ટી20 વર્લ્ડકપ: ફરી હાર્દિક પંડ્યા પર ભડક્યો પઠાણ, જાણો વાઈસ કેપ્ટન માટે કોનું નામ કર્યું આગળ
Image Source: Twitter
T20 World Cup: છેલ્લા કેટલાક મહિનાઓથી હાર્દિક પંડ્યા ચાહકો તરફથી સતત ટ્રોલિંગનો સામનો કરી રહ્યો છે. IPL હોય કે ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપ ટીમમાં પસંદગી હોય હાર્દિકે સતત ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. આ પહેલા ચાહકોએ તેને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવા પર નારાજગી વ્યક્ત કરી હતી. હવે તેને T20 વર્લ્ડ કપમાં વાઈસ કેપ્ટન બનાવવા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. અને આ સવાલ માત્ર ચાહકો દ્વારા જ નહીં પરંતુ સતત હાર્દિકની ટીકા કરી રહેલા પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે પણ ઉઠાવ્યો છે.
ઈરફાનના મતે હાર્દિક પંડ્યાના સ્થાને જસપ્રીત બુમરાહને ટીમનો વાઈસ કેપ્ટન બનાવવાનો હતો. તેણે કહ્યું કે, જ્યાં સુધી હાર્દિક પંડ્યાને વાઈસ-કેપ્ટન બનાવવાની વાત છે તો મને લાગે છે કે તે કેટલાક સમયથી કેપ્ટનશિપ કરી રહ્યો છે અને તેથી જ સિલેક્ટર્સે તેને આ જવાબદારી સોંપી હશે. તેમ છતાં હું માનું છું કે, બુમરાહ જેવા ખેલાડીને આ જવાબદારી આપવી એ ખરાબ વિકલ્પ નહોતો.
ઈરફાન પઠાણે ઈજા બાદ હાર્દિકની ઈન્ડિયન ટીમમાં વાપસી અંગે કહ્યું કે, ઈજાગ્રસ્ત થવું એ કોઈના હાથમાં નથી પરંતુ ત્યારબાદ વાપસી એક સિસ્ટમેટિક તરીકે થવી જોઈએ. આખા વર્ષ દરમિયાન ભારતીય ક્રિકેટની સેવા કરવા માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં નિયમિત ભાગીદારી મહત્વપૂર્ણ છે. પરંતુ કેટલાક ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યા વગર જ ટીમમાં વાપસી કરી લે છે. જ્યારે અન્ય ખેલાડીઓ જુએ છે કે એક ખેલાડીને સ્પેશિયલ ટ્રિટમેન્ચ મળી રહી છે તો તેનાથી ટીમનો માહોલ બગડે છે. ક્રિકેટ ટેનિસ જેવું નથી, તે એક ટીમ ગેમ છે જ્યાં સમાનતા ખૂબ જ જરૂરી છે.
આ પહેલી વાર નથી કે જ્યારે ઈરફાન પઠાણ હાર્દિક પંડ્યા પર ભડક્યો હોય. આ પહેલા પણ ઘણી વખત તેણે હાર્દિક પંડ્યા પર નિશાન સાધ્યુ છે અને તેની ટિકા કરી છે. આ અંગે સોશિયલ મીડિયા પર ઘણા ફેન્સે ઈરફાનને સવાલ પણ કર્યો છે. જોકે, પઠાણ દ્વારા હાર્દિકની સતત ટીકા પાછળનું કારણ શું છે તે હજુ સ્પષ્ટ નથી થયું.