નડિયાદનું ચવાણું, સૂર્યકુમારનો કેચ...: PM મોદીએ ટીમ ઈન્ડિયા સાથે શું વાત કરી? જુઓ વીડિયો
Team India Meeting PM Modi: ભારતીય ટીમ ટ્રોફી જીત્યા બાદ બાર્બાડોસથી દિલ્હી પહોંચી હતી. દિલ્હીમાં ભારતીય ટીમના ખેલાડીઓએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. હવે, આ મુલાકાતનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ભારતીય ખેલાડીઓ 2024ના વર્લ્ડકપ દરમિયાનના તેમના અનૂભવો વડાપ્રધાન મોદી સાથે શેર કરતા જોવા મળે છે.
રાહુલ દ્રવિડે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો
આ મુલાકાત દરમિયાન ચેમ્પિયન ટીમ ઇન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, હું તમારો આભાર વ્યક્ત કરવા માગું છું કે તમે અમને મળવાની તક આપી. અમદાવાદમાં જ્યારે અમારી મેચ (ફાઇનલ) થઇ હતી ત્યારે પણ તમે અમને મળવા આવ્યા હતા. એ સમય અમારા માટે એટલો સારો નહોતો. આથી મને ખુશી છે કે, આ ખુશીના અવસર પર અમે તમને મળી શક્યા.
રોહિત સાથે વડાપ્રધાને શું ચર્ચા કરી?
કેપ્ટન રોહિત શર્માને જીતની ક્ષણ વીશે વડાપ્રધાન મોદીએ સવાલ કરતા કહ્યું કે, તમે ઘણાં ભાવુક લાગી રહ્યા હતા અને તમે મેદાનમાં જઇને માટી ખાધી એ ક્ષણ વિશે તમે શું કહેવા માગો છો? રોહિત શર્માએ વડાપ્રધાનના સવાલનો જવાબ આપતા કહ્યું કે, અમે ઘણી વખત પ્રયાસ કરી ચૂક્યા હતા, પરંતુ અમને સફળતા ન મળી હતી અને આ વખતે આપણી ટીમે જે અભૂતપૂર્વ સફળતા મેળવી તે એક એવી ક્ષણ હતી કે તે આપમેળે થઇ ગયું. હું મેદાનમાં ગયો અને ત્યાંની માટી ખાધી કારણ કે તે મેદાનમાં જ બધું થયું, ત્યાં જ અમને સફળતા મળી હતી.
જુઓઃ ભારતીય ટીમની વડાપ્રધાન સાથે મુલાકાતનો વીડિયો
સુર્યાએ ઐતિહાસિક કેચ મુદ્દે શું નિવેદન આપ્યું?
સાઉથ આફ્રિક વિરૂદ્ધ સુર્ય કુમારે છેલ્લી ઓવરમાં ડેવિડ મિલરનો ઐતિહાસીક કેચ પકડ્યો હતો. આ અંગે તેણે PMને કહ્યું કે, પહેલા હું કેચ કરવા અંગે નહોતું વિચારી રહ્યો હતો. હું વિચારી રહ્યો હતો કે હું ફક્ત બોલને બાઉન્ડ્રી લાઉન પાર ન કરવા દઉં જેથી વિરોધીઓને માત્ર 1 અથવા 2 રન જ મળે પરંતુ મેં બોલ પકડવા પ્રયત્ન કર્યો અને બોલ મારા હાથમાં આવી ગઇ. રાહુલ દ્રવિડે આ અંગે જણાવ્યું કે, સુર્યકુમાર પ્રેક્ટિસ દરમિયાન આવા 150થી 160 કેચ પકડી ચુક્યા છે.