Get The App

T20 World Cup Final 2024: ફાઈનલમાં કોણ મજબૂત, જાણો ભારત અને દ.આફ્રિકામાં કોનું પલડું ભારે?

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
Team India Saouth Africa T20 Word cup


ICC T20 World Cup Final 2024: આજે T20 વર્લ્ડ કપ 2024નો ફાઈનલ મેચ ભારત અને આફ્રિકા વચ્ચે રમાનાર છે. ત્યારે ક્રિકેટનો રોમાંચ ચરમસીમાએ હશે. ભારત 17 વર્ષ બાદ બીજી વખત ટૂંકા ફોર્મેટમાં વિશ્વ ચેમ્પિયન બનવા માગશે. જ્યારે આફ્રિકાની ટીમ પણ પ્રથમ વખત T20 વર્લ્ડ કપ પોતાના નામે કરવા મેદાનમાં ઉતરશે. બંને દેશો વચ્ચે ખરાખરીનો ફાઈનલ જંગ જોવા મળી શકે છે. ચાલો જાણીએ ભારત અને દક્ષિણ આફ્રિકામાંથી કોનું પલડું ભારે છે...

ભારત પાસે 11 વર્ષ બાદ ICC ટ્રોફી જીતવાની તક

ભારતીય ટીમે છેલ્લે 2013માં ICC ટ્રોફી જીતી હતી. તે વખતે ભારતે ફાઇનલમાં ઇંગ્લેન્ડને તેના જ હોમગ્રાઉન્ડ પર હરાવીને ચેમ્પિયન ટ્રોફી જીતી હતી. ત્યારથી અત્યાર સુધી ભારતીય ટીમ ICC ટ્રોફી જીતવામાં સફળ રહી નથી. ભારતીય ટીમે અગાઉ વર્ષ 2011માં વનડે ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારે હવે ટીમ પાસે 13 વર્ષ બાદ આઈસીસી ટ્રોફી જીતવાના દુષ્કાળને ખતમ કરવાનો મોકો હશે. ભારતે 2007માં પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીત્યો હતો.

ભારતીય ટીમ 4 સેમી ફાઈનલ અને 5 ફાઈનલ હારી

ભારતીય ટીમે 2013 થી 2023 સુધી ત્રણેય ફોર્મેટ (ODI, ટેસ્ટ, T20I)ની 4 ICC ટૂર્નામેન્ટમાં 10 વખત ભાગ લીધો છે.અને આ 11મી ICC ટૂર્નામેન્ટ છે. ભારતીય ટીમ છેલ્લા 10માંથી 9 વખત ICC ટુર્નામેન્ટના નોકઆઉટ સ્ટેજ માટે ક્વોલિફાય થઈ છે. જ્યારે એક વખત (T20 વર્લ્ડ કપ 2021) તેને ગ્રુપ સ્ટેજમાંથી બહાર થવું પડ્યું હતું. ભારતે આ સમયગાળા દરમિયાન 9 નોકઆઉટ સ્ટેજમાં કુલ 13 મેચ રમી, જેમાંથી 4 જીતી અને 9 હારી છે. ભારતીય ટીમે જીતેલી 4 મેચોમાંથી 3 સેમી ફાઈનલ હતી જ્યારે એક ક્વાર્ટર ફાઈનલ હતી. જો કે ભારતીય ટીમ 9 મેચ હારી છે જેમાંથી 4 સેમી ફાઈનલ અને 5 ફાઈનલ હતી. છેલ્લા 10 વર્ષમાં ભારતીય ટીમે જે 10 ICC ટૂર્નામેન્ટ રમી છે, તેમાં તે ચેમ્પિયન બનવાની ખૂબ નજીક આવીને પાંચ વખત હારી છે.

T20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાની પ્રથમ ફાઈનલ

ભારતે સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને 68 રને હરાવીને 2024 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં દક્ષિણ આફ્રિકાની આ પ્રથમ અને ભારતની ત્રીજી ફાઈનલ છે. દક્ષિણ આફ્રિકાએ સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનને 56 રનમાં ઢેર કરી દીધું હતું, જે સેમિફાઇનલમાં કોઈપણ ટીમ દ્વારા બનાવવામાં આવેલો સૌથી ઓછો સ્કોર હતો, જે બાદ આફ્રિકાની ટીમે 8.5 ઓવરમાં માત્ર 1 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. 

ભારત અને દક્ષિણ આફ્રિકાનો ઓવરઑલ રેકોર્ડ (હેડ ટુ હેડ)

કુલ ODI મેચ: 91, ભારત 40 જીત્યું, દક્ષિણ આફ્રિકા 51 જીત્યું,  ત્રણ અનિર્ણિત

કુલ T20I મેચ: 26, ભારત 14 જીત્યું, દક્ષિણ આફ્રિકા 11 જીત્યું, એક અનિર્ણિત

કુલ ટેસ્ટ મેચ: 44, ભારત 16 જીત્યું, દક્ષિણ આફ્રિકા 18 જીત્યું, 10 મેચ ડ્રો રહી

T20 વર્લ્ડ કપમાં હેડ ટુ હેડ રેકોર્ડ

કુલ મેચ: 6, ભારત 4 જીત્યું, દક્ષિણ આફ્રિકા 2 જીત્યું

રન ચેઝ અથવા ડિફેન્ડ.. કોનું પલડું ભારે?

