T20 વિશ્વકપ પર મોટું ગ્રહણ, અમેરિકામાં મેચો રદ્દ કરવી પડશે
T20 વર્લ્ડ કપ 2024 ની 23મી મેચ બુધવારે 12 જૂને શ્રીલંકા અને નેપાળ વચ્ચે રમવાનો હતો. લોડરહિલ, ફ્લોરિડામાં આ મેચ વરસાદને કારણે રદ કરવી પડી હતી. ગ્રુપ ડીની બંને ટીમો વચ્ચે એક-એક પોઈન્ટની વહેંચણી કરવામાં આવી હતી. જો કે, પોઈન્ટ મેળવીને આ ટૂર્નામેન્ટમાં બંને ટીમોના ખાતા ખુલી ગયા છે, પરંતુ આના કારણે શ્રીલંકાને મોટું નુકસાન થયું છે. ત્રણ મેચ રમ્યા બાદ શ્રીલંકા પાસે હવે માત્ર એક પોઈન્ટ છે અને તે સુપર-8માં જવા માટે હવે બાંગ્લાદેશ પર નિર્ભર છે.
શ્રીલંકા મેચ રદ્દ થતા લગભગ બહાર ફેંકાઈ જશે અને પાકિસ્તાન પર પણ બહાર ફેંકાવાનો ડર મંડરાઇ રહ્યો છે. આ સિવાય ભારતની કેનેડા સામેની આયરલેન્ડની અમેરિકા સામેની અને પાકિસ્તાનની આયરલેન્ડ સામેની મેચો લોડરહિલ, ફ્લોરિડામાં યોજાવાની છે જેના પર વરસાદનું વિધ્ન તોળાઈ રહ્યું છે.
શ્રીલંકાનું આઉટ થવાનું જોખમ
શ્રીલંકા માટે નેપાળ સામે જીત મેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ હતી પરંતુ મેચ રદ્દ થવાને કારણે તેને એક પોઈન્ટથી સંતોષ માનવો પડ્યો હતો. 2014થી શ્રીલંકાની ટીમ નોકઆઉટ સ્ટેજ માટે ક્વોલિફાય કરી શકી નથી. હવે ફરી એકવાર સુપર-8 પહેલા તેનું એલિમિનેશન લગભગ નિશ્ચિત છે. શ્રીલંકાની ટીમ ટી20 વર્લ્ડ કપના ગ્રુપ ડીમાં છે. આ ઉપરાંત સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ,નેપાળ અને નેધરલેન્ડની ટીમો આ ગ્રુપમાં સામેલ છે.
શ્રીલંકા પાસે ત્રણ મેચ રમ્યા બાદ માત્ર એક પોઈન્ટ છે જ્યારે સાઉથ આફ્રિકા 6 પોઈન્ટ સાથે સુપર-8 માટે ક્વોલિફાઈ થઈ ગયું છે.
બાંગ્લાદેશ અને નેધરલેન્ડની ટીમો 2 મેચમાં 2 પોઈન્ટ સાથે બીજા અને ત્રીજા સ્થાને છે. આ સિવાય નેપાળની ટીમ 2 મેચમાં એક પોઈન્ટ સાથે ચોથા સ્થાને પર બનેલી છે અને શ્રીલંકાની ટીમ 1 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.
હવે આ ગ્રુપની આગામી મેચ બાંગ્લાદેશ અને નેધરલેન્ડ વચ્ચે થવાની છે. જે પણ ટીમ આ જીતશે તેને 4 પોઈન્ટ મળશે, જ્યારે શ્રીલંકા હવે મહત્તમ 3 પોઈન્ટ સુધી પહોંચી શકે છે.
આવી સ્થિતિમાં શ્રીલંકાની ટીમ આ મેચ બાદ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. આ મેચ રદ્દ થવાથી જ શ્રીલંકા T20 વર્લ્ડ કપમાં રહી શકે છે, જેની ઓછી આશા છે.
સાઉથ આફ્રિકાને ફાયદો થયો
શ્રીલંકા અને નેપાળ વચ્ચેની મેચ રદ્દ થવાનો સૌથી વધુ ફાયદો સાઉથ આફ્રિકાની ટીમને થયો છે. સુપર-8માં જનારી ટૂર્નામેન્ટની તે પ્રથમ ટીમ બની છે. તેના પહેલાથી જ 6 પોઈન્ટ છે, જ્યારે હવે માત્ર નેધરલેન્ડ અથવા બાંગ્લાદેશની ટીમ જ આ પોઈન્ટ સુધી પહોંચી શકે છે. તેથી, સાઉથ આફ્રિકાએ સીધા સુપર-8 માટે ક્વોલિફાય થઈ ગયું છે. હવે આ ગ્રુપમાંથી વધુ એક ટીમ સુપર-8માં જઈ શકશે.