T20I Rankings: T20 ક્રિકેટને મળ્યો નવો બાદશાહ, રવિ બિશ્નોઈ બન્યા વર્લ્ડ નંબર 1, રાશિદ ખાનને છોડ્યો પાછળ

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
T20I Rankings: T20 ક્રિકેટને મળ્યો નવો બાદશાહ, રવિ બિશ્નોઈ બન્યા વર્લ્ડ નંબર 1, રાશિદ ખાનને છોડ્યો પાછળ 1 - image


નવી મુંબઇ,તા.6 ડિસેમ્બર 2023, બુધવાર  

T20 ક્રિકેટને બૉલિંગમાં દુનિયાનો નવો જ બાદશાહ મળી ગયો છે, ટી20 ક્રિકેટને વિશ્વનો નવો નંબર-1 બૉલર મળ્યો છે. ભારતીય સ્પિનર રવિ બિશ્નોઈ હવે ICC T20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં બૉલિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. તેને લાંબા સમયથી આ પદ પર રહેલા રાશિદ ખાનને પછાડ્યો છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની ટી-20 સિરીઝ રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાનો 4-1થી શ્રેણી પર કબ્જો જમાવ્યો હતો. આ સિરીઝમાં સ્પિનર રવિ બિશ્નોઈએ શાનદાર બોલિંગ કરી હતી. જેના પગલે તેને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્યારે આ સ્થિતિ વચ્ચે આઈસીસીએ ટી-20 રેન્કિંગની નવી યાદી જાહેર કરી છે. જેમાં રવિ બિશ્નોઈ અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાનને પછાડી નંબર 1 બોલર બની ગયો છે.

બિશ્નોઈ 699 પોઈન્ટ સાથે ટોપ પર

રવિ બિશ્નોઈના ખાતામાં અત્યારે 699 પૉઈન્ટ છે. તે રાશિદ ખાન (692) કરતા 7 રેટિંગ પોઈન્ટ આગળ નીકળી ગયો છે. આ યાદીમાં શ્રીલંકાના વાનિન્દુ હસરંગા (679) ત્રીજા સ્થાને, આદિલ રાશિદ (679) ચોથા સ્થાને અને મહિષ તીક્ષાના (677) પાંચમા સ્થાને છે, એટલે કે T20 ઈન્ટરનેશનલ બૉલરોની રેન્કિંગમાં સ્પિનરો ટોપ-5માં સ્થાન ધરાવે છે.

રવિ બિશ્નોઈને હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T20 સીરિઝથી ઘણો ફાયદો થયો છે. આ સિરીઝમાં બિશ્નોઈએ શાનદાર બોલિંગ કરી અને 5 મેચમાં 9 વિકેટ લીધી. મહત્ત્વની વાત એ છે કે, આ સિરીઝમાં રનોના વરસાદ વચ્ચે તે નિયમિત રીતે વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આ પ્રદર્શન બદલ તેને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો.

17 ની બૉલિંગ એવરેજ અને 14ની સ્ટ્રાઇક રેટ 

રવિ બિશ્નોઈએ ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ સ્પિનરે ફેબ્રુઆરી 2022માં ઈડન ગાર્ડન્સ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તે તેની પહેલી જ મેચમાં 'પ્લેયર ઓફ ધ મેચ' બન્યો હતો. આ મેચમાં તેમણે 17 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. 

બિશ્નોઈએ અત્યાર સુધીમાં 21 મેચ રમી છે અને તેણે 17.38ની બૉલિંગ એવરેજ અને 7.14ના ઈકોનોમી રેટથી કુલ 34 વિકેટ લીધી છે. તેનો બૉલિંગ સ્ટ્રાઈક રેટ 14.5 રહ્યો છે. એટલે કે તેણે દરેક 15મા બૉલમાં એક વિકેટ લીધી છે.


Google NewsGoogle News