ભારતનો આફ્રિકા સામે રન ચેઝ કરતી વખતે જીતનો ગુણોત્તર સમાન છે. ભારતની રન ચેઝ કરતી વખતે જીતની ટકાવારી 57.1 ટકા છે, જ્યારે સ્કોર ડિફેન્ડ કરતી વખતે જીતની ટકાવારી 55.6 છે. આનાથી વિપરીત રન ચેઝ કરતી વખતે દક્ષિણ આફ્રિકાની જીતની ટકાવારી 44.4 છે, જ્યારે ડિફેન્ડ કરતી વખતે ટકાવારી 42.9 ટકા છે. T20 વર્લ્ડ કપની આ સિઝનમાં રમાયેલી આઠ મેચોમાંથી, આફ્રિકાએ રન ચેઝ કરીને અને સ્કોર ડિફેન્ડ કરીને ચાર-ચાર મેચ જીતી હતી. બીજી તરફ ભારતે સાત મેચ રમી છે જેમાંથી પાંચ મેચ ડિફેન્ડ કરીને  અને બે મેચ રન ચેઝ કરીને જીતી છે.

આ પણ વાંચો : ફાઇનલ મેચ અગાઉ ગાંગુલીએ રોહિત સેનાને આપ્યો જીતનો મંત્ર

કિંગ્સ્ટન ઓવલના આંકડા શું કહે છે?

વર્લ્ડ કપની ફાઈનલ બાર્બાડોસના બ્રિજટાઉનમાં કિંગ્સ્ટન ઓવલ ખાતે રમાનાર છે. આ સ્ટેડિયમમાં 32 T20I મેચ રમાઈ છે. જેમાંથી 19 વખત પહેલા બેટિંગ કરનાર ટીમ જીતી અને 11 વખત રન ચેઝ કરનાર ટીમ જીતી છે. જ્યારે બે મેચનું પરિણામ આવ્યું ન હતું. ભારતે આ સ્ટેડિયમમાં ત્રણ T20 મેચ રમી છે, જેમાંથી તેણે હાલમાં જ આ વર્લ્ડ કપમાં અફઘાન ટીમ સામે એક મેચ રમી છે. 2010ના વર્લ્ડ કપમાં બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આફ્રિકાએ પણ અહીં કુલ ત્રણ T20 મેચ રમી છે, જેમાંથી તેણે બેમાં જીત મેળવી હતી અને એકમાં હારનો સામનો કરવો પડ્યો હતો, આ તમામ મેચ 2010 વર્લ્ડ કપ દરમિયાન રમી હતી.

બેટિંગમાં કઈ ટીમ અવ્વલ

T20 વર્લ્ડ કપની આ સિઝનમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સાત મેચમાં 155.97ની સ્ટ્રાઈક રેટથી 248 રન બનાવ્યા છે. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ માટે ક્વિન્ટન ડી કોકે આઠ મેચમાં 142ના સ્ટ્રાઈક રેટથી 204 રન બનાવ્યા છે. રોહિત શર્માએ આફ્રિકા સામે T20માં સૌથી વધુ રન બનાવ્યા છે, તેણે 16 ઇનિંગ્સમાં 129.3ના સ્ટ્રાઇક રેટથી 420 રન બનાવ્યા છે. પ્રોટીઝ ટીમ માટે ડેવિડ મિલરે ભારત સામે સૌથી વધુ રન બનાવ્યા છે, તેણે 17 ઇનિંગ્સમાં 159ના સ્ટ્રાઇક રેટથી 431 રન બનાવ્યા છે.

આ પણ વાંચો : જ્યાં દ્રવિડની કેપ્ટનશીપમાં થઈ હતી હાર, 17 વર્ષ બાદ ત્યાં જ ટ્રોફી જીતાડી કોચ તરીકે લેશે વિદાય!

કઈ ટીમના બોલર વધુ ઘાતક

આ વર્લ્ડ કપમાં અર્શદીપ સિંહે સાત મેચમાં 15 વિકેટ ઝડપી છે. તો આફ્રિકાના કેશવ મહારાજે આફ્રિકા માટે 7 મેચમાં 9 વિકેટ ઝડપી છે. ટુર્નામેન્ટમાં બંને ટીમના ચાઈનામેન બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારત માટે કુલદીપ યાદવે ચાર મેચોમાં 5.87 પ્રતિ ઓવરની ઇકોનોમીના દરે 10 વિકેટ ઝડપી છે. જ્યારે આફ્રિકા માટે, તબરેઝ શમ્સીએ ચાર મેચમાં 7.37 પ્રતિ ઓવરની ઇકોનોમીથી 11 વિકેટ ખેરવી છે. જો કે આફ્રિકાનો રબાડા ગમે ત્યારે ગેમ ચેન્જ કરી શકે છે. તો ભારતનો બુમરાહ પણ આફ્રિકાના બેટર માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

આ પણ વાંચો : ફાઈનલમાં ભારતના આ 3 ખેલાડી બની શકે છે દક્ષિણ આફ્રિકા માટે ખતરો

T20 World Cup Final 2024: ફાઈનલમાં કોણ મજબૂત, જાણો ભારત અને દ.આફ્રિકામાં કોનું પલડું ભારે? 2 - image


Google NewsGoogle News