VIDEO: ‘સારી બોલિંગ ના કરતા, વિરાટ-રોહિતને દોસ્ત સમજો’, જાણો IND vs Pak મેચ પહેલા ફેન્સે શું કહ્યું
India vs Pakistan T20 World Cup 2024 Match : T20 વર્લ્ડ કપ 2024માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ રમાવાની છે. આ મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર રાત્રે 8.00 કલાકે શરૂ થવાની છે. મેચ પહેલા પાકિસ્તાની સ્ટાર બોલર શાહીન આફ્રિદીનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેની સાથે ભારતીય ચાહકો જોવા મળી રહ્યા છે. તેમાં તેઓ બોલી રહ્યા છે કે, ‘અમે પંજાબના છીએ અને વાનકુવરથી મેચ જોવા આવ્યા છીએ. શાહીન ભાઈ તરફથી મળેલું શું સરપ્રાઈઝ છે. સારી બોલિંગ કરવાની જરૂર નથી. રોહિત અને વિરાટને તમારા સારા મિત્રો માનો.
ભારત સામે શાહીન આફ્રિદીનું પ્રદર્શન
શાહીન આફ્રિદીએ ભારત સામે અત્યાર સુધીમાં કુલ બે ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન તેણે બે ઇનિંગ્સમાં 21.66ની એવરેજથી ત્રણ વિકેટ ઝડપી છે. ભારત સામે તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 31 રનમાં 3 વિકેટ છે. તેણે 2024માં કુલ 15 ટી20 મેચો રમી છે, જેમાં તેણે 15 ઇનિંગ્સમાં 15.96ની એવરેજથી 27 વિકેટો ઝડપી છે. આ વર્ષે તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 30 રનમાં 4 વિકેટ છે.
શાહીનની ટી20 આંતરરાષ્ટ્રીય સફળતા
શાહીને અત્યાર સુધીમાં કુલ 67 ટી20 મેચ રમી છે. આ દરમિયાન તેને 67 ઇનિંગ્સમાં 20.73ની એવરેજથી વિકેટ ઝડપી છે. T20 ફોર્મેટમાં તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 22 રનના ખર્ચે 4 વિકેટ છે.
નાસાઉની ડ્રોપ-ઇન પિચ પર પ્રશ્નો ઉઠ્યા
આજે બંને દેશો વચ્ચે મેચ રમાવાની છે. આ મેચ 34000 દર્શકોની ક્ષમતાવાળા નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાવાની છે. આ મેદાનની પીચ સતત ચર્ચાનો વિષય બની રહે છે. એડિલેડ ઓવલના મુખ્ય ક્યુરેટર ડેમિયન હોગના માર્ગદર્શન હેઠળ, એપ્રિલમાં અહીં ચાર ડ્રોપ-ઇન પિચ નાખવામાં આવી હતી, જે હજુ સુધી સેટ કરવામાં આવી નથી. પિચ પર બાઉન્સિંગ વધુ થતુ હોવાથી બેટ્સમેનોની સલામતી પર પ્રશ્ન ચિહ્નો ઉભા કરી રહ્યો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માને આયરલેન્ડ સામેની મેચમાં ખભામાં ઈજા થઈ હતી, જેના કારણે તેને મેદાન છોડવું પડ્યું હતું.