ટીમ ઈન્ડિયાનો એકમાત્ર ખેલાડી જે 17 વર્ષ પહેલા પણ વર્લ્ડ ચેમ્પિયન્સની બસ પરેડમાં હાજર હતો
ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારે વર્લ્ડ કપ ટ્રોફી લઈને બાર્બડોસથી દિલ્હી એરપોર્ટ આવી પહોંચી હતી. કેપ્ટન રોહિત શર્મા અહીં પણ પોતાની ટીમને લીડ કરી રહ્યો હતો. રોહિત શર્મા એક હાથમાં વર્લ્ડ કપની ટ્રોફી લઈને એરપોર્ટ પર ચાલી રહ્યો હતો ત્યારે ટીમના ખેલાડીઓના ચહેરા પર વિજયની ખુશી છલકાઈ રહી હતી.
જો કે રસપ્રદ વાત એ છે કે 17 વર્ષ પહેલા પણ ભારતીય ટીમ આ જ અંદાજમાં મુંબઈ એરપોર્ટ પર ઉતરી હતી. ત્યારે દક્ષિણ આફ્રિકામાં વર્લ્ડકપ યોજાયો હતો. 2007ની ચેમ્પિયન ટીમ અને 2024ની વિજેતા ટીમ વચ્ચે માત્ર એક જ વસ્તુ સામાન્ય છે. એ છે કેપ્ટન રોહિત શર્મા પોતે. રોહિત શર્મા પણ તે ટીમમાં હતો અને આ ટીમનો પણ સભ્ય રહ્યો હતો.
2007માં જ્યારે ભારતે પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીત્યો ત્યારે રોહિત શર્મા ચેમ્પિયન ટીમનો સૌથી યુવા સભ્ય હતો. ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટાઇટલ જીત્યું હતું. MS ધોની ભારતને T20 વર્લ્ડ કપ જીતાડનાર પ્રથમ કેપ્ટન બન્યો હતો. રોહિત શર્મા ત્યારે યુવા બેટર હતો અને સ્પિન બોલિંગ પણ જરૂર પડ્યે કરી શકતો હતો. તેણે પોતાની શાનદાર રમત ચાલુ રાખી. આજે તે ટીમ ઈન્ડિયાનો સૌથી સિનિયર સભ્ય છે. હિટમેન હજુ પણ ભારતનો સૌથી વિસ્ફોટક ખેલાડી છે. અને હવે તેણે પણ ભારત માટે વર્લ્ડકપ જીતી બતાવ્યો છે.