T-20 વર્લ્ડ કપમાં સુપર-8 માટે 7 ટીમો ફાઈનલ, એક સ્થાન માટે હવે આ બે ટીમો વચ્ચે જામશે જંગ
T20 World Cup 2024: આજે T20 વર્લ્ડ કપમાં આજે સ્કોટલેન્ડ સામે ઓસ્ટેલિયાએ વિજય સાથે સુપર-8ની ટિકિટ મેળવી લીધી છે. તો બીજી તરફ આ મેચમાં કાંગારુની ટીમની સાથે ઈંગ્લેન્ડે પણ સુપર-8માં જગ્યા પાકી કરી લીધી છે. આ સાથે જ હવે સુપર એઈટમાં સાત ટીમો ફાઈનલ થઈ ગઈ છે. જ્યારે હવે એક સ્થાન માટે બે ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામશે.
વર્લ્ડ કપમાં રોમાંચક તબક્કો ચાલી રહ્યો છે
ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં રોમાંચક તબક્કો ચાલી રહ્યો છે. આજે સેન્ટ લુસિયાના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ સ્કોટલેન્ડને પાંચ વિકેટથી હરાવ્યું હતું. આ હારને કારણે સ્કોટલેન્ડની ટીમ સુપર 8ની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. ઇંગ્લેન્ડનું નસીબ ચમક્યું અને તેણે સુપર 8માં એન્ટ્રી મળી ગઈ છે.
ભારત સહિત આ સાત ટીમ સુપર-8માં પહોંચી
વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં સાત ટીમો સુપર 8માં જગ્યા બનાવી ચૂકી છે. એક જગ્યા માટે બે ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી શકે છે. ભારત અને યુએસએ ગ્રુપ-એમાંથી ક્વોલિફાય થયા છે. ગ્રુપ બીમાંથી ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડે પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝે ગ્રુપ સીમાંથી જગ્યા બનાવી છે. જ્યારે ગ્રુપ-ડીમાંથી દક્ષિણ આફ્રિકાએ સુપર 8માં સ્થાન મેળવ્યું છે અને હવે એક ટીમ જગ્યા બનાવી શક્શે.
નેટ રન રેટના આધારે નિર્ણય લેવાશે
બાંગ્લાદેશ અને નેધરલેન્ડની ટીમ ગ્રુપ ડીમાંથી સ્થાન મેળવવા માટે લડી રહી છે. જો બાંગ્લાદેશની ટીમ નેપાળને હરાવશે તો તે સુપર 8માં પહોંચી જશે. પરંતુ જો નેપાળ બાંગ્લાદેશને હરાવે અને નેધરલેન્ડ શ્રીલંકાને હરાવે, તો આવી સ્થિતિમાં નેધરલેન્ડ અને બાંગ્લાદેશ બંનેના ચાર-ચાર પોઈન્ટ થશે. ત્યારબાદ નેટ રન રેટના આધારે નિર્ણય લેવામાં આવશે.
નેટ રન રેટમાં બાંગ્લાદેશની ટીમ આગળ
હાલમાં નેટ રન રેટના મામલે બાંગ્લાદેશની ટીમ નેધરલેન્ડ કરતા આગળ છે. બાંગ્લાદેશની નેટ રન રેટ +0.478 છે, જ્યારે ડચ ટીમની નેટ રન રેટ -0.408 છે. બાંગ્લાદેશ-નેપાળ અને નેધરલેન્ડ-શ્રીલંકા વચ્ચે 17 જૂને મેચ રમાવાની છે. બાંગ્લાદેશ અને નેધરલેન્ડ વચ્ચે જે પણ ટીમ ક્વોલિફાય થશે તેણે સુપર 8માં ભારતનો સામનો કરવો પડશે.