'સેહવાગ કોણ છે...', સ્ટાર ઑલરાઉન્ડરે આપ્યું ચોંકાવનારું નિવેદન, વીડિયો વાયરલ થતાં ટ્રોલ થયો
Image : IANS |
Shakib al hasan hits back to virender sehwag : બાંગ્લાદેશના સ્ટાર ઑલરાઉન્ડર શાકિબ અલ હસને ગુરુવારે નેધરલેન્ડ સામે ફોર્મમાં પરત ફરતા શાનદાર ફિફ્ટી ફટકારી હતી. મેચમાં તેણે 46 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 64 રનની ઈનિંગ રમી હતી. શાકિબે T20Iમાં 13મી ફિફ્ટી ફટકારી હતી. જો કે સ્ટાર ઑલરાઉન્ડરે આઠ વર્ષ બાદ T20 વર્લ્ડ કપમાં ફિફ્ટી ફટકારી હતી.
શાકિબે ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો
શાકિબ અલ હસને ફોર્મમાં આવતા જ ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેણે સૌથી પહેલા ભારતીય ટીમના પૂર્વ વિસ્ફોટક બેટર વિરેન્દ્ર સેહવાગ પર નિશાન સાધ્યું હતું. જેણે ટીમમાં શાકિબની જગ્યા પર સવાલ ઉઠાવ્યા હતા. સેહવાગે કહ્યું હતું કે શાકિબે ઘણા સમય પહેલા જ T20 ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લેવો જોઈતો હતો. ફાસ્ટ ફોર્મેટમાં શાકિબના આંકડા પાછળથી શરમજનક કહેવાશે. નોંધનીય છે કે શાકિબ અલ હસનનું નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. અને યુઝર્સ સ્ટાર ઑલરાઉન્ડરને સતત ટ્રોલ કરી રહ્યા છે.
શાકિબે સેહવાગ પર તીખી પ્રતિક્રિયા આપી
નેધરલેન્ડ સામેની મેચ બાદ પત્રકાર પરિષદમાં શાકિબે સેહવાગ પર તીખી પ્રતિક્રિયા આપી હતી. જ્યારે શાકિબને સવાલ કરવામાં આવ્યો કે સેહવાગના નિવેદન પર શું પ્રતિક્રિયા આપશે ત્યારે 37 વર્ષીય ઑલરાઉન્ડરે જવાબમાં કહ્યું હતું કે 'સેહવાગ કોણ છે?' શાકિબના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઉપરાંત તેણે કહ્યું કે, 'ખેલાડી ક્યારેય કોઈ પ્રશ્નનો જવાબ આપવા આવતો નથી. ખેલાડીનું કામ બેટ કે બોલથી ટીમમાં યોગદાન આપવાનું છે'.
શું કહ્યું હતું વિરેન્દ્ર સેહવાગે
વીરુએ એક ચેનલને ઈન્ટરવ્યું આપતા કહ્યું કે, 'ગત વર્લ્ડ કપમાં મને લાગ્યું કે શાકિબને ટી-20 ફોર્મેટમાં પસંદ ન કરવો જોઈએ. તેમની નિવૃત્તિનો સમય ઘણા સમય પહેલા આવી ગયો હતો. તમે આવા સિનિયર ખેલાડી છો. તમે ટીમના કેપ્ટન રહ્યા છો. તમારા ભૂતકાળના કેટલાક આંકડાઓ જોતા તમને શરમ આવવી જોઈએ. તમારે આગળ આવવું જોઈએ અને જાહેરાત કરવી જોઈએ કે બહુ થયું, હું આ ફોર્મેટમાંથી નિવૃત્ત થઈ રહ્યો છું.'