VIDEO : સૂર્યકુમાર યાદવે કરેલા શાનદાર કેચ પર વિવાદ છંછેડાયો, વાયરલ વીડિયો પર આવી પ્રતિક્રિયા
T20 World Cup News | T20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ ખૂબ જ રોમાંચક રહી. આ મેચની છેલ્લી ઓવરોમાં જે રીતે ઘટનાઓ ઘટી તેને લઈને દરેક ક્રિકેટ ચાહક દંગ છે. છેલ્લી ઓવરોમાં હાર્દિક પંડ્યા, બુમરાહની ધારદાર બોલિંગ, રોહિતના નિર્ણયો, સૂર્યકુમાર યાદવે ડેવિડ મિલરનો પકડેલો કેચ ખૂબ જ ચર્ચામાં રહ્યા. જોકે છેલ્લી ઓવરમાં જ્યારે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 16 રનની જરૂર હતી ત્યારે પહેલા જ બોલે ડેવિડ મિલરે જોરદાર છગ્ગો મારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાઉન્ડ્રી પર ઉભેલા સૂર્યકુમાર યાદવે તેનો અદભૂત કેચ પકડી લીધો હતો. જોકે હવે દ.આફ્રિકાની હાર થતાં આ મામલે વિવાદ ઊભો થયો છે.
ઈયાન સ્મિથે શું કહ્યું?
ઈયાન સ્મિથનું કહેવું છે કે આ કેચ ક્રિકેટ ઇતિહાસના સૌથી મહાન કેચ પૈકી એક છે. આ કેચના સહારે જ ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડકપ 2024માં વિજેતા બની શકી. જોકે તાજેતરમાં એક વાયરલ વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સૂર્યકુમારે જ્યારે કેચ પકડવાનો પ્રયાસ કર્યો હતો તેના શૂઝનો છેડો બાઉન્ડ્રી પર અડી ગયો હતો. તેનાથી એવો સવાલ ઊભો થયો છે કે શું દક્ષિણ આફ્રિકાને તેનો પ્રથમ વર્લ્ડ કપ જીતતા રોકી દેવાયું?
દ.આફ્રિકા 7 રને હાર્યું....
ભારત જ્યાં ફરી એકવાર T20 વર્લ્ડકપ જીતવાના ઈરાદે મેદાને ઉતારી હતી ત્યાં તેને 11 વર્ષમાં ફરી એકવાર ICCની કોઈ ટ્રોફી જીતવાની ઇચ્છા પણ હતી. તેની સામે દક્ષિણ આફ્રિકા માટે આ પહેલી કોઈ મેજર ઈવેન્ટ હતી જેમાં તેને ફાઈનલમાં પહોંચવાની તક મળી હતી. તે અત્યાર સુધી ચોકરના ટેગ સાથે જ મોટી ટુર્નામેન્ટમાં મેદાનમાં ઉતરતી હતી. ફાઈનલમાં તે 7 રનના માર્જિનથી જ હારી ગઈ. જોકે ઘટનાની વાત કરીએ તો છેલ્લી ઓવરમાં જ્યારે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 16 રનની જરૂર હતી ત્યારે ડેવિડ મિલરે અદભૂત શોટ ફટકાર્યો હતો પરંતુ સૂર્યાકુમારે પણ તેનો શાનદાર કેચ કરી લીધો હતો. જોકે આ કેચ પકડતી વખતે સૂર્યકુમારના શૂઝ બાઉન્ડ્રી પર સ્પર્શી ગયાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ફેન્સે સવાલ ઊઠાવ્યો અને દાવો કર્યો કે...
આ કેચને યોગ્ય ગણાવવાનો નિર્ણય થર્ડ અમ્પાયર રિચર્ડ કેટલબરોએ આપ્યો હતો. તેમણે કેમેરાની મદદથી કેચને યોગ્ય ગણાવ્યો હતો. તેની સાથે જ દક્ષિણ આફ્રિકાની જીતની છેલ્લી આશા પણ ધોવાઈ ગઇ હતી. ડેવિડ મિલર 21 રને આઉટ થઇ ગયો હતો. હવે આ કેચની તુલના સીધી રીતે કપિલ દેવના આઈકોનિક 1983ની ઘટના સાથે કરવામાં આવી રહી છે. દક્ષિણ આફ્રિકાના એક ફેન્સે સોશિયલ મીડિયા પર લખ્યું કે અમ્પાયરે એકથી વધુ વખત આ કેચના વીડિયોના રિપ્લે જોવાની જરૂર હતી. મને લાગે છે કે બાઉન્ડ્રી રોપને સૂર્યકુમારના શૂઝ સ્પર્શી ગયા હતા.
એક યૂઝરે નિયમનો હવાલો આપ્યો...
એક અન્ય સોશિયલ મીડિયા યુઝર્સે તેની પોસ્ટમાં દાવો કર્યો કે કેચ પહેલા બાઉન્ડ્રી રોપ પર મૂકેલા કુશનને પાછળ ધકેલાયા હતા. ICCની રમતની સ્થિતિ અનુસાર ટ્વિટમાં દેખાતી સફેદ રેખા નહીં પણ કુશન જ બાઉન્ડ્રી છે. જોકે કલમ 19.3માં કહેવાયું છે કે જો કોઈ કારણસર બાઉન્ડ્રીને ચિહ્નિત કરવા માટે વપરાયેલી ઠોસ વસ્તુને હલાવાય તો બાઉન્ડ્રીને તેની મૂળ સ્થિતિમાં જ માનવામાં આવશે. જો કે હજુ સુધી એવા કોઈ પુરાવા નથી. પરંતુ પોસ્ટમાં એવા સંકેત મળ્યા છે કે મેચ દરમિયાન દોરડાને હલાવાયા હતા અને તેને ફરી મૂળ સ્થિતિમાં લાવવાની જરૂર હતી. કલમ 19.3.2 માં જણાવાયું છે કે જો કોઇ કારણથી બાઉન્ડ્રીને ચિહ્નિત કરવા માટે વપરાયેલી ઠોસ વસ્તુને હલાવાય તો તેને ફરીવાર તેની મૂળ સ્થિતિમાં લાવી દેવી જોઈએ. જો આવું કર્યા વિના આગળ રમત રમાતી હોય તો પછી તેને ડેડ બોલ જાહેર કરવામાં આવે.