અફઘાનિસ્તાન આ સુપરહીરોના કારણે સેમિ ફાઇનલમાં પહોંચ્યું, શાનદાર પર્ફોમન્સ કરી રચ્યો ઈતિહાસ
Superheroes of Afghanistan Team: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં અફઘાનિસ્તાનની ટીમે ઈતિહાસ રચી દીધો છે. અફઘાનિસ્તાને સુપર-8ની મેચમાં બાંગ્લાદેશની ટીમને આઠ વિકેટ હરાવીને સેમિ ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની સેમિ ફાઈનલ રમવાની આશા પર પાણી ફેરવી દીધું છે. આ જીત અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ માટે ઐતિહાસિક છે. હવે અફઘાનિસ્તાનની ટીમ 27 જૂને સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.
અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમનો હીરો
T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની ટીમના અનેક ખેલાડીઓનો દેખાવ ઘણો સારો રહ્યો છે. ખાસ કરીને ફાસ્ટ બોલર ફજલહક ફારુકીએ આ આખી ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ બોલિંગ કરી છે. ફારુકીએ 16 વિકેટ લઈને અફઘાનિસ્તાન ટીમને આગળ વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
કેપ્ટન રાશિદ ખાનની પણ મહત્ત્વની ભૂમિકા
આ ઉપરાંત અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન રાશિદ ખાને ટીમને એક કરવામાં ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેણે બોલિંગ કરીને 10 વિકેટ લીધી છે, તો ટીમના અન્ય ખેલાડીઓનો વિશ્વાસ પણ જીતી શક્યો છે.
ઓપનિંગ બેટરની પણ ધૂંઆધાર બેટિંગ
આ ટુર્નામેન્ટમાં અફઘાનિસ્તાનનો ઓપનર રહમાનુલ્લાહ ગુરબાઝે ધૂંઆધારે બેટિંગ કરી શક્યો છે. અનેક મેચમાં તેણે તોફાની બેટિંગ કરીને વિરોધી ટીમની વ્યૂહનીતિ ઉલટ-સુલટ કરી દીધી હતી. રહમાનુલ્લાહ ગુરબાઝે સાત મેચમાં કુલ 281 રન બનાવ્યા છે. આ ઉપરાંત તે T20 વર્લ્ડ કપ 2024માં સૌથી વધુ રન કરનારો પણ ખેલાડી બની ગયો છે.
આ ખેલાડીની પણ છે મહત્ત્વની ભૂમિકા
ગુરબાઝ સાથે ઓપનિંગ કરનારા ઈબ્રાહિમ જાદરાને પણ વિરોધી ટીમની વ્યૂહનીતિઓને ચકનાચૂર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેણે સાત મેચમાં 227 રન ફટકાર્યા છે. આ બંને ખેલાડીઓએ અફઘાનિસ્તાનની ટીમને ટોચે પહોંચાડવા ઘણી મહેનત કરી છે.
નવીન-ઉલ-હકે કરી શાનદાર બેટિંગ
બોલર નવીન-ઉલ-હકે પણ નિર્ણાયક સમયે શાનદાર બોલિંગ કરીને ટીમ માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. નવીને 11 વિકેટ પોતાના નામે કરી હતી. અફઘાનિસ્તાનના બોલિંગ વિભાગ તેમજ તેની શરૂઆતની બેટિંગના આધારે ટીમ સેમીફાઈનલમાં પહોંચવામાં સફળ રહી છે.
ગુલબદીન નાયબે ઓસ્ટ્રેલિયા સામે 4 વિકેટ
ગુલબદીન નાયબે પણ ટીમ માટે ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા સામેની સુપર 8 મેચમાં ગુલબદીન નાયબે 4 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની કમર તોડી નાખી હતી.
મેન્ટર અજય જાડેજાની હિંમતથી ટીમની પ્રતિષ્ઠા વધી
ODI વર્લ્ડ કપ 2023માં ટીમના મેન્ટર રહેલા અજય જાડેજાએ અફઘાનિસ્તાન ટીમને ઘણી મદદ કરી છે. જાડેજાએ ODI વર્લ્ડ કપ દરમિયાન કહ્યું હતું કે, 'જે દિવસે આ ટીમ મોટી ટીમને હરાવશે તે દિવસે આ ટીમ મોટી બની જશે.' આજે અજય જાડેજાની એ વાત સાચી સાબિત થઈ રહી છે.
જોનાથન ટ્રોટનું કોચિંગ અને બ્રાવોની સલાહ
જોનાથન ટ્રોટના કોચિંગ હેઠળ અફઘાનિસ્તાનની ટીમ સારું પ્રદર્શન કરી રહી છે. જોનાથન ટ્રોટના માર્ગદર્શન હેઠળ આ ટીમે સૌથી મોટી ટીમોને પણ હરાવવાની હિંમત શીખી છે. જયારે ડ્વેન બ્રાવો ટીમમાં બોલિંગ કન્સલ્ટન્ટ તરીકે કામ કરી રહ્યો છે. જેના લીધી બોલિંગમાં ઘણો સુધારો આવ્યો છે.