'એણે મને ગુરુદક્ષિણા આપી, હવે તેને હું ગિફ્ટ આપીશ...' રોહિતના કોચ દિનેશ લાડ થયા ભાવુક
Rohit Sharma Childhood Coach: ભારતીય ક્રિકેટ ટીમે(Indian Cricket team) T20 વર્લ્ડ કપ 2024 જીતીને દેશને મોટી ભેટ આપી છે. આખો દેશ જીતની ઉજવણી કરી રહ્યો છે. આખી દુનિયા ભારતને જીત માટે અભિનંદન આપી રહી છે. ટીમના ખેલાડીઓ પણ ખૂબ જ ખુશ છે અને તેમના પરિવાર અને મિત્રો પણ ખૂબ જ ભાવુક છે. આ દરમિયાન, વિશ્વ કપ ટ્રોફી જીતીને દેશનું ગૌરવ વધારનાર રોહિત શર્મા(Rohit Sharma)ને તેના બાળપણના કોચ દિનેશ લાડે (Dinesh Lad) એક ભાવનાત્મક સંદેશ આપ્યો છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન પોતાના પ્રિય શિષ્યની સફળતા જોઈને તે ખૂબ જ ભાવુક થઈ ગયો અને તેની આંખો છલકાઇ ગઇ હતી. તેણે કહ્યું કે રોહિત શર્માએ મને ગુરુ દક્ષિણા આપી છે. વર્લ્ડ કપ ટ્રોફી જીતીને તેણે પોતાનું વચન પૂરું કર્યું છે.
નિવૃત્તિના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો
રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ ક્રિકેટના T20 ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેના નિર્ણયને તેના કોચ દિનેશ લાડે યોગ્ય ઠેરવ્યો છે. તેણે કહ્યું કે રોહિત શર્માએ એકદમ સાચો નિર્ણય લીધો છે. હું ખુશ છું કે રોહિત શર્માએ વર્લ્ડ કપ ટ્રોફી જીત્યા બાદ નિવૃત્તિની જાહેરાત કરી.
રોહિત શર્માએ 2007 T20 વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમના એક ભાગ તરીકે ડેબ્યૂ કર્યું હતું. ત્યારે પણ ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ જીત્યો હતો અને જીત્યા બાદ રોહિત ઘરે આવ્યો હતો ત્યારે તેણે તેના મિત્રો સાથે મળીને 65 ઈંડા ખાધા હતા. આ વખતે અમે તેના માટે 100 ઈંડા રાખીશું.
વનડે વર્લ્ડ કપ અને ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવાનું લક્ષ્ય
વધુમાં તેના કોચે જણાવ્યું કે, રોહિત શર્માનું હવે પછીનું લક્ષ્ય વનડે વર્લ્ડ કપ અને ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવાનું છે. તેણે કહ્યું કે મને વિશ્વાસ છે કે તે દિવસ પણ જલ્દી આવશે જ્યારે ભારત આ બંને ફોર્મેટમાં પણ ચેમ્પિયન બનશે.