ICC T20 વર્લ્ડકપની ડેબ્યૂ મેચમાં અમેરિકાની ધમાકેદાર શરૂઆત, કેનેડાને 7 વિકેટે કચડ્યું

Updated: Jun 2nd, 2024


Google NewsGoogle News
ICC T20 વર્લ્ડકપની ડેબ્યૂ મેચમાં અમેરિકાની ધમાકેદાર શરૂઆત, કેનેડાને 7 વિકેટે કચડ્યું 1 - image


T-20 World Cup 2024 USA vs CAN : ICC T-20 વર્લ્ડ કપ 2024ની આજથી શરૂઆત થઇ ગઇ છે. વર્લ્ડ કપની પ્રથમ મેચ કેનેડા અને યજમાન અમેરિકા વચ્ચે ડલાસના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ બંને ટીમોની T-20 વર્લ્ડ કપની ડેબ્યૂ મેચ હતી. અમેરિકાએ કેનેડાના 195 રનના ટાર્ગેટને 14 બોલ બાકી રહેતા માત્ર 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો અને T-20 વર્લ્ડ કપમાં શાનદાર શરૂઆત કરી. એક સમયે અમેરિકા તેના બંને ઓપનિંગ બેટરોની વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહ્યું હતું. પરંતુ એરોન જોન્સ સાથે મળીને એન્ડ્રીસ ગૌસે મેચનું પાસું જ બદલી નાખ્યું હતું.

ત્રીજી વિકેટ માટે 121 રનની ભાગીદારી 

એરોન જોન્સ અને એન્ડ્રીસ ગૌસે   ત્રીજી વિકેટ માટે 9.1 ઓવરમાં 121 રનની ભાગીદારી કરી હતી. એન્ડ્રીસ ગૌસે 46 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 65 રન બનાવ્યા હતા. એરોન જોન્સે 40 બોલમાં 4 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી 94 રનની અણનમ ઈનિંગ રમી અને કેનેડાના વિશાળ લક્ષ્યને ખૂબ જ સરળ બનાવી દીધું. કોરી એન્ડરસન 3 રન બનાવીને અણનમ રહ્યો હતો. કેનેડાના કેપ્ટન સાદ બિન ઝફરે અમેરિકા સામે છ બોલરોનો ઉપયોગ કર્યો હતો, પરંતુ તેનો કોઈ બોલર જોન્સ અને ગૌસને રોકવામાં સફળ રહ્યો ન હતો.

કેનેડિયન બોલર ખર્ચાળ સાબિત થયા 

માત્ર ડાયલન હેલિગરે પ્રભાવશાળી બોલિંગ કરી અને અને 3 ઓવરમાં 19 રન આપીને 1 વિકેટ લીધી. નિખિલ દત્તા અને કલીમ સનાને 1-1 સફળતા મળી. પરંતુ બંને ખર્ચાળ સાબિત થયા. કેનેડા દ્વારા આપવામાં આવેલા 195 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે કેપ્ટન મોનાંક પટેલ અને સ્ટીવન ટેલરે અમેરિકન ઇનિંગ્સની શરૂઆત કરી હતી. પરંતુ કેનેડિયન બોલર કલીમ સનાએ પ્રથમ જ ઓવરમાં ઓપનર ટેલરને ખાતું ખોલાવ્યા વિના એલબીડબ્લ્યુ આઉટ કરીને અમેરિકાને આંચકો આપ્યો હતો. મોનાંક પટેલ પણ બેટથી કંઈ ખાસ કરી શક્યો ન હતો અને 16 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 16 રનની ધીમી ઈનિંગ રમીને ડાયલન હેલિગરનો શિકાર બન્યો હતો.

ICC T20 વર્લ્ડકપની ડેબ્યૂ મેચમાં અમેરિકાની ધમાકેદાર શરૂઆત, કેનેડાને 7 વિકેટે કચડ્યું 2 - image


Google NewsGoogle News