આગામી T20 વર્લ્ડકપની તૈયારી શરૂ, 12 ટીમને મળી ડાયરેક્ટ એન્ટ્રી, બે દેશમાં થશે આયોજન

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
આગામી T20 વર્લ્ડકપની તૈયારી શરૂ, 12 ટીમને મળી ડાયરેક્ટ એન્ટ્રી, બે દેશમાં થશે આયોજન 1 - image

T20 World Cup 2026: રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે 29 જૂને ઈતિહાસ રચી દીધો હતો. તેમણે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને બીજી વખત ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. આ પહેલા ભારતીય ટીમે 2007માં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. પરંતુ ચાહકો માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે.

આગામી T20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં રમાશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ પાસે હવે આગામી વખતે પણ ટ્રોફી જીતવાની સુવર્ણ તક રહેશે. આ વખતની જેમ આગામી સિઝનમાં પણ 20 ટીમો ભાગ લેશે અને કુલ 55 મેચ રમાશે.

આગામી વખતે પણ થશે સુપર-8 વાળુ ફોર્મેટ

આગામી વર્લ્ડ કપ સિઝન પણ 2024 જેવી જ રહેશે. તેનું ફોર્મેટ પણ આ જ રીતે રહેશે. આગામી વખતે પણ 5-5 ટીમોના 4 ગ્રુપ હશે. દરેક ગ્રુપમાંથી 2-2 ટીમ સુપર-8માં એન્ટ્રી કરશે. ત્યારબાદ સેમીફાઈનલ અને ફાઈનલ મુકાબલો થશે.

આ પહેલા તમને જણાવી દઈએ કે, 2026 T20 વર્લ્ડ કપ માટે 12 ટીમો નક્કી થઈ ચૂકી છે. હવે માત્ર 8 ટીમોની રાહ જોવાઈ રહી છે. આગામી દોઢ વર્ષમાં આ 8 જગ્યાઓ માટે ક્વોલિફિકેશન ટુર્નામેન્ટ રમાશે. ચાલો T20 વર્લ્ડ કપ 2026 અંગે તમામ વિગતો જાણીએ....

આ 12 ટીમોની ડાયરેક્ટ એન્ટ્રી

યજમાન હોવાના કારણે ભારતીય ટીમ અને શ્રીલંકાને ડાયરેક્ટ એન્ટ્રી મળી છે. જ્યારે બાકીની 10 ટીમોમાં T20 વર્લ્ડ કપ 2024 સુપર-8 રાઉન્ડમાંથી લેવામાં આવી છે. આ ટીમો અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ છે. આ રીતે કુલ 9 ટીમો થઈ ગઈ છે.

જ્યારે બાકીની 3 ટીમો 30 જૂન સુધીની ICC T20 ટીમ રેન્કિંગ દ્વારા લેવામાં આવી છે. પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને આયર્લેન્ડ સુપર-8માં નથી પહોંચી શકી. પરંતુ T20 રેન્કિંગમાં સારી પોઝિશિનમાં હોવાના કારણે આ ત્રણેય ટીમોએ પણ 2026 T20 વર્લ્ડ કપમાં સ્થાન બનાવી લીધુ છે. પાકિસ્તાન સાતમા, ન્યુઝીલેન્ડ છઠ્ઠા અને આયર્લેન્ડ 11મા નંબર પર છે.

બાકીની 8 ટીમને આ રીતે મળશે એન્ટ્રી

12 ટીમોની ડાયરેક્ટ એન્ટ્રી બાદ 8 ટીમોની જગ્યા ખાલી રહેશે. તેના માટે અલગ-અલગ ક્વોલિફિકેશન ટુર્નામેન્ટ હશે. તેમાં ઉપર રહેનારી ટીમોને T20 વર્લ્ડ કપ 2026ની સિઝન માટે ટિકિટ મળશે. આ ક્વોલિફિકેશન ટુર્નામેન્ટ આફ્રિકા, એશિયા, યુરોપ, અમેરિકા અને ઈસ્ટ એશિયા-પેસિફિક રીજન માટે હશે. આફ્રિકા, એશિયા અને યુરોપમાંથી બે-બે ટીમો પસંદ કરવામાં આવશે જ્યારે બાકી બે રીજનમાંથી એક-એક ટીમ આવશે.

કયા મહાદ્વીપથી કઈ ટીમ એન્ટ્રી કરી શકે છે

આફ્રિકા મહાદ્વીપ: બે સ્થાન માટે ઝિમ્બાબ્વે, નામિબિયા, યુગાન્ડા, કેન્યા, નાઈજીરિયા, તાન્ઝાનિયા જેવી ટીમો દાવેદાર હશે. T20 વર્લ્ડ કપ 2024માં યુગાન્ડા અને નામિબિયાએ ક્વોલિફાય કર્યું હતું.

એશિયા: અહીં બે સ્થાન માટે નેપાળ, ઓમાન, UAE, બહેરીન, કુવૈત, હોંગકોંગ, મલેશિયા, કતાર પણ દાવેદારી રજૂ કરશે. જ્યારે T20 વર્લ્ડ 2024માં  નેપાળ અને ઓમાને ક્વોલિફાય કર્યું હતું.

યુરોપ: 2024 સિઝનમાં યુરોપથી નેધરલેન્ડ અને સ્કોટલેન્ડે ક્વોલિફાય કર્યું હતું. આગામી વખતે પણ બંને દાવેદાર છે પરંતુ તેઓને ઈટાલી, જર્સી, જર્મની, ડેનમાર્ક અને સ્પેન તરફથી તગડી ટક્કર મળશે. 

ઉત્તર અને દક્ષિણ અમેરિકા મહાદ્વીપ: અહીંથી માત્ર એક જ ટીમ ક્વોલિફાય કરશે. 2024 સિઝનમાં કેનેડાએ એન્ટ્રી કરી હતી. આગામી વખતે પણ તે મોટી દાવેદાર છે, પરંતુ તેને બર્મુડા, કેમન આઈલેન્ડ, આર્જેન્ટિના અને પનામાથી ટક્કર મળશે. 

ઈસ્ટ એશિયા-પેસિફિક: આ રીજનથી 2024 T20 વર્લ્ડ કપમાં પાપુઆ ન્યુ ગિની ટીમ રમી હતી. હવે તેણે ફરીથી ક્વોલિફાય કરવું પડશે. આ વખતે પાપુઆ ન્યુ ગિનીની ટીમને જાપાન, ફિજી, સમોઆ, વનુઆતુ અને કુક આઈલેન્ડ જેવી ટીમો પડકારશે.


Google NewsGoogle News