T20 વર્લ્ડકપમાં ગુજરાતી ક્રિકેટર અમેરિકન ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે, આણંદથી કરી હતી કરિયરની શરૂઆત
મોનાંક પટેલ વર્ષ 2018થી અમેરિકન ક્રિકેટ ટીમનો મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે
ઓક્ટોબર 2021માં મોનાંકને અમેરિકન ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો
Image:Twitter |
Monank Patel : ICCએ જૂનમાં યોજાનાર T20 World Cup 2024ના શેડ્યૂલની જાહેરાત કરી દીધી છે. આ વર્લ્ડકપમાં કુલ 55 મેચો રમાશે, જે વેસ્ટઈન્ડિઝ અને યુએસએના કુલ 9 સ્ટેડિયમમાં આયોજીત કરાશે. પહેલી જૂને પ્રથમ મેચ રમાશે, જેમાં યુએસએ અને કેનેડા વચ્ચે ટક્કર થશે. અમેરિકન ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ ગુજરાતના પ્રતિભાશાળી યુવા ક્રિકેટર મોનાંક પટેલને સોંપવામાં આવી છે.
ગુજરાતમાં કરી ક્રિકેટિંગ કરિયરની શરૂઆત
ગુજરાતના આણંદમાં 1 મે 1993ના રોજ જન્મેલો મોનાંક માત્ર બેટ્સમેન જ નહીં પરંતુ કુશળ વિકેટકીપર પણ છે. તેણે પોતાના ક્રિકેટિંગ કરિયરની શરૂઆત ગુજરાતની અંડર-16 અને અંડર-18 ટીમથી કરી હતી. મોનાંક પટેલ વર્ષ 2018થી અમેરિકન ક્રિકેટ ટીમનો મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે.
સદી ફટકારનાર પ્રથમ અમેરિકન ક્રિકેટ બન્યો મોનાંક
મોનાંક પટેલ વર્ષ 2018-19માં યોજાયેલ ICC T20 અમેરિકા ક્વાલિફાયર ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. ટુર્નામેન્ટની 6 મેચમાં તેણે 208 રન બનાવ્યા હતા. આ ઉપરાંત તેણે ઓક્ટોબર 2018માં યોજાયેલ રીઝનલ સુપર-50 ટુર્નામેન્ટમાં જમૈકા સામે સદી ફટકારી હતી. આ સાથે તે સદી ફટકારનાર પ્રથમ અમેરિકન ક્રિકેટર બન્યો હતો. તે ટુર્નામેન્ટમાં તેણે 7 મેચમાં 290 રન બનાવ્યા હતા.
2021માં અમેરિકન ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો
મોનાંકે 15 માર્ચ 2019માં T20I ડેબ્યુ કર્યો હતો. તેણે પ્રથમ T20I મેચ યુએઈ સામે રમી હતી. જયારે 27 એપ્રિલ 2019માં તેણે પ્રથમ ODI મેચ પાપુઆ ન્યુ ગિની વિરુદ્ધ રમી હતી. મોનાંકે ઓગસ્ટ 2021માં ઓમાનમાં યોજાયેલી ટ્રાઈ-નેશન સીરિઝની પ્રથમ મેચમાં સદી ફટકારી હતી. આ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી હતી. ઓક્ટોબર 2021માં તેને અમેરિકન ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.