ભારત-પાકિસ્તાન મેચ માટે મેદાન બદલાઈ જશે? ન્યૂયોર્કની પિચો મુદ્દે ટીમ ઈન્ડિયા નારાજ
ICC Men's T20 World Cup : ભારતમાં IPL-2024નું ધમાકેદાર સમાપન થયા બાદ હવે ક્રિકેટ રશિયાઓ હાલ ટી20 વર્લ્ડકપ-2024માં ગ્રૂપ સ્ટેજની મજા માણી રહ્યા છે. ગ્રૂપ સ્ટેજમાં અત્યાર સુધીમાં કુલ 10 મેચો રમાઈ ચુકી છે, પરંતુ મહત્વની વાત એ છે કે, આ ગ્રૂપ સ્ટેજોમાં હજુ સુધી આઈપીએલ જેવો હાઈસ્કોરિંગ મુકાબલો જોવા મળ્યો નથી. આ ટુર્નામેન્ટમાં વેસ્ટઈન્ડિઝ અને અમેરિકાની યજમાની હેઠળ રમાઈ રહી છે. ગ્રૂપ સ્ટેજોની મેચો પૂર્ણ થયા બાદ 19મી જૂનથી સુપર એઈટ ટીમોની મેચો શરૂ થવાની છે, જોકે આ મેચો શરૂ થાય તે પહેલા જ પિચનો વિવાદ શરૂ થઈ ગયો છે. ન્યૂયોર્કની નાસાઉ કાઉન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમની પીચ પર ગ્રૂપ સ્ટેજની અત્યાર સુધીમાં બે મેચો રમાઈ છે, પરંતુ બંને મેચમાં 100થી વધુ રન બની શક્યા નથી. સામાન્ય રીતે હાઈસ્કોરિંગ મેચો હાઈવોલ્ટેજ મેચ બની જાય છે, જેના કારણે ક્રિકેટ રશિયાઓનો ઉત્સાહ પણ બમણો થઈ જાય છે.
નબળી પીચ પર ભારત-પાકિસ્તાન વચ્ચે 9મી જૂને મેચ
મળતા અહેવાલો મુજબ ન્યૂયોર્કની નાસાઉ કાઉન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમની પીચ મુદ્દે આઈસીસીની ચિંતા વધી ગઈ છે. એટલું જ નહીં આ સ્ટેડિયમમાં આયરલેન્ડ વિરુદ્ધ મેચ રમ્યા બાદ ભારતીય ટીમે પણ પીચ અંગે નારાજગી વ્યક્ત કરી છે. આ જ પીચ ઉપર નવમી જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. જોકે પીચની આવી જ સ્થિતિ રહેશે તો મેચમાં ઘણા ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ શકે છે. જોકે મીડિયા અહેવાલો મુજબ આઈસીસીના અધિકારીઓએ પીચની સ્થિતિ પર નજર રાખવા આદેશ આપ્યો છે.
મેચો અન્ય કોઈ જગ્યાએ શિફ્ટ કરાશે નહીં : ICC
મીડિયા અહેવાલો મુજબ ન્યૂયોર્કમાં પિચોની ખરાબ સ્થિતિ છતાં આઈસીસીની બાકીની મેચોને નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની બહાર શિફ્ટ કરવાની કોઈ યોજના નથી. ન્યૂ યોર્કમાં ડ્રોપ-ઇન પિચોનો ઉપયોગ કરાયો છે, પરંતુ મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ પહેલા તેનું પરીક્ષણ કરી શકાયું નથી. આ પીચ બોલરો માટે વધુ અનુકૂળ છે.
આયર્લેન્ડ સામેની મેચમાં આ પીચ પર રોહિત-પંતને ઈજા થઈ હતી
આ પીચ પર દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને 77 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ત્યારથી ન્યૂયોર્કની પિચ તપાસ હેઠળ આવી હતી. ત્યારબાદ ભારતે આયર્લેન્ડને 96 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. પૂર્વ ક્રિકેટરો સહિત ઘણા દિગ્ગજ ખેલાડીઓએ આ મેદાનની આકરી ટીકા કરી છે અને ICCને ત્યાં મેચ ન યોજવા કહ્યું છે. બુધવારે ભારત-આયર્લેન્ડ મેચ દરમિયાન બોલના ઉછાળાને કારણે રોહિત શર્મા અને ઋષભ પંત ઈજાગ્રસ્ત થયો હતો. બેટિંગ કરતી વખતે રોહિત ઈજાગ્રસ્ત થયો હતો અને તેણે રિટાયર્ડ હર્ટ થવું પડ્યું હતું.