનલ સિલેક્શન પેનલ સાથે મુલાકાત કરી હતી, જે આ મેગા ઈવેન્ટ માટે બાંગ્લાદેશી ટીમને તૈયાર કરવામાં વ્યસ્ત છે. જોકે, ટીમના એલાન પહેલા જ તમીમે સંન્યાસનું એલાન કરી દીધું છે. 

તમીમે લખી ઈમોશનલ પોસ્ટ, દીકરાને પણ કર્યો યાદ

35 વર્ષીય તમીમ ઈકબાલે ફેસબુક પર લખ્યું કે, હું લાંબા સમયથી ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છું અને આ અંતર ક્યારેય સમાપ્ત નહીં થશે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં મારું ચેપ્ટર સમાપ્ત થઈ ગયું છે. હું થોડા સમયથી આ વિશે વિચારી રહ્યો હતો અને ચેમ્પિયન્સ ટ્રોફી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, હું નહોતો ઇચ્છતો કે ટીમ મારા વિશેની ચર્ચાઓથી વિચલિત થાય. આ કારણોસર મેં ઘણા સમય પહેલા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટથી પોતાને દૂર રાખ્યો હતો. જોકે મીડિયાએ ક્યારેક-ક્યારેક તેનાથી વિપરિત સૂચન આપ્યા હતા. 

તેણે કહ્યું કે, દરેક ક્રિકેટરને પોતાનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર છે. મેં આ નિર્ણય લેવા માટે મારો સમય લીધો છે. હવે મને લાગે છે કે સમય આવી ગયો છે. કેપ્ટન નઝમુલ હુસૈને મને પાછા ફરવા વિનંતી કરી અને મેં સિલેક્શન પેનલ સાથે પણ વાત કરી. હું આભારી છું કે તેમણે હજુ પણ મારામાં ક્ષમતા જોઈ પણ મેં મારા હૃદયનું સાંભળ્યું. 

આ પણ વાંચો: 'હિન્દી રાષ્ટ્રભાષા નથી પણ...' અશ્વિનને ટેકો કરી તમિલનાડુ ભાજપના અધ્યક્ષે પાર્ટીને આપ્યો ઝટકો

તમીમે આગળ કહ્યું કે, 2023 વર્લ્ડ કપ પહેલા ટીમની બહાર રહેવું મારા માટે ચોંકાવનારું હતું. હું જ્યાં પણ ગયો ત્યાં ચાહકોએ મને ફરીથી નેશનલ ટીમમાં જોવાની ઈચ્છા વ્યક્ત કરી. હું તેમના પ્રેમ અને સમર્થન માટે ઊંડાણ પૂર્વક વિચારું છું. મારા દીકરાએ મને સીધું તો ન પરંતુ તેણે તેની માતાને કહ્યું હતું કે હું પિતાને રાષ્ટ્રીય ટીમની જર્સીમાં જોવા માગુ છું. ચાહકોને નિરાશ કરવા બદલ મને દુઃખ છે. મેં મારા દીકરાને કહ્યું કે, જ્યારે તું મોટો થઈશ ત્યારે તું તારા પિતાનો નિર્ણયને સમજીશ. 

તમીમ ઈકબાલે જુલાઈ 2023માં પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો, પરંતુ બાદમાં તેણે પોતાનું મન બદલી નાખ્યું. તમીમ બાંગ્લાદેશ માટે પોતાની છેલ્લી મેચ સપ્ટેમ્બર 2023માં રમ્યો હતો. તમને જણાવી દઈએ કે, તમીમે ફેબ્રુઆરી 2007માં ઝિમ્બાબ્વે સામેની ODI મેચથી પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તે જ વર્ષે, તેણે ODI વર્લ્ડ કપમાં ભારત સામે બાંગ્લાદેશની જીતમાં મેચ વિજેતા અડધી સદી ફટકારી હતી.

તમીમનો ઈન્ટરનેશનલ રેકોર્ડ

તમીમ ઈકબાલે 70 ટેસ્ટ મેચમાં 38.89ની સરેરાશથી 5134 રન બનાવ્યા હતા, જેમાં 10 સદી અને 31 અડધી સદીનો સમાવેશ થાય છે. 243 વનડેમાં તમીમે 36.65ની એવરેજથી 8357 રન બનાવ્યા છે. તમીમે વનડેમાં 14 સદી અને 56 અડધી સદી ફટકારી છે. તમીમે 78 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 24.08ની એવરેજથી 1758 રન બનાવ્યા. તમીમના નામે ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં એક સદી અને સાત અડધી સદી છે.

તમીમ ઈકબાલ પોતાના દેશ માટે વનડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. બાંગ્લાદેશના ODI કેપ્ટન તરીકે તમીમની જીત ટકાવારી મશરફે મુર્તઝા કરતાં થોડી વધારે છે. તમીમે પોતાની કેપ્ટનશીપ હેઠળ બાંગ્લાદેશને 37માંથી 21 મેચમાં જીત અપાવી હતી. તમીમે 2017માં ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચમાં પણ બાંગ્લાદેશની કેપ્ટનશીપ કરી હતી. 


Google NewsGoogle News