ભારત-પાકિસ્તાન મેચ પહેલા વધી ચિંતા: ICCએ સ્વીકાર્યું- ખતરનાક છે પિચ, સુધારા માટે પ્રયાસ કરીશું
T-20 World Cup: નાસાઉ કાઉન્ટીની તિરાડો સાથેની ખતરનાક પિચ હાલ ચાલી રહેલા T-20 વર્લ્ડ કપની ચિંતાનું કારણ બની ગઈ છે. ગુરુવારે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ સ્વીકાર્યું હતું કે પિચ દરેકની અપેક્ષા મુજબ સારી રહી નથી. ભારત અને આયર્લેન્ડ વચ્ચેની મેચ બાદ પીચને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ભારતે આયર્લેન્ડને 16 ઓવરમાં માત્ર 96 રનમાં આઉટ કરીને આઠ વિકેટે મેચ જીતી લીધી હતી. આ મેચમાં રોહિત શર્મા અને રિષભ પંત જેવા ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
ભારતમાં તો સ્ટેડિયમ પર પ્રતિબંધ આવી ગયો હોત
નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં ભારત અને આયરલેન્ડની મેચ દરમિયાન ગુડલેન્થ પરથી બોલને અસાધારણ ઉછાળ મળતો જોઈ શકાતો હતો. ઈરફાને કહ્યું કે, અમેરિકામાં ક્રિકેટનો પ્રચાર-પ્રસારની સામે કોઈ વાંધો નથી, પણ આ પીચ ખેલાડીઓ માટે સલામત નથી. જો આવી પિચ ભારતમાં હોત તો તે સ્ટેડિયમને જ સસ્પેન્ડ કરી દેવાયું હોત.પીચ સારી નથી, તે સ્વીકારવું રહ્યું આ વર્લ્ડકપ છે, કંઈ દ્વિપક્ષીય શ્રેણી નથી.
ICCએ કહી આ વાત
ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોન, ઈરફાન પઠાણ અને સંજય માંજરેકરસહીના દિગ્ગજોએ પીચ પર સવાલ ઉઠાવ્યા હતા. તેઓ એમ પણ કહ્યું હતું કે વર્લ્ડકપ સારું થતા પહેલા આ મેદાન પર કેટલીક પ્રેક્ટિસ રમવી જોઈતી હતી. એવામાં હવે ICC એ બાબત પર સ્વીકાર્યું છે કે, નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધી ઉપયોગમાં લેવાતી પીચ બધાની અપેક્ષા પર ખરી ઉતારી નથી. ગ્રાઉન્ડકીપર્સની ટીમ આ પરિસ્થિતિને સુધારવા અને બાકીની મેચમાં શ્રેષ્ઠ સંભવિત પીચ આપવા માટે સખત મહેનત કરી રહી છે.
આ પીચની આલોચના કરવામાં આવી રહી છે
ટી-20 વર્લ્ડ કપમાં ન્યૂયોર્કની ડ્રોપ-ઇન પિચની ખૂબ ટીકા થઈ રહી છે. ભારતને આ સ્ટેડિયમમાં વધુ બે મેચ રમવાની છે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને રમાનારી મેચનો પણ સમાવેશ થાય છે.
કેટલાક નિષ્ણાતો માને છે કે આ એક તાજી પીચ છે. તેના પર ઘાસ છે, પરંતુ મોટી તિરાડો પણ છે. આ પીચ પર પહેલા કેટલીક પ્રેક્ટિસ મેચો રમવી જોઈતી હતી. આ ટી-20 વિકેટ નથી અને ચારેય પિચો એવી છે. આયર્લેન્ડના હેરી ટેક્ટરને જસપ્રિત બુમરાહનો બોલ તેના ગ્લોવ્ઝમાંથી પસાર થઈને તેના હેલ્મેટ સાથે અથડાયા બાદ તેને કંક્શન ટેસ્ટ કરાવવો પડ્યો હતો.