T-20 વર્લ્ડકપમાં 10.5 ઓવરમાં ટારગેટ ચેઝ, વિન્ડિઝે USAને 9 વિકેટે કચડ્યું, હોપની તોફાની બેટિંગ
Image : IANS |
ICC T20 World Cup 2024: T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8ના ગ્રુપ 2ની મેચમાં આજે વર્લ્ડ કપની યજમાન ટીમની ટક્કર થઈ હતી. જેમાં વેસ્ટ ઈન્ડિઝે અમેરિકાને 9 વિકેટે હરાવ્યું છે. વેસ્ટ ઈન્ડિઝની આ જીતમાં શે હોપે તેની T20Iનાી સૌથી મોટી ઈનિંગ રમી હતી. આ સાથે જ વેસ્ટ ઈન્ડિઝ સેમિફાઈનલની રેસમાં યથાવત રહેતા હવે સુપર-8 રાઉન્ડ વધુ રોમાંચક બન્યો છે.
વેસ્ટ ઈન્ડિઝે એક વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો
બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા અમેરિકાની ટીમ 19.5 ઓવરમાં 128 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે 10.5 ઓવરમાં જ એક વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. આ મેચમાં અમેરિકાની ટીમના કોઈ બેટર 30 રનનો આંકડો પણ પાર કરી શક્યો નહોતો.
શાઈ હોપે T20Iની સૌથી મોટી ઈનિંગ રમી
શાઈ હોપ અને નિકોલસ પૂરન બંને મેચના અંત સુધી અણનમ રહ્યા હતા. શાઈ હોપે ફક્ત 39 બોલમાં અણનમ 82 રન ઝૂડી નાખ્યા હતા. 8 છગ્ગા અને 4 ચોગ્ગાથી શાઈ હોપે તેની T20 ઈન્ટરનેશનલ કરિયરની સૌથી મોટી ઈનિંગ રમી છે. અગાઉ તેણે વર્ષ 2018માં બાંગ્લાદેશ સામે 55 રન બનાવ્યા હતા. T20Iમાં આ તેની ચોથી ફિફ્ટી હતી. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા બંને ટીમો પોતપોતાની શરૂઆતની સુપર-8 મેચ હારી ગઈ હતી.