T20 World Cup 2024: અમેરિકાએ સુપર-8માં પહોંચી રચ્યો ઇતિહાસ, 2026 માટે પણ ક્વૉલિફાય
ICC T20 વર્લ્ડ કપ 2024ની 30મી મેચ, શુક્રવારે યજમાન યુએસએ અને આયર્લેન્ડ વચ્ચે(USA vs IRELAND) આયોજિત હતી. આશંકા અનુસાર વરસાદને કારણે આ મેચ ધોવાઈ ગઈ હતી અને મેચ રદ્દ થતા બંને ટીમો વચ્ચે 1-1 પોઈન્ટની વહેંચણી થઈ છે. જોકે આ મેચ વરસાદના કારણે ધોવાતા સૌથી મોટો ફટકો પાકિસ્તાનને પડ્યો છે.
ફ્લોરિડાના લોડરહિલમાં રમાયેલી આ મેચમાં ટોસ પણ થઈ શક્યો નહોતો. અમેરિકાની ટીમ 5 પોઈન્ટ સાથે સુપર 8માં પહોંચી જ્યારે પાકિસ્તાનનું આગામી રાઉન્ડમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. પ્રથમ વખત T20 વર્લ્ડકપ રમી રહેલી અમેરિકન ટીમે ઈતિહાસ રચ્યો છે અને આગામી સીઝન માટે પોતાને ક્વોલિફાય પણ કર્યું છે. ભારત અને શ્રીલંકામા યોજાનારા 2026ના T20 વર્લ્ડકપ માટે અમેરિકાએ દાવેદારી નક્કી કરી દીધી છે.
અમેરિકા 4 મેચમાં 5 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. આયર્લેન્ડ બે મેચમાં બે હાર સાથે ટેબલના તળિયે જ છે. પાકિસ્તાન ત્રણ મેચમાંથી એક જીત સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે ભારત સતત 3 જીતના જોરે 6 પોઈન્ટ સાથે ગ્રુપ ટેબલમાં ટોચ પર છે. અમેરિકાએ તેની પ્રથમ મેચમાં કેનેડાને હરાવ્યું હતું અને બીજી મેચમાં પાકિસ્તાનને સુપર ઓવરમાં હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. જોકે ત્રીજી મેચમાં તે ભારત સામે હાર્યું અને હવે જો પાકિસ્તાન આયર્લેન્ડ સામેની છેલ્લી મેચ જીતે તો પણ તેના મહત્તમ 4 પોઈન્ટ રહેશે.
સુપર 8માં પહોંચનારી અમેરિકા છઠ્ઠી ટીમ :
T20 વર્લ્ડ કપ 2024ના સુપર 8માં પહોંચનારી અમેરિકા છઠ્ઠી ટીમ બની છે. આ પહેલા ભારત, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝની ટીમોએ સુપર 8 માટે ટિકિટ બુક કરાવી દીધી છે. મહત્વનું છે કે આ વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લઈ રહી છે અને પાંચ ટીમોને ચાર જૂથોમાં વહેંચવામાં આવ્યા છે. ચારેય ગ્રૂપની ટોચની બે ટીમો સુપર 8 માટે ક્વોલિફાય થશે.
અડધી અમેરિકામ ટીમ ભારતીય :
અમેરિકાની ટીમમાં ભારતીય મૂળના 8 ખેલાડીઓ છે, જેમાં કેપ્ટન મોનાંક પટેલ, હરમીત સિંહ, જસપ્રીત સિંહ, નોથુશ કેંજીગે, નીતિશ કુમાર, મિલિંદ કુમાર, સૌરભ નેત્રાવલકર અને નિસર્ગ પટેલનો સમાવેશ થાય છે. નેત્રાવલકરે ભારત સામેની મેચમાં વિરાટ કોહલી જેવા દિગ્ગજ બેટ્સમેનની વિકેટ લીધી હતી. મહત્વની વાત એ છે કે નેત્રાવલકર ભારત માટે Under-19 વર્લ્ડ કપ રમી ચૂક્યો છે અને હવે અમેરિકા તરફથી રમે છે.