Get The App

દ. આફ્રિકાની સેમિ ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી, રોમાંચક મેચમાં વિન્ડિઝને 3 વિકેટે પરાજય આપ્યો

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
દ. આફ્રિકાની સેમિ ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી, રોમાંચક મેચમાં વિન્ડિઝને 3 વિકેટે પરાજય આપ્યો 1 - image


WI vs SA T20 World Cup 2024 Highlights: ICC મેન્સ T20 વર્લ્ડકપ 2024ના સુપર 8 મુકાબલામાં જોરદાર ટક્કર જામી રહી છે ત્યારે આજે નોર્થ સાઉન્ડના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ અને દ.આફ્રિકા વચ્ચે જોરદાર મેચ રમાઈ. ‘કરો યાર મરો’ જેવી આ મેચમાં દ. આફ્રિકાએ ડકવર્થ  લુઈસ નિયમ હેઠળ 3 વિકેટે જીત મેળવી વિન્ડિઝ માટે સેમિફાઈનલમાં પ્રવેશ મુશ્કેલ કરી દીધો હતો. આ સાથે ખુદ દ.આફ્રિકાએ સેમિ ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. 

દ.આફ્રિકા પોઈન્ટ ટેબલમાં ટોપ પર 

વેસ્ટ ઈન્ડિઝ સામેની રોમાંચક મેચમાં દ.આફ્રિકાને ડકવર્થ લ્યુઇસ નિયમનો ફાયદો મળ્યો હતો. વરસાદના વિઘ્નને કારણે 17 ઓવરમાં 123 રનનો ટારગેટ મળ્યો હતો. જેના પછી તેણે 5 બોલ બાકી રાખી આ ટારગેટ ચેઝ કર્યો હતો. આ વિજય સાથે દ.આફ્રિકાને સેમિ ફાઈનલમાં એન્ટ્રી મળી ગઈ છે. જ્યારે ઇંગ્લેન્ડ પહેલાથી જ સેમિ ફાઇનલમાં પહોંચી ગઇ છે. દ.આફ્રિકા ગ્રૂપ 2માં 6 પોઈન્ટ સાથે ટોપ પર પહોંચી ગઈ છે જ્યારે ઈંગ્લેન્ડ 4 પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. 

મેચમાં અનેકવાર વરસાદ નડ્યો 

આ મેચ દરમિયાન જ્યારે દક્ષિણ આફ્રિકાની ઇનિંગમાં બે ઓવર થઈ હતી ત્યારે વરસાદ પડ્યો હતો. તે સમયે આફ્રિકન ટીમનો સ્કોર બે વિકેટે 15 રન હતો અને તે મુશ્કેલીમાં હતી. પરંતુ જ્યારે વરસાદ બંધ થયા બાદ રમત શરૂ થઈ ત્યારે મેચમાં ઓવરો ઘટાડી દેવામાં આવી અને આફ્રિકાને નવો ટારગેટ મળ્યો. દક્ષિણ આફ્રિકા માટે ટ્રિસ્ટન સ્ટબ્સે 27 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 29 રન બનાવ્યા હતા. જ્યારે હેનરિક ક્લાસને 22 રનની ઇનિંગ રમી હતી.

છેલ્લી ઓવરમાં 5 રનની જરૂર હતી 

દક્ષિણ આફ્રિકાને જીતવા માટે છેલ્લી ઓવરમાં પાંચ રન બનાવવાના હતા. ઓબેડ મેકકોયની તે ઓવરમાં માર્કો જેન્સને પ્રથમ બોલ પર સિક્સર ફટકારીને દક્ષિણ આફ્રિકાની ટીમને જીત અપાવી હતી. જેન્સને અણનમ 21 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી રોસ્ટન ચેઝે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. અને આન્દ્રે રસેલ અને અલઝારી જોસેફે બે-બે વિકેટ લીધી હતી.

પૂરને અડધી સદી ફટકારી હતી 

આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં આઠ વિકેટે 135 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ માટે નિકોલસ પૂરને 42 બોલમાં 52 રનની શાનદાર ઈનિંગ રમી જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થતો હતો. જ્યારે ઓપનર બેટ્સમેન કાયલ મેયર્સે 34 બોલમાં 3 ફોર અને 2 સિક્સરની મદદથી 35 રન બનાવ્યા હતા. 

દ. આફ્રિકાની સેમિ ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી, રોમાંચક મેચમાં વિન્ડિઝને 3 વિકેટે પરાજય આપ્યો 2 - image



Google NewsGoogle